બીજિંગ-
ચીની સરકાર હવે જેક મા પાછળ હાથ ધોઈને પડી છે. પહેલા તો સરકારે અલીબાબા કંપનીનો આઈપીઓ લાવવા પર રોક લગાવી દીધી હતી અને હવે અલીબાબા ગ્રુપને 2.78 અબજ ડોલરનો જંગી દંડ ફટકાર્યો છે. જાણકારી પ્રમાણે ચીનની સરકારનુ કહેવુ છે કે, અલીબાબા ગ્રૂપે મોનોપોલી વિરોધી નિયમોનો ભંગ કર્યો છે. ચીનની સામ્યવાદી સરકારે, જેકમાની કંપની અલીબાબા વિરુધ્ધ એકાધિકારના મુદ્દે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચીનની સામ્યવાદી સરકારે, અલીબાબા ગ્રુપની ઈ કોમર્સ કંપનીને એકાધિકાર ભંગના મુદ્દે 18.2 બિલીયન યુઆન નો દંડ કર્યો હોવાનુ આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થાએ ટવીટ કરીને જાહેર કર્યુ છે.
અન્ય એક આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થાએ કહ્યુ છે કે, 2015 બાદ આટલી મોટી માત્રામાં દંડ ફટકારવાનો આ પ્રથમ કિસ્સો છે. આ અગાઉ કોલકોમને આશરે ત્રણ અબજ ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હોવાની વિગતો છે. આ સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર અલીબાબા ગ્રુપે પોતાના સત્તાવાર સોશિયલ મિડીયા એકાઉન્ટ મારફતે ચીનની સરકારે ફટકારેલ દંડ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે, અમે ઈમાનદારીથી આ સજાનો સ્વીકાર કરીએ છીએ, અને સજાનુ દ્ઢતાથી પાલન કરીશુ