વરસાદ તો પડે જ છે, પરંતુ મનપાત્રનું શું?

અમદાવાદના એક સુખી-સંપન્ન પરિવાર ઉપર અચાનક આભ તૂટી પડ્યું. બાપ-દાદાના સમયથી કમાયેલી મૂડી બેન્કકના જે લોકરમાં રાખવામાં આવી હતી, તે લોકરની ચાવી જ ગાયબ હતી! પરિવારે તિજાેરીથી માંડીને માળિયા સુધી બધે જ તપાસ કરી,‘જાે ચાવી ન મળે, તો લોકરમાં મુકાયેલાં ૧૫-૨૦ તોલા સોનાનું શું થશે?’ ‘કોઈ જાણભેદુ ચાવી લઈને અમારા નામે બધું ઉઠાવી જશે કે શું?’ ઘણા ઘણા પ્રશ્નો સૌના મનમાં વાવાઝોડાની જેમ ઊઠતા રહ્યા. પણ ત્યાં જ ઘરના ફોનની ઘંટડી રણકી... ઘરમાલિકે ફોન ઉપાડ્યો, સામેથી અવાજ આવ્યો, ‘હેલ્લો! હું ____ બેંકમાંથી અક્ષય બારોટ વાત કરું છું...’ અને ઘરમાલિકનું હૃદય ધબકાર ચૂકી ગયું. તેણે પોતાના સૂકા ગળે ભયનો ઘૂંટડો ભર્યો, ‘જી, જી, સાહેબ!’ ‘અરે અંકલ! મને સાહેબ ના કહેશો, હું તો બેંકનું લોકર-ડિપાર્ટમેન્ટ સંભાળતો સામાન્ય કર્મચારી છું. તમે હમણાં જ બેંકમાં આવી જાઓ અને મને મળો.’ અક્ષયની આવી વાત સાંભળતાં જ ઘરમાલિક તો દોડતા પહોંચી ગયા બેંકમાં અને સીધા લોકર-રૂમના કાઉન્ટર પર જઈને ઓળખાણ આપી. કપાળમાં સ્વામિનારાયણીય તિલક-ચાંદલા સાથે બેઠેલો એ ફૂટડો યુવાન ઊભો થયો અને આગંતુક ઘરમાલિકને સાથે લઈ તેઓના લોકર પાસે પહોંચ્યો. અક્ષય કહે, ‘સાહેબ! તમે સવારે અહીં સામાન મુકવા આવ્યા હતા ત્યારે ચાવી ભૂલી ગયા હશો. લોકરના દરવાજે ચાવી લટકતી જાેઈને મેં તરત આપને ફોન કર્યો. જરા તપાસ કરી લેજાે. લોકરમાં બધું હેમખેમ છે ને?’ ચાવી જાેઈને ઘરમાલિકના જીવમાં જીવ આવ્યો. તેણે લોકરમાં તપાસ કરી. બધું યથાતથા હતું. તેણે આશ્ચર્ય અને પ્રશ્નાર્થથી જ્યારે અક્ષય સામે જાેયું ત્યારે અક્ષય વિનયપૂર્વક બોલ્યો, ‘સાહેબ! હું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું, પ્રમુખસ્વામી મહારાજનો શિષ્ય છું. તેઓની આજ્ઞાનુસાર પારકા ધનને મારે અડાય પણ નહીં...’ ઘરમાલિક તો આ યુવકની સત્યનિષ્ઠા-પ્રામાણિકતા જાેઈને આશ્ચર્યમુગ્ધ બની ગયા, આવી યુવાપેઢીના ઘડવૈયા સાચા સંતને તે મનોમન વંદી રહ્યા.

ભક્તકવિ પીપાએ (જે એક સમયે રાજસ્થાનના ગાગરોનગઢના રાજા હતા) પોતાના એક ઉપદેશ મુક્તકમાં કહ્યું છે, ‘પીપા પાપ ન કીજિએ, તો પુણ્ય કિયા સૌ બાર; જાે કિસી કા લિયા નહીં, તો દિયા બાર હજાર...’ અર્થાત્‌ ‘જાે પાપ નથી કર્યું, તો પુણ્ય કર્યા બરાબર જ છે; ને જાે કોઈની પાસેથી તમે અણહકનું કશું ન લીધું, તો એ દાન આપ્યા બરાબર જ છે!’ અજાણી અને પારકી વસ્તુને હાથ ન લગાવવાની વાત જે સંસ્કૃતિમાં થતી હોય, ત્યાં કો’કનું છીનવી-લૂંટી લેવાની વાત તો બને જ ક્યાંથી? ભારતનો આ જ ભવ્ય વારસો છે! અરે! સનાતન-પરંપરાના આધુનિક આચારસંહિતા શાસ્ત્ર ‘સત્સંગદીક્ષા’માં શાસ્ત્ર-લેખક બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજે તો ત્યાં સુધી કહ્યું છે ઃ

नैवाऽन्यस्वामिकं ग्राह्यं तदनुज्ञां विना स्वयम्।

पुष्पफलाद्यपि वस्तु सूक्ष्मचौर्यं तदुच्यते॥३२॥

અર્થાત્‌ ‘પુષ્પ, ફળો જેવી વસ્તુ પણ તેના ધણીની પરવાનગી વગર ન લેવી. પરવાનગી વગર લેવું તે સૂક્ષ્મ ચોરી કહેવાય છે.’ (સ.દી.૩૨) અહીં તો પૂછ્યા વગર લેવું તેને પણ ચોરી જ કહેવામાં આવી! પરંતુ આપણા માનવ-મનનું કેવું છે? તેને જ્યાંથી ‘શોર્ટકટ’ મળતી હોય... અરે! ‘શોર્ટકટ’ નહીં, ‘શોર્ટેસ્ટ કટ’ મળતી હોય તે બાજુ જવા માટે જ લલચાય. તેને તો મફતના પૈસા મેળવવા જ ગમે. પરંતુ પુષ્પ-ફળ જેવી સામાન્ય વસ્તુ પણ ચોરી ન કરવાનો શિષ્ટાચાર શીખવે છે – આપણાં મંદિરો!

વાત છે ૧૯૮૨-૮૩ની, જ્યારે મુંબઈમાં દાદર ખાતે નૂતન સ્વામિનારાયણ મંદિરનું બાંધકામ ચાલી રહેલું. ભક્તોનાં ભક્તિ-સમર્પણથી બનતા આ મંદિરના નિર્માણ માટે દાન સ્વરૂપે યુવકો પસ્તી ભેગી કરી રહેલા (પસ્તી વેચીને ભેગા થયેલા રૂપિયા મંદિર નિર્માણમાં વાપરી શકાય તે માટે). આ સેવામાં મનીષ નામનો કિશોર પણ જાેડાયેલો. પરંતુ એક ઘરેથી પસ્તીની થપ્પી લાવ્યા પછી તેને ગોઠવતા સમયે પસ્તી વચ્ચેથી તેને ૪૦,૦૦૦ રૂપિયા લાધ્યા. આજથી ચાર દાયકા પહેલા આટલી મોટી રકમ જાેઈને કોઈનું પણ મન લલચાઈ જાય. પરંતુ મનીષના મન-હૃદયમાં મંદિર, સંતો અને ભગવાન સ્વામિનારાયણના યોગથી પ્રામાણિકતાના સંસ્કાર પહેલેથી જ સિંચાયેલા. આથી તેણે જે જગ્યાએથી પસ્તી મેળવી હતી તે ઘરે પરત જઈને માલિકના હાથમાં આ ગંજાવર રકમ સોંપી દીધી! માલિક તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. કળિયુગના કલુષિત વાતાવરણમાં પણ હરિશ્ચંદ્ર અને રંતિદેવ રાજા જેવા પ્રામાણિક અને સત્યનિષ્ઠ નાગરિકોની ભેટ ત્યારે જ મળે જ્યારે વ્યક્તિના વિચારોમાંથી ચૌર્યવૃત્તિનું બાષ્પીભવન થઈ ગયું હોય.

આપણા શાસ્ત્રોમાં ‘सत्यं वद– સાચું બોલો’ ‘धर्मं चर– ધર્મનું આચરણ કરો’ વગેરે વિભાવનાઓ કહેવા-લખવામાં આવી જ છે; તે વિભાવનાઓને આપણે સાંભળતા-સમજતા પણ આવ્યા છીએ... પરંતુ હવે જરૂર છે – તે વિચારો-વિભાવનાઓને આચરણમાં મૂકવાની. આપણી સંસ્કૃતિમાં, આપણી આસપાસ, સદ્‌ગુણો અને સદવિચારોનો વરસાદ તો પડી જ રહ્યો છે... હવે આપણા મનરૂપી પાત્રને સીધું કરી, તેમાં એ વરસાદને ઝીલીને આપણું જીવન સદાચારી બનાવવાનો ર્નિણય આપણા હાથમાં છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution