મુંબઈ-
ટીવી ચેનલ આર ભારતના પત્રકાર અર્નબ ગોસ્વામીને તેના જેલવાસ દરમિયાન ફોનનો ઉપયોગ કરવા દેવાયો એ કેસમાં રાજ્યના જેલ પ્રશાસન વિભાગે અલીબાગના જેલર અંબાદાસ પાટીલને સસ્પેન્ડ કરી દીધા છે. 5મી નવેમ્બરની રાત્રે અર્નબ દ્વારા ફોનનો ઉપયોગ કરાયો હોવાનું ખાતાકીય તપાસમાં બહાર આવ્યા બાદ આ નિર્ણય લેવાયો હતો.
જેલ ખાતાના ખાસ નિર્દેશક સુનિલ રામાનંદે કહ્યું હતું કે, આર્થર રોડ જેલ સુપ્રીન્ટેન્ડેન્ટ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં એ વાત બહાર આવી હતી કે, અલીબાગ ખાતેની એક સ્કૂલમાં બનાવાયેલા હંગામી ક્વોરન્ટાઈનક્ષેત્રમાં અર્નબને રખાયો ત્યારે જેલરે તેને બહારની વ્યક્તિ સાથે વાત કરવા માટે ગેરકાયદે આપ્યો હતો. જેલગાર્ડે આ મતલબનું નિવેદન પણ આપ્યું હતું કે, જેલરે અર્નબને કોઈ બહારની વ્યક્તિ સાથે વાતચીત કરવા માટે બે મિનિટથી વધારે સમય સુધી પોતાનો ફોન આપ્યો હતો. પાટીલના ફોન રેકોર્ડ અને તેની ખાનગી ડિટેલ્સ તપાસતા જણાયું હતું કે એ રાત્રે પાટીલે તેને પોતાના ફોન પરથી વાત કરવા દીધી હતી. તેમણે કહ્યું હતું કે, જેલમાં રખાયેલા કાચા કામના કેદીઓ પોતાના સ્વજનો સાથે તબીબી સેવા જેવી તાકીદની સ્થિતી સિવાય વાત કરી શકતા નથી.