સહજીવનમાં એકબીજાના જાતીય આવેગોને સમજવા જરૂરી

એક સમય એવો હતો કે પરિવારના વડીલો કન્યા અને પુત્ર માટે એને અનુરૂપ પાત્ર પસંદ કરે અને યુવક તથા યુવતીએ કોઈ દલીલ વગર, પોતાની પસંદગીને મહત્વ આપ્યા વગર વડીલોએ નક્કી કરેલા પાત્રને જીવનસાથી તરીકે સ્વીકારી લેવાનું હોય છે. આ બંને પાત્રો એકબીજા માટે અજાણ્યા હોય છે એ સમયમાં તો એકબીજા સાથે વાતો કરવાનું, લગ્ન પહેલા મળવાનું પણ એટલું બધું નહતું જેના કારણે લગ્ન બાદ પણ લાંબા સમય સુધી બંને એકબીજાથી,એના સ્વભાવ, પસંદ-નાપસંદ અને ગમા-અણગમાથી અજાણ હોય છે. છતાં લગ્ન પછીની પ્રથમ રાત્રિએ એકબીજાને પોતાનું શરીર સોંપી દેવાની પ્રથા છે. આ રાતને આપણે મધુરજની નામ આપ્યું છે. સવાલ એ થાય કે જેના વિશે કશું જ નથી જાણતા એવા અજાણ્યા વ્યક્તિને પહેલી રાત્રે શરીર સોંપી દેવાની વાત વિચિત્ર નથી? કેમકે પહેલા બંને વ્યક્તિ એકબીજાને જાણે,સમજે,માનસિક રીતે પણ સ્વિકારે પછી શરીર સૌથી છેલ્લું ઐક્ય હોય પરંતુ આપણી લગ્નપ્રથામાં શરીરના ઐક્યથી જ લગ્નજીવનની શરૂઆત થાય છે. એક સમયે પુત્રીના ચારિત્ર્ય બાબતે એનો પરિવાર સતત ચિંતિત રહેતો. સ્ત્રી માટે ચારિત્ર્ય એ જ મૂડી છે અને ચારિત્ર્ય એટલે કોઈની સાથે શારીરિક રીતે જાેડવાની પ્રક્રિયા એવી માન્યતા છે. આવી રીતે કોઈ અજાણ્યાને પરણ્યાની પહેલી જ રાતે ખૂબ સાચવીને રાખેલું પોતાનું ધન, પોતાની અમાનત- પોતાનું શરીર સોંપી દેવું એ ગળે ઊતરે એવી વાત તો નથી.

 હવે સમય અને વિચારધારા બદલાયા છે. નવી પેઢીએ શારીરિક સુખની જરૂરિયાત સમજી લીધી છે, અને સ્વીકારી પણ લીધી છે. જે રીતે એક ઉંમર પછી ભૂખ અને સ્વાદની ખબર પડે છે એ જ રીતે એક ઉંમર પછી શારીરિક ભૂખની પણ ખબર પડે છે. જે રીતે આપણે પેટની ભૂખ સંતોષે છીએ એ જ રીતે શારીરિક ભૂખ પણ સંતોષી શકાય આવું આજની યુવા પેઢી વિચારે છે. એના મતે ચારિત્ર એટલે માત્ર સ્ત્રીનું શીલ નહીં, પરંતુ ચારિત્ર્ય એટલે સ્ત્રી અને પુરુષ બંનેની વિચારધારા. કેટલીક વખત નબળા ચારિત્ર માટે કોઈની સાથે શારીરિક રીતે જાેડાવું એ એક જ માપદંડ નથી હોતો. નબળી વિચારધારા પણ ક્યારેક નબળું ચારિત્ર્ય બતાવતું હોય છે એટલે આજના સમયમાં લગ્નજીવન બાદ જાતીય સુખ એટલો બધો મોટો કે કેન્દ્ર સ્થાને રહેલો આનંદ કે પ્રશ્ન નથી હોતો. આજની પેઢી લગ્નને જાતીયસુખનું લાઇસન્સ નથી સમજતી.

  જુનવાણી વિચારધારામાં એક માન્યતા એ પણ હતી કે સ્ત્રીને પોતાના જાતીય આવેગો વિશે બોલવાનો અધિકાર નહોતો. સ્ત્રી એટલે 'શયનેષુ રંભા’ એ ઉક્તિ મુજબ જ એને જીવવાનું હતું. પુરુષનાં જાતીય આવેગોને સંતોષવા એ તેની ફરજ હતી. એમ કહો કે એના કામનો એક ભાગ હતો. પુરુષની શારીરિક સુખની વ્યાખ્યામેં જે આવતું હોય એ બધું જ પત્નીએ કોઈ શરમ સંકોચ કે પોતાના ગમા-અણગમાને વિચાર્યા વગર કરવાનું રહેતું. સ્ત્રીની પોતાની જાતીય ઇચ્છાઓ, શારીરિક જરૂરિયાતો કે આવેગો હોય એવું ક્યારેય સ્વીકાર્ય નહતું અને સ્ત્રીને એ વિશે બોલવાનો પણ અધિકાર નહતો. ભૂલથી કદાચ ક્યારેક કોઈ પત્ની એના પતિને પોતાના જાતીય આવેગો બાબત બોલી પણ હોય તો પત્ની ચારિત્ર્યહીન કહેવાતી. આ જ ઘરેડમાં જીવતા જીવતા બહુ જ નાની ઉંમરમાં સ્ત્રીના જાતીય આવેગો મરી જતા હોય છે જ્યારે પુરુષ બહુ મોટી ઉંમરે પણ એવા અને એટલા જ જાતીય આવેગો ધરાવતો હોય છે. બંનેના વિચારો અને આવેગોમાં આટલી બધી અસમાનતા સરવાળે લગ્નજીવનમાં કડવાશ ઊભી કરે છે. બંનેને લગ્નજીવનમાંથી રસ ઊડી જાય છે. સ્ત્રી સતત પતિની જાતીય જરૂરુયાતથી ભાગવાની કોશિશ કરતી હોય છે જ્યારે પુરુષ સતત આવેગોને દબાવ્યા પછી પણ દબાવી ન શકતો હોવાના કારણે પીડાતો હોય છે. જુનવાણી વિચારધારાની આ સૌથી મોટી ખામી હતી કે જે દાંપત્યજીવનમાં સુખને બાળીને રાખ કરતી. એ સમયે આવા કારણોસર સ્ત્રીઓનું ઘર છોડી દેવું કે છુટા પડી જવું એ ગુનો કહેવાતો. એવી સ્ત્રી પણ ચારિત્ર્યહીન ગણાતી પરિણામે એક છત નીચે બે જીવ રિબાઈને જીવતા. એક રીતે જાેઈએ તો આ પણ ભંગાણ જ કહી શકાય પરંતુ એ બંધ દીવાલોની વચ્ચે હતું એથી ક્યારે બહાર ન આવતું.

વર્તમાન સમયમાં શિક્ષણ કહો કે શિક્ષિત માતા-પિતા દ્વારા સંતાનોનો ઉછેર સમજાે, પણ આજની પેઢી પોતાની પત્નીને સ્વતંત્ર વ્યક્તિ તરીકે સ્વીકારતી થઈ છે. આજની સ્ત્રી પણ પોતાના હક વિશે બોલતી થઈ છે. બદલાતા સમય સાથે કાયદાઓમાં પણ ઘણો બદલાવ આવ્યો. ઘણા ફાયદા સ્ત્રી તરફથી થયા પરંતુ સ્ત્રી શિક્ષણના પગલે તેમજ આર્થિક રીતે પણ પગભર હોય એવી સ્ત્રી પોતાની જરૂરિયાત, ઈચ્છા, શોખ અને હક ખાતર અવાજ ઉઠાવતી થઈ છે અને આનો સૌથી મોટો ફાયદો એ થયો છે કે આજની પેઢી પારદર્શક બની છે. પ્રેમનીની વાત હોય, અર્થોપાર્જનની વાત હોય કે જાતીય જરૂરિયાતોની વાત હોય- બંને વ્યક્તિ એકબીજાની જરૂરિયાત, પસંદગી અને આવોગોને સ્વીકારે પણ છે અને સન્માનને પણ છે. આ મુદ્દે પરિવારમાં દાંપત્યજીવનમાં ક્લેશ થવાના બનાવો ઓછા થયા છે. આજે પોતાના જાતીય આવેગો બાબત અને પોતાની જરૂરિયાત વિશે પતિ જ્યારે પત્ની પાસે વાત મૂકે છે ત્યારે પત્ની પોતાનો મૂડ અને પોતાનો આવેગ કહેતાં સંકોચ કે ડર નથી અનુભવતી, વાત એટલી જ હોય છે કે આ વખતે પતિએ સ્વીકૃતિ આપવાની હોય છે જે હજી ઘણા દાંપત્યજીવનમાં અપાતી નથી હોતી. ક્યારેક પુરૂષની ઈચ્છા અને આવેગને અવગણવામાં આવે ત્યારે પુરુષ માટે એ અહમનો પ્રશ્ન બની જતો હોય છે અને એ પછી ક્યારેક સ્ત્રીના જાતીય આવેગોને પુરુષ એટલી જ બેરહેમીથી મારી નાખતો હોય છે. દામ્પત્ય જીવનમાં બનતા આવા બનાવોના લીધે લગ્નજીવન બંને માટે કેદ બનીને રહી જતું હોય છે.

 સ્ત્રી અને પુરુષની શરીરરચના ભિન્ન હોય છે. બંનેના આવેગો પણ એકસમાન નથી હોતા. સ્વભાવે પણ બને એકબીજાથી અલગ પડતા હોય ત્યારે જાતીય સુખ માણતી વખતે બંનેને મળતા સંતોષમાં પણ તફાવત હોય છે. આ વખતે પતિએ સંતોષ પામ્યા પછી પત્નીની મનઃસ્થિતિ વિશે જાણવાનું હોય છે. પત્નીના સુખ અને સંતોષ વિશે પણ જાણવું જાેઈએ. અને જાે પત્ની આ રીતે સંતુષ્ટ નથી તો એને સંતોષ આપવા માટે પૂરતા પ્રયાસ કરવા જાેઈએ. કારણ કે વારંવાર અસંતુષ્ટ રહેતી પત્ની આગળ ઉપર ઉપર પતિને સંતોષ નથી આપી શકતી. સાથે સાથે એ વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી છે કે પત્નીની મરજી વિરુદ્ધ એને લાગણી કે ધમકીથી પોતાના આવેગો સંતોષવા માટે મજબુર કરવી એક પ્રકારનો બળાત્કાર છે. જાેકે આ વાત ક્યારેય સ્વીકારી શકાતી નથી હોતી પરંતુ ઘણી પત્નીએ એના સમગ્ર જીવનકાળ દરમ્યાન ક્યારેક તો એવું અનુભવ્યું હોય છે કે પોતાના જ પતિ સાથે સમાગમ કરતી વખતે તેના પર બળાત્કાર થઇ રહ્યો હોય એવું તેને લાગે છે. આવી ઘટના પતિને લાગણીથી દૂર કરી દેશે અને એ પછી પત્ની માટે પતિ અને પતિનો પરિવાર એ માત્ર ફરજ બની જાય છે. અને શેષ બચતું જીવન બાળકો માટે અને બાળકોના સહારે જીવવા માંગે છે.

જાતીય આવેગ અને જરૂરિયાતો એ માત્ર મનોરંજન જ નથી, એ મન અને શરીરને સતત જીવંત રાખવા માટે થતી એક્સરસાઇઝ છે અને આ એક્સરસાઇઝ મનથી, નિયમિત રીતે અને એકબીજાથી મરજીથી થવી આવશ્યક છે. એ ક્યારેય ન ભુલવું કે જેના જાતીય આવેગો મરી જાય છે એની જીવવા માટેની તમન્ના પણ મરી પરવારતી હોય છે અને એટલેજ પતિ-પત્ની બંને એકબીજાના આવેગોનું-એકબીજાની જાતીય જરૂરિયાતોનું સન્માન કરવું જાેઈએ.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution