રાજસ્થાનમાં ત્રણ સ્થળોએ આઇટીના દરોડાઃ 1400 કરોડની બેનામી સંપત્તિનો ખુલાસો

જયપુર-

રાજસ્થાનના 3 મોટા ઔદ્યોગિક જૂથો પર ઈન્કમટેક્સ વિભાગની કાર્યવાહીમાં કુલ 1400 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિનો ખુલાસો થયો છે. આ રાજસ્થાનની સૌથી મોટી અને દેશની ત્રીજી સૌથી મોટી ઈન્કમટેક્સ વિભાગની રેડ હોવાનું કહેવાય છે.

ઈન્કમટેક્સ વિભાગ દ્વારા આ કાર્યવાહી બે બિલ્ડર જૂથ અને એક જ્વેલરી ગ્રુપ પર કરવામાં આવી હતી. જેમાં એક બિલ્ડરના માનસરોવર સ્થિત કાર્યાલયના બેઝમેન્ટમાંથી મોટા પ્રમાણમાં લાલ રંગના પોટલા મળ્યા છે. જેમાં પ્રોપર્ટીમાં રોકાણની બેનામી સંપત્તિઓ ખરીદી સબંધી ડૉક્યુમેન્ટ્‌સ મળ્યા. બીજી તરફ એક જ્વેલર્સના ઘર પર દરોડા દરમિયાન ઈન્કમટેક્સ વિભાગને એક સુરંગ મળી આવી છે. જેમાં 17 બોરીઓ ભરીને આર્ટ જ્વેલરી અને એન્ટિક વસ્તુઓ અને સંપત્તિની લેવડ-દેવડના ડોક્યુમેન્ટ્‌સ મળ્યાં છે. આ જ્વેલર્સની ૫૫૦ કરોડ રૂપિયાની બેનામી સંપત્તિનો ખુલાસો થયો છે. 

આ સિવાય લગભગ સવા સો કરોડ રૂપિયાની લોન આપીને વ્યાજ તરીકે મોટી રકમની કમાણી કરવાની વાત સામે આવી છે. આ દરોડામાં જપ્ત કરવામાં આવેલી આઈટમ પર આલ્ફા-ન્યૂમેરિક સિક્રેટ કોડમાં ખરી વેચાણ કિંમત લખેલી હતી. હાલ ઈન્કમટેક્સ વિભાગની ટીમ કૉડને ક્રેક કરવાનું કામ કરી રહી છે. જ્યારે સુરંગમાંથી હાર્ડ ડિસ્ક અને પેન ડ્રાઈવ પણ મળી આવી છે. જેમાં કોડ વર્ડમાં વિવિધ વસ્તુઓની વિગતો દર્શાવાયી છે. જ્વેલરી ગ્રુપે વિવિધ વ્યક્તિઓને લોન આપી હતી. જેના પર તે અઢળક વ્યાજની આવક મેળવી રહ્યું છે. આ ગ્રુપે પોતાના કર્મચારીઓ અને કારીગરોના બેંક એકાઉન્ટ થકી આ બેનામી રોકડ આવક દર્શાવી હતી. 

આજ રીતે એક મુખ્ય બિલ્ડર અને કૉલેનાઈઝર પર આવકવેરા વિભાગની કાર્યવાહીમાં બેનામી સંપત્તિઓની વિગતો, રોડલ લોન અને એડવાન્સ સિવાય લેવડ-દેવડના વિવિધ રેકોર્ડ કબ્જે કરવામાં આવ્યા છે. આ ગ્રુપની કુલ બેનામી લેવડ-દેવડ 650 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું અનુમાન છે. જ્યારે ત્રીજુ ગ્રુપમાં જયપુરના એક બિલ્ડર અને ડેવલોપર્સ છે. જે ફાર્મ હાઉસ, ટાઉનશિપ ડેવલોપમેન્ટનું કામ કરે છે. સર્ચ ઓપરેશનમાં સામે આવ્યું કે, આ ગ્રુપે એરપોર્ટ પ્લાઝામાં એક રિયલ એસ્ટેટ સ્કીમ સંભાળી હતી. જેમાં માત્ર ખાતા બુકમાં ૧ લાખ દર્શાવી હતી. જ્યારે સ્કીન સબંધિત બેલેન્સ શીટમાં ૧૩૩ કરોડ રૂપિયાની લેવડદેવડ હોવાનું સામે આવ્યું છે. આમ અત્યાર સુધી ૨૫ કરોડ રૂપિયાની કુલ અપ્રમાણસર લેવડ-દેવડ ઉજાગર થઈ છે. 


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution