હિંમતનગર-અમદાવાદ, સમગ્ર વિશ્વ અને ગુજરાતમાં ટાઇલ્સ ઉત્પાદકોમાં ખૂબ જ જાણીતી અને અગ્રેસર એવી એશિયન ગ્રેનિટો ઇન્ડીયા લીમીટેડ કંપનીના ચેરમેન સહિત ડીરેકટરોના નિવાસ સ્થાને, અમદાવાદ ખાતે આવેલી કોર્પોરેટ ઓફીસ સહિત ૪૦થી વધુ જગ્યાએ ગુરૂવારે સવારે ૨૦૦થી વધુ ઇન્કમટેક્ષના અધિકારીઓએ મેઘા સર્ચ ઓપરેશન હાથ ધરી ઇન્કમટેક્ષના દરોડા કરતા અન્ય સિરામીક કંપનીના સંચાલકોમાં પણ ભય ફેલાઇ ગયો હતો. એશિયન ગ્રેનિટો ઇન્ડીયા લીમીટેડ દ્વારા થોડાક દિવસ અગાઉ જ આઇ.પી.ઓ. બહાર પાડવામાં આવ્યો હતો. જેની સફળતા બાદ એશિયન ગ્રેનિટો ઇન્ડીયન લીમીટેડ કંપનીના તમામ આર્થિક વ્યવહારો પર ઇન્કમટેક્ષ વિભાગે વોચ રાખી એક સાથે જ ૪૦થી વધુ સ્થળો પર દરોડા કરતા તપાસના અંતે કરોડો રૂપિયાની કર ચોરી બહાર આવે તેવી આશંકા જાેવા મળી છે. આ અંગેની વિગત એવી છે કે પ્રાંતિજના કાટવાડ તેમજ ઇડર ખાતે સૌપ્રથમ ટાઇલ્સનું ઉત્પાદન કરનારી એશિયન ગ્રેનિટો ઇન્ડીયા લીમીટેડ કંપનીએ સિરામીક ઇન્ડસ્ટ્રીઝમાં મોટી હરણફાળ ભરીને સમગ્ર વિશ્વમાં સિરામીક ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. એશિયન ગ્રેનિટો ઇન્ડીયા લીમીટેડના સંચાલકો દ્વારા અમદાવાદ સહિત દેશ વિદેશમાં કોર્પોરેટ ઓફીસો શરૂ કરીને વિદેશમાં પણ પોતાની પ્રોડકટોનું વેચાણ કરવામાં આવે છે. થોડાક દિવસ અગાઉ કંપની દ્વારા શેર બજારમાં આઇ.પી.ઓ. બહાર પાડવામાં આવતા તેને પણ રોકાણકારોએ સુંદર આવકાર આપીને એશિયન ગ્રેનિટો ઇન્ડીયા લીમીટેડના શેરમાં રોકાણ કરતા આઇ.પી.ઓ.ની કિંમતમાં પણ ભારે ઉછાળો આવ્યો હતો. જાેકે કંપની દ્વારા કરવામાં આવતા આર્થિક વ્યવહારો પર છેલ્લા ઘણા સમયથી ઇન્કમટેક્ષ વિભાગના જાંબાજ અધિકારીઓ બાજ નજર રાખી રહ્યા હતા. ગુરૂવારે વહેલી સવારથી જ એશિયન ગ્રેનિટો ઇન્ડીયા લીમીટેડની અમદાવાદ ઇસ્કોન ખાતે આવેલી કોર્પોરેટ ઓફીસ, કાટવાડ નજીક આવેલી ફેકટરી તેમજ ઓફીસ ઉપરાંત હિંમતનગરમાં રહેતા તમામ ડીરેકટરો અને ચેરમેન ઉપરાંત અન્ય કંપનીના અધિકારીઓ ઉપરાંત મોરબીમાં આવેલી જાેઇન્ટ વેન્ચર કંપનીમાં પણ આઇ.ટી. વિભાગના અધિકારીઓએ મેઘા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. સમગ્ર વિશ્વમાં જાણીતી એશિયન ગ્રેનિટો ઇન્ડીયા લીમીટેડના ચેરમેન કમલેશભાઇ પટેલ, ડીરેકટર કાળીદાસભાઇ પટેલ, સુરેશભાઇ પટેલ, મુકેશભાઇ પટેલ સહિતના ડીરેકટરોના નિવાસ સ્થાને પોલીસના મોટા કાફલા સાથે ઇન્કમટેક્ષ વિભાગના અધિકારીઓ સવારથી જ પહોંચી ગયા હતા અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી ઇન્કમટેક્ષનું મેઘા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. ઇન્કમટેક્ષ વિભાગના અધિકારીઓ એકીસાથે ૪૦થી વધુ સ્થળો પર દરોડા પાડી કરોડો રૂપિયાના નાણાંકીય લેવડ દેવડના હિસાબોની તપાસ કરવામાં આવી હતી. ઘણા લાંબા સમય બાદ ઇન્કમટેક્ષ વિભાગના અધિકારીઓએ હાથ ધરેલુ આઇ.ટી.નું મેઘા સર્ચ ઓપરેશનથી અન્ય સિરામીક કંપનીના માલિકોમાં પણ ફફડાટ જાેવા મળ્યો હતો. મોડી રાત સુધી ઇન્કમટેક્ષ વિભાગના અધિકારીઓએ હિંમતનગર ખાતે આવેલા નિવાસ સ્થાનો પર તેમજ કાટવાડ ખાતે આવેલી ફેકટરીમાં તપાસ કરી છે ત્યારે તપાસના અંતે કરોડોના આર્થિક વ્યવહારોની તપાસ બાદ મોટી રકમની કર ચોરી બહાર આવે તેવી શકયતા નકારી શકાય તેમ નથી.