અચાનક અંધારા થાશે

યક્ષ-યુધિષ્ઠિરના સંવાદમાં, યક્ષ પૂછે છે કે આ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય કયુ? યુધિષ્ઠિર તેનો સરસ ઉત્તર આપે છે. તે કહે છે કે, બધાને ખબર છે કે મૃત્યુ આવવાનું છે, એકદમ આવવાનું છે, છતાં પણ લોકો એ રીતે વ્યવહાર કરે છે કે જાણે પોતે અમર છે. આજ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય છે - અચરજ છે. વાત એકદમ સાચી છે. મૃત્યુ તો શું, ઘડપણ માટે પણ લોકોની તૈયારી નથી હોતી.
૨૧૬૦૦ને કાળ ક્યારે ખાઈ જશે તેની કોઈને ખબર નથી. લખાઈને આવેલા શ્વાસની સંખ્યાની જાણકારી કોઈની પાસે નથી. કર્મનો ભોગવટો ક્યારે પૂરો થશે તેની કોઈને ખબર નથી. સંબંધોના સમીકરણમાં ક્યારે પૂર્ણવિરામ મુકાશે તે વિશે બધાને અજ્ઞાન છે. જેને “હું અને મારું” કહેવામાં આવે છે તેનો સાથ ક્યારે છૂટી જશે તે વિશે અનિશ્ચિતતા જ પ્રવર્તે છે. ચાલતા ચાલતા જ ક્યારે ગબડી પડાશે તેના વિશે બધા જ અજાણ છે. જાણકારી માત્ર એ જ છે કે ક્યારેક તો ગબડી પડવાનું છે. “ગબડી પડવું” તે નિશ્ચિત બાબત છે પરંતુ તેના સમય બાબતે સંપૂર્ણ અનિશ્ચિતતા પ્રવર્તમાન છે. જીવન અનિશ્ચિત છે જ્યારે મૃત્યુ ચોક્કસ છે, છતાં પણ તે ચોક્કસ બાબત માટે કશું જ નથી કરી શકાતું. આ અંત ક્યારે હશે, તેનું સ્વરૂપ કયું હશે, તે ઘટના ક્યાં ઘટીત થશે, તે સમયની વ્યથા-કથા કેવી રહેશે, તે સમયની અનુભૂતિ માટે કોઈ જાગ્રતતા હશે કે કેમ, આ ઘટના સુખદ હશે કે પીડાજનક - કોઈને કશી જ ખબર નથી....છતાં પણ વ્યક્તિ જાણે સંપૂર્ણ સભાનતા સાથે વ્યવહાર કરતો હોય તે જણાય.
આ સમય માટે જાણે કોઈને કશી તૈયારી જ નથી કરવી - નથી કોઈ પ્રકારની સભાનતા કેળવવાનો પ્રયત્ન કરવો. બસ એ જ ઝડપે ધન એકત્રિત થયા કરે છે. બસ એ જ માત્રામાં અહંકારને પોષવામાં આવે છે - અને ક્યારેક અહંકારની આ માત્રામાં વધારો પણ થાય છે. બસ એ જ તીવ્રતાથી મોહમાયામાં સંબંધોને વધુ દ્રઢ બનાવાય છે - અથવા નવા સમીકરણો સ્થપાય છે. બસ એટલી જ દ્રઢતાથી કર્તાપણાનો ભાવ ધારણ કરાય છે. બસ, એ જ અજાણપણાનો ભાવ ધારણ કરી ઈશ્વરના અસ્તિત્વની અવગણના કરવામાં આવે છે. બસ, એ જ રાગ-દ્વેષમાં, એ જ કપટમાં રચ્યા-પચ્યા રહેવા માટે પ્રયત્ન કરાય છે; અને આ બધું પૂરેપૂરી સભાનતાપૂર્વક. મજાની વાત એ છે કે જેને સભાનતા ગણવામાં આવે છે તે જ બે-ધ્યાનતા છે.
વ્યવહારમાં જેને યોગ્ય ગણવામાં આવે છે તેમાં જ પ્રશ્નો હોય છે. દુનિયા જેને સફળતા ગણે છે એ આધ્યાત્મિક નિષ્ફળતાનું પહેલું પગથિયું પણ બની શકે. સંસારના માપદંડ જ ભૌતિકતાવાદી હોવાથી તે માપદંડ અનુસાર આધ્યાત્મિક સ્થિતિનું મૂલ્યાંકન ક્યારેય નથી શકતું. જ્યાં ભરપૂર પ્રકાશ જણાતો હોય ત્યાં એકદમ અંધારું થઈ જશે. જ્યાં મધુર સંગીતના સ્વર રેલાતા હોય ત્યાં નિઃશબ્દતા સ્થપાઈ જશે. જ્યાં બધું રંગીન જણાતું હશે ત્યાં અંધકાર વ્યાપી જશે. જ્યાં ઉષ્મા વર્તાતી હશે ત્યાં શરીર જ ઠંડુ થઈ જશે. જ્યાં દુનિયાની લાગણીઓ વહેતી હશે ત્યાં શરીર જડતા ધારણ કરી “પડેલું” હશે. જ્યાં અપાર હવા હશે ત્યાં શ્વાસ લેવાની ક્ષમતા નહીં હોય. જ્યાં સાત ગાળણીમાં ગાળેલું પાણી હશે ત્યાં ટીપુ પણ ગળા નીચે નહીં ઉતરી શકે. આત્મા જ્યારે શરીરમાં ફરીથી પ્રવેશવા મહેનત કરતો હશે ત્યારે સૃષ્ટિના નિયમો સાથ નહીં આપે; અને આ બધું અચાનક થશે. કશી ખબર નહિ પડે. કોઈ અણસારો નહીં આવે.
દુનિયામાં આ બાબતે કશું કહી શકાતું નથી. અહીં કશાની ખાતરી નથી. અહીં કશું કાયમી કે શાશ્વત નથી. અહીંના નિયમો પૂર્ણતામાં કોઈ સમજતું નથી. મૃત્યુ સિવાય અહીં કશું જ ખાતરીબંધ નથી. પરિવર્તન એ સંસારનો - સૃષ્ટિનો નિયમ છે. પરિસ્થિતિમાં બદલાવ આવશે જ. આજે જે બાળક છે તે કાલે યુવાન થશે, અને પરમ દિવસે વૃદ્ધ. સમય આવ્યે તેણે નવું શરીર ધારણ કરવાની પ્રક્રિયા સ્વીકારવી પડશે. આજે જે બીજ છે તે કાલે વૃક્ષ બનશે અને તે વૃક્ષમાંથી પરમ દિવસે નવું બીજ સ્થાપિત થશે. હિમાલયનું પાણી નદીમાં થઈ સાગરને મળશે અને તે વર્ષા-ચક્રથી ફરીથી હિમાલયને પ્રાપ્ત થશે. મોટાભાગના આવા કુદરતી બદલાવ માટે કેટલીક સંભાવનાઓ સમજી શકાય, પરંતુ મૃત્યુ માટે તેમ નથી. મૃત્યુનો બદલાવ તો અચાનક આવે.
ક્યારેક રોગીષ્ટને અણસારો આવી શકે. જેને મોટો અકસ્માત થયો હોય તે વિશે પણ અમુક ધારણા બાંધી શકાય. ઉંમર પણ ક્યારેક ક્યારેક સંદેશો આપી દે. પણ આ બધી બાબતો માટે પણ ચોક્કસપણે કશું જ ના કહેવાય. રોગીષ્ટને પણ તે જ શરીરમાં નવી જિંદગી મળી શકે. તબીબી જ્ઞાન થકી અકસ્માતે થયેલી ઇજાનું નિવારણ પણ થઈ શકે. ચોક્કસ પ્રકારના નિયમો પાળીને તથા સંયમિત જીવનથી વૃદ્ધત્વને પણ લંબાવી શકાય. પણ અહીં પણ આમ જ થશે તેમ ન કહી શકાય. અનિશ્ચિતતા તો છે જ - આ બાબતોમાં પણ અચાનકપણું હાવી રહેવાનું જ.
જે સમયની સ્થિતિ વિશે પણ ખબર નથી - જે વાતની કંઈ ખબર નથી, તેની તૈયારી કેવી રીતે થઈ શકે. જે માટે સમય નિર્ધારિત નથી તે માટે કોઈ કાર્યસૂચિ કેવી રીતે નિર્ધારિત કરી શકાય. જેમાં નિશ્ચિતપણે અનિશ્ચિતતા છે તે બાબત માટે કોઈ પણ ર્નિણય કેવી રીતે થઈ શકે. પરિસ્થિતિ જટિલ છે. પરિસ્થિતિ ગંભીર છે. પરિસ્થિતિ વાસ્તવિક છે. પરિસ્થિતિ અનિવાર્ય છે. કાયમ માટેની જાગ્રતતા જ એક ઉકેલ છે. કાયમ માટેનો સાક્ષી ભાવ, કાયમ માટેની નિર્લેપતા, કાયમ માટેનો ભક્તિ ભાવ, કાયમ માટેની પ્રાર્થના, કાયમ જળવાઈ રહેતી સત્યનિષ્ઠા તેમજ ધર્મપરાયણતા જ એક માત્ર સહારો છે. જ્યાં અચાનક અંધારા થવાના હોય ત્યાં દીવો સતત પ્રગટેલો હોવો જાેઈએ.
સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution