આખો પરિવાર પત્નીને અપનાવી લે એ પ્રયાસ પતિનો હોવો જાેઈએ

લગ્ન પહેલાં પુરુષ અને સ્ત્રીની બંનેની પોતપોતાની અલગ દુનિયા હોય છે. એની ખુશી, દુઃખ, મુશ્કેલી એના પોતાના હોય છે. લગ્ન બાદ એ સહિયારા હોવો જાેઈએ પણ મોટાભાગે એવું બનતું હોતું નથી. પુરુષ પોતાનો ગુસ્સો પોતાનો આવેગ એના વાણી અને વર્તનમાં બતાવી દેતો હોય છે અને એ મુજબ એના ગમા-અણગમા એના મૂડ અને એની ભાવના પરિવારને સમજાઈ જતી હોય છે. પરિવાર પણ એ મુજબ એને એડજસ્ટ થતો હોય છે, પરંતુ પત્ની પોતાની લાગણી પોતાની ભાવના મોટાભાગે મનમાં જ રાખતી હોય છે. ઘણીવાર એની દુઃખ અને પીડા એની ભીતરમાં ઉગીને દબાઈ જતી હોય છે. એ ક્યારેય કોઈને કહેતી હોતી નથી અને એ રીતે એ સતત પોતાની જાતને પરિવાર વચ્ચે પણ એકલી અનુભવે છે. પોતાના માતા-પિતા અને પરિવાર છોડીને આવતી પત્નીને પતિના ઘરમાં એકલું ન લાગે, પતિનો આખો પરિવાર પત્નીને અપનાવી લે એ પ્રયાસ પતિનો હોવો જાેઈએ. પત્નીને એકલતા ન સાલે અને પોતાની લાગણી અને ભાવનાઓ બધા સાથે વહેંચી શકે તથા મુશ્કેલીઓના હાલ પણ પરિવાર પાસે માગી શકે એવું વાતાવરણ ઉભું કરવાની જવાબદારી પતિની હોય છે.

 લગ્ન પહેલા યુવક અને યુવતીએ પોતાના ભાવિ જીવન માટે અનેક સપનાંઓ સેવ્યા હોય છે. બંનેના કેટલાય અરમાનો હોય છે.પોતાના જીવનસાથીને પોતે ઉત્તમ મિત્ર બનાવશે, સુખ-દુઃખનો સાથી બનાવશે અને એકબીજાના સુખદુઃખ વ્હંેચીને સુખમય જિંદગી જીવશે- આવી કલ્પના દરેક યુવક-યુવતીની હોય છે. આમ તો લગ્ન વ્યવસ્થાનો હેતુ એ જ છે કે દરેકને આજીવન પોતાનો સહારો મળી રહે. આપણે એવું કહેતા જાેઈએ છીએ કે લગ્ન ન કરતી સ્ત્રી કે પુરુષને પણ પાછલી જિંદગીએ એક સહારાની જરૂર હોય છે અને પોતાના જીવનસાથી વગર બીજું કોઈ આજીવન સહારો નથી બની શકતું. જીવનભર જેની સાથે રહેવાનું હોય છે એ બંને પાત્રોએ માત્ર પોતાની ભાવનાઓનો વિચાર કરવાને બદલે એકમેકની ભાવનાઓની કદર કરવી જાેઈએ. સમગ્ર પરિવારની લાગણી, માંગણી અને તેની ભાવનાઓને સમજીને એ રીતે જીવતી પત્ની ઇચ્છતી હોય છે કે તેનો પતિ અને પરિવાર પણ તેની ભાવનાઓને સમજે.

પતિ અને પત્નીની ભાવનાત્મક જરૂરિયાત એ હોય છે કે પતિને પોતાને સંભાળે એવી સ્ત્રીની જરૂર હોય છે જ્યારે પત્નીને પોતાને સાંભળે એવા પુરુષની જરૂર અને આ આ તફાવતને કારણે તે પુરુષ ઘણી વખત એકબીજાની ભાવનાને સમજી નથી શકતાં. જે આગળ જતા પરિવારમાં ક્લેશનું વાતાવરણ ઉભું કરે છે. આપણે દરેક ઘરમાં એક વાક્ય સાંભળતાં જ હોઈએ છીએ કે પત્નીની એક જ ફરિયાદ હોય છે મને કોઈ સાંભળતું નથી. અને પતિની એક જ ફરિયાદ હોય છે કે મને કોઈ સમજતું નથી. સ્ત્રી અને પુરુષ એ બધી રીતે બે છેડા છે. અને સુખી દાંપત્યજીવનની એ ચાવી છે કે પુરુષે સ્ત્રીને સમજવાની કોશિશ ન કરવી, માત્ર એને સાંભળી લેવી, જ્યારે સ્ત્રી પુરુષને સાંભળશે નહીં તો ચાલશે પણ એને સમજવો પડશે. પુરુષ ક્યારેય બોલતા જ નથી અને બહુ બોલકી સ્ત્રીઓ તેને પસંદ પણ નથી આવતી. મોટાભાગે ચૂપ રહેતા પુરુષની ભાવનાને સમજી શકે એ જ ઉત્તમ પત્નીનું લક્ષણ છે. એકબીજાની લાગણી સમજવાની, સ્વીકારવાની ,અને તેની કદર કરવાની વાત લગ્નજીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે. લગ્ન બાદ શરૂઆતના વર્ષોમાં આ બાબતે થોડું સજાગ રહેવામાં આવે તો એ પછી મોટાભાગે કોઈ પ્રશ્નો થતા હોતા નથી.

દરેક ઘરમાં એવા પણ દાખલા જાેવા મળે છે કે લગ્નજીવનના આઠ-દસ વર્ષ બાદ પતિ-પત્નીના વિચારો તદ્દન એક જેવા થઈ જતા હોય છે. કેટલીક વખત એક સમયે જે વિચાર પત્ની ઘરમાં રહીને કરતી હોય છે એ જ સમયે એ જ વિચાર પતિ વ્યવસાયના સ્થળે બેસીને કરતો હોય છે. આ આટલા વર્ષોની એકબીજાની સાચવણી, એકબીજાને સમજવાની અને બંનેએ પોતાના જીવનમાં કઈ વાતને પ્રાયોરિટી આપી છે એ નક્કી કરે છે. આ મનમેળ છે જે લગ્નજીવનમાં થોડા વર્ષો સાથે કાઢ્યા પછી અને એ વર્ષોમાં એકબીજાને સારી રીતે સમજ્યા પછી થતો હોય છે. કેટલી વખત પુરુષ બહારથી આવે ત્યારે એના ચહેરા પરના હાવભાવ ઉપરથી પત્ની એના મૂડનો અંદાજ લગાવતી હોય છે, જે મોટાભાગે સાચો હોય છે. માત્ર ચહેરાના હાવભાવ પરથી જ્યારે બંને પાત્રો એકબીજાનાં મૂડને ઓળખી જાય ત્યારે સમજવું કે બંને એકબીજાની ભાવનાને ખૂબ સારી રીતે સમજે છે. પતિ પણ મોટાભાગે પત્નીના મૂડને એના ચહેરા પરથી ઓળખી જતો હોય છે, પરંતુ કેટલીકવાર પત્નીના મૂડને એટલું મહત્વ નથી આપતો હોતો. આ વાત પત્નીના મનમાં ઘર કરી જાય છે જે આગળ જતા ઝઘડાનું કારણ બને છે.

પતિ-પત્ની બંને એકબીજાના પૂરક હોય છે. બંનએે એકબીજાની ભાવનાને સમજીને સન્માન આપવું જાેઈએ. જે પતિ-પત્નીની ભાવનાત્મક જરૂરિયાતો પૂરી નથી થતી એ સંબંધમાં પતિ-પત્ની વચ્ચે 'વો’ની જગ્યા બની જતી હોય છે. આ 'વો’ એટલે બંનેમાંથી કોઇ એકના કે બંનેના જીવનમાં પ્રવેશતું ત્રીજુ પાત્ર. જ્યારે ભાવનાત્મક રીતે પતિ-પત્ની એકબીજાથી ઘવાય છે અત્યારે ત્રીજા પાત્રની એન્ટ્રી થાય છે. અને ત્રીજુ પાત્ર આગળ જતા લગ્ન વિચ્છેદનું કારણ પણ બની શકે છે. માટે એકબીજાની ભાવનાત્મક જરૂરિયાતને સમજવી એ સુખી સંસારના હિતમાં છે. જે રીતે અને શરીરમાં ખોરાક છે એવી જ રીતે ભાવના મનનો ખોરાક છે આત્માનો ખોરાક છે. મન અતૃપ્ત રહે છે ત્યારે પોતાની ભૂખ સંતોષવા અહીં-તહીં ભટકે છે. ઘણી વખત આવી ભૂખ સાથીદાર સિવાયનું પાત્ર ભાંગી શકતું હોય છે પરંતુ એ જાણી જાેઈને સુખી સંસારમાં ચાંપેલા પલીતા જેવું હોય છે. જેના માટે સંપૂર્ણપણે સાથી પાત્ર જવાબદાર હોય છે.

એક વાત હંમેશા યાદ રાખવી કે પતિ-પત્ની વચ્ચે ગમે તેટલા મતભેદ હોય પરંતુ એકબીજાની લાગણી અને એની ભાવનાને ઠેસ ન પહોંચે એ બંનેની જવાબદારી હોય છે. ભાવનાત્મક રીતે ઘવાયેલા પતિ-પત્ની ક્યારે એકબીજાને બતાવી દેવાની હોડમાં ઉતરીને પોતાના સુખી સંસાર વાત કરી નાખે એની કોઈને ખબર રહેતી નથી અને જ્યારે સમજાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution