હિંદુ પંચાંગની એકાદશી તિથિનું હિંદુ ધર્મમાં ખૂબ મહત્ત્વ છે. દરેક મહિનાની વદ અને સુદ પક્ષની એકાદશી ખૂબ જ ખાસ હોય છે. એકાદશીના દિવસે ભગાવન વિષ્ણુની આરાધના કરવામાં આવે છે અને ઉપવાસ પણ રાખવામાં આવે છે. શ્રાવણ અને પોષ મહિનાની એકાદશીઓનું મહત્ત્વ એક સમાન માનવામાં આવે છે. આ એકાદશીઓને સંતાન પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. શ્રાવણ મહિનાની એકાદશીને શ્રાવણ પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. આ વખતે એકાદશી 30 જુલાઈએ છે.
એકાદશી વ્રતની તૈયારી દશમ તિથિથી કરવામાં આવે છે. દશમના દિવસે વ્રતીએ સાત્વિક ભોજન કરવું જોઇએ. બ્રહ્મચર્યનું પાલન કરવું જોઇએ. એકાદશીના દિવસે સવારે જલ્દી જાગીને સ્નાન કરી વ્રતનો સંકલ્પ લેવો અને ભગવાન વિષ્ણુના બાળ ગોપાળ સ્વરૂપની પૂજા કરવી. સાથે જ, એકાદશી વ્રતની કથાનો પાઠ કરવો. રાત્રે ભજન-કીર્તન કરીને જાગરણ કરવું જોઇએ. ત્યાર બાદ બારસ તિથિએ સૂર્યોદય સાથે પૂજા સંપન્ન કરવી જોઇએ. ત્યાર બાદ વ્રતના પારણા કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને કે બ્રાહ્મણને ભોજન કરાવીને કરવાં. દાન-દક્ષિણા આપવી.
આ એકાદશી વ્રત વિશે યુધિષ્ઠિરને શ્રીકૃષ્ણને જણાવ્યું કે, દ્વાપર યુગમાં મહિષ્મતીપુરીનો રાજા મહીજીત પુત્ર વિહીન હતો. રાજાના શુભચિંતકોએ આ વાત માહમુનિ લોમેશને જણાવી તો તેમણે જણાવ્યું કે, રાજન પૂર્વ જન્મમાં એક વૈશ્ય હતાં. આ એકાદશીના દિવસે બપોરના સમયે તેઓ એક જળાશય પર પહોંચ્યાં. ત્યાં ગરમીથી પીડિત એક ગાયને પાણી પીતી જોઇે તેમણે તેને રોકી દીધી અને સ્વયં પાણી પીવા લાગ્યાં. તે એક પાપના કારણે આજે તેઓ સંતાન વિહીન છે. મહામુનિએ જણાવ્યું કે, રાજાના શુભચિંતક જો શ્રાવણ સુદ પક્ષની એકાદશી તિથિએ વિધિ પૂર્વક વ્રત કરે અને તેનું પુણ્ય રાજાને આપે તો નિશ્ચિત જ તેમને સંતાનની પ્રાપ્તિ થશે. મુનિના નિર્દેશાનુસાર રાજા સાથે-સાથે પ્રજાએ પણ આ વ્રત રાખ્યું. થોડાં સમય બાદ રાણીએ પુત્રને જન્મ આપ્યો.