જેસલમેર જાઓ કે તરત જ દૂરથી એકદમ સોનેરી દીવાલોથી ચમકતો કિલ્લો તમને ત્યાં આવવા લલચાવે. આ ઊંચી દીવાલો પીળા રેતીના પથ્થરોથી બની છે.
અમે જેસલમેર પ્રવાસના પહેલા દિવસે ત્યાંથી ૪૨ કિમી દૂર આવેલ સામ ડયુન્સ જાેઈ બીજે દિવસે કિલ્લો અને શહેર જાેવાનું નક્કી કર્યું.
હોટેલ સ્ટાફ દ્વારા સૂચવવામાં આવ્યું હતું કે કિલ્લો જાેવો શરૂ કરવા માટે સવારે ૭ વાગ્યે નીકળી જવું કેમકે બપોર થતાં અસહ્ય ગરમી પડે છે અને ઉપર તો ઉભી જ ન શકાય એટલી હદે ગરમી લાગે છે. તે પહેલાં નીચે આવી જવું જાેઈએ.
ગામની સાંકડી શેરીઓ વિંધતા, ઊંચો ઢાળ ચડી કિલ્લા પર પહોંચ્યા.
કોઈ પણ યાત્રાધામ કે ટુરિસ્ટ પ્લેસની જેમ અહીં પણ ચોળાયેલા ‘સરકાર માન્ય’ લખેલા બિલ્લાવાળા ગાઈડો તમને ઘેરી વળે અને સોદાબાજી શરુ કરી દે. અમે એક સફેદ વાળવાળા ગાઇડને પસંદ કર્યો. ફોર્ટ પર રહેવાસીઓ, દુકાનો અને પ્રવાસન સ્થળો, મંદિરોનું મિશ્ર વાતાવરણ છે.
ત્યાંથી અમે એક પથ્થરનું વાસણ ખરીદ્યું કે જેમાં તમે આપોઆપ વગર મેળવણે દૂધમાંથી દહીં જમાવી શકો. રોગોનો ઇલાજ કરતાં ફોસિલ્સ જાેયાં. તેઓના મતે એક ઘર બાંધવા પહેલાં ખરાબ ઊર્જા દૂર કરવા તે બાજુ એનો પાયામાં દાટવા ઉપયોગ થાય છે.એક સંગ્રહાલય જાેયું જેમાં એક સુંદર રાણીની જીવંત પ્રતિમા સંપૂર્ણપણે અલંકારો સાથે અરિસામાં પોતાને શણગારેલી જાેતી હતી. દરબારની બેઠક વ્યવસ્થા, રાજાઓનાં હથિયારો, યુદ્ધો વગેરેનાં ચિત્રો અને મોડેલો હતાં. તમારે બહાર નીકળતા પહેલાં તમામ ૩૦ વિભાગોની મુસાફરી કરવી જ પડે છે. ક્યારેક મોબાઇલ ટોર્ચ જરૂરી બને એટલું અંદરથી અંધારું છે.
પિત્તળની તોપ અને ત્યાંથી શહેરના દૃશ્ય ઉત્કૃષ્ટ હતાં. પથ્થરના બોલ ટોચ પરથી તોપ દ્વારા ફેંકવા માટે વપરાય તે બતાવવામાં આવ્યા. ત્યાં કુદરતી રંગો અને હાથથી બનાવેલી બાંધણીઓ વેચતી ઘણી દુકાનો હતી. સુંદર પથ્થરની કોતરણી વાળાં જૈન અને હિન્દૂ મંદિરો જાેવામાં આવ્યાં.
મહેલ પર તેઓ વાંસનાં શુભ શુકન સૂચવતાં તોરણો બાંધે છે. ટોચ પર ભગવાન ગણેશની મૂર્તિ છે. એક વિષ્ણુ અને લક્ષ્મીનું મંદિર સોનાના ઢોળવાળું છે. સોનાના ઢોળવાળો દરવાજાે પણ બનાવવામાં આવ્યો હતો.
અંદર જ નાનીનાની શેરીઓમાં થઈ અનેક રહેઠાણો હતાં અને મુખ્યત્વે મેઇન રોડ એટલે ઢાળવાળા, કિલ્લાની રાંગને સમાંતર રસ્તે બજાર હતું જ્યાં રંગબેરંગી લહેરીયાં, ચુનરી સાડીઓ, રાજસ્થાની ચુડા અને ઊંટના હાડકાંમાંથી બનેલ પોલિશ કરેલ બંગડી કે ચુડાઓ અને કેનવાસ જેવાં ખાસ કપડાં પર હાથે, કુદરતી રંગોથી ચિત્ર કરેલ વોલ પેઇન્ટિંગ પણ મળતાં હતાં.
કિલ્લાની રાંગ પરથી તોપ પાસે અને વિવિધ જગ્યાએ ઊભી નીચે શહેરનો નઝારો લીધો અને સાડાદસ સુધીમાં હોટલ ભેગાં થઈ ગયાં. જુલાઈ ત્યાં મહત્તમ ગરમીનો મહિનો કહેવાય. બપોર તો ધગી પણ સાંજ પડતાં જ હવા ઠંડી થવા લાગી.
જેસલમેર શહેરમાં બીજે દિવસે સાંજે આમ ઠંડી થતાં પટવા હવેલી ગયાં.છત સોનું, હાથીદાંતનાં નકશીકામ સાથે ઢોળ ચડાવેલી હતી. બારીઓ પર બેલ્જિયમ કાચ હતાં. ૨૦૦થી વધુ વર્ષ જુના અરીસાઓ હોવા છતાં સ્પષ્ટ છબી દર્શાવતા હતાં. છત પર ઘણાં ચામાચીડિયાં લટકેલાં. ગાઈડે જણાવ્યું કે શેઠ દ્વારા પાંચ પુત્રો માટે હવેલી બાંધવામાં આવેલી અને એક ખાનગી શેઠ દ્વારા ખરીદવામાં આવેલી. હવે ૧૯૭૪માં ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા એ શેઠે સરકારને જાહેર કરી એ કિંમતે સરકાર દ્વારા તરત જ હસ્તગત કરી લેવામાં આવેલી. કહે છે શેઠે કિંમત ૨૫ લાખ કહી, સરકારે ૨૫ લાખ આપી એને રાતોરાત હસ્તગત કરી લીધી, જેની કિંમત કરોડોની છે!!
સ્લાઇડિંગ પત્થરો, જ્વેલરી, હીરા રાખવા ભીંતની અંદર છુપા કબાટો અને માત્ર તેઓ જ જાણતા હતા કે જ્યાં વસ્તુઓ રાખવામાં આવે છે તેવી જગ્યાઓ જાેઈ. કોર્ટ રૂમ, કુદરતી રંગો, ચતુર વ્યવહારુ, દૂરદર્શી શેઠની પેઢી, રસોઈ સામગ્રી રાખવા માટે રસોડું, છુપા સ્લોટ્સથી ખૂલતા છુપા ઓરડાઓ વગેરે જાેયાં.
રસોઈની જગ્યા ધુમાડા વગર રસોઈ બને તેવી હતી. સરસ ભીંતચિત્રો સાથે મહેમાન રૂમ, ગુપ્ત ચોપડા, ઓફિસ કમ ટ્રેડિંગ માટે સ્થળ, શેઠના મુલાકાતીઓને બેસવા માટે જગ્યા વગેરે જાેયું અને ખાસ બિચ્છુ તાળાઓ ખાસ ટેકનિક સાથે ખોલી બંધ કરી શકાય તે જાેયાં.
તે શેઠનો છેક ચાઇના અને અફઘાનિસ્તાન, ઈરાન સુધી રેશમ, મસાલા અને કાપડ પર જરીકામ જે ‘પટવારી’ કહેવાય છે તેનો વેપાર હતો. એ પટવારીનું કામ કરનારા એટલે પટવા. પછી સ્વતંત્રતા બાદના નિયમોમાં તેમની ઘણી વસ્તુઓ અટકાવવામાં આવી, તેમને ત્યાં રેડ પડી, દંડ થયા જેથી તેઓ ત્રાસીને જતા રહ્યા હતા. હવે એ હવેલીમાં ચામાચીડિયાંઓ સોનાની છતો પર લટકે છે. લોકો માને છે કે ચામાચીડિયાં કુદરતી મૃત્યુએ નથી મરતાં. બિલાડીઓ વગેરે તેમને ખાય તો જ તેઓ મુક્તિ મેળવે. તે જીવો વર્ષો સુધી પછી પીડાય છે. માનવના પાપોની હજાર જન્મ સુધી આ સજા મળી શકે છે.
બહાર સરસ બાંકડાઓ, શીશમહેલ વગેરે જાેયાં. ભોજન માટે લોકલ રેસ્ટોરાંમાં ગયા જ્યાં ગટ્ટા કા શાક અને કેર સાંગળી - ત્યાંની વિખ્યાત સબ્જી અને રાજસ્થાની થાળીનો છેલ્લો સ્વાદ માણ્યો.