માણસનો ચહેરો નહીં મન પારખવું જરૂરી


એક રાજા હોય છે. ઉંમર વધવાના કારણે તે હવે રાજકાજ ચલાવી શકવા માટે સક્ષમ રહેતા નથી. તેમને લાગે છે કે, હવે મારે આ જવાબદારી મારા કોઈ એક પુત્રને આપી દેવી જાેઈએ. રાજાને ચાર પુત્રો હોય છે. રાજા ચારેયને જણાવે છે કે, આપણા નગરમાં જાઓ અને એક ઉત્તમ વ્યક્તિ લઈને આવો જે ધર્મનો જાણકાર હોય અને ઉત્તમ જીવન પસાર કરતો હોય. જે રાજકુમાર આવી વ્યક્તિને લઈને આવશે તેને હું મારો ઉત્તરાધિકારી બનાવીશ. તે રાજગાદી સંભાળશે જ્યારે બાકીના તેની મદદ કરશે.
રાજાની વાત સાંભળીને ચારેય પુત્રો નગરની યાત્રાએ નીકળી પડ્યા. તેમને જણાવેલા સમયે તમામ પુત્રો પાછા આવી ગયા. રાજાએ દરબાર ભર્યો અને ચારેય પુત્રોને બોલાવ્યા. પહેલો પુત્ર પોતાની સાથે એક વિદ્વાન લઈને આવ્યો હતો. આ વિદ્વાન ઉત્તમ જીવન પસાર કરતો હતો. તેની પાસે ધર્મનું ખૂબ જ ઉમદા જ્ઞાન હતું. તેણે અનેક શાસ્ત્રો વાંચ્યા હતા. તે શાસ્ત્રોનો અભ્યાસ કરતો હતો અને બીજાને પણ શિખવતો હતો. રાજા આ વ્યક્તિને જાેઈને ખુશ થયા અને તેને એક થેલી સોનામહોર ભેટ આપી. તેમને એક તરફે બેસવા જણાવ્યું. ત્યારબાદ બીજા પુત્રને ઈશારો કર્યો. બીજાે પુત્ર એક પંડિતજીને લઈને આવ્યો. પંડિતજીએ જીવનમાં ખૂબ જ ધાર્મિક કામ કર્યા હતા અને ધાર્મિક જીવન પસાર કર્યું હતું. તેમણે આજીવન ધાર્મિક યાત્રાઓ કરી હતી અને તિર્થસ્થાનોમાં જ રહ્યા હતા. રાજા તેમને જાેઈને ખુશ થઈ ગયા. તેમણે પંડિતજીને પણ એક થેલી સોનામહોર આપી અને એક તરફે બેસાડ્યા.
ત્યારબાદ ત્રીજાે પુત્ર આવ્યો. તે પોતાની સાથે એક ભગવાધારી સંતને લઈને આવ્યો હતો. આ સંત ખૂબ જ આધ્યાત્મિક જીવન પસાર કરતા હતા. મોટાભાગે ધ્યાન અને યોગ કરતા અને અઠવાડિયે એક જ વખત ફળાહાર કરતા હતા. આખી જિંદગી તેમણે તપ અને ધ્યાનમાં જ પસાર કરી હતી. રાજાએ તેમને એક થેલી સોનામહોર આપ્યા અને એક તરફ બેસવા માટે કહ્યું. ત્યારબાદ રાજાએ પોતાના ચોથા પુત્રને બોલાવ્યો. ચોથો પુત્ર આવ્યો તો તેની સાથે રહેલી વ્યક્તિ જાેઈને લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા. અત્યંત મેલાઘેલા કપડાં પહેરેલો એક વ્યક્તિ તેની સાથે દરબારમાં આવ્યો. ચોથા પુત્રએ કહ્યું કે, પિતાજી, આ વ્યક્તિ ખૂબ જ ધાર્મિક છે, ધર્મનો જાણકાર છે અને સાદુ તથા ઉત્તમ જીવન પસાર કરે છે. આ દરમિયાન કોઈ દરબારી બોલ્યો કે, આ તો મુરખ વ્યક્તિ છે. ઢોરા અને પશુઓના નનામા શબની અંતિમક્રિયા કરતો હોય છે. કુતરાના ઘા સાફ કરતો હોય છે. કોઈ અનાથ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેની અંતિમક્રિયા કરતો હોય છે. તેની પાસે ક્યાં ધર્મનું જ્ઞાન જ આવ્યું?
 રાજાના પુત્રએ કહ્યું કે, પિતાજી, આ વ્યક્તિ પાસે જ સાચા ધર્મનું જ્ઞાન છે. આપણા કર્મો જ આપણો સૌથી મોટો ધર્મ છે અને તેનું જ્ઞાન આ વ્યક્તિ પાસે છે. તે ભણેલો નથી, પ્રાર્થના કરતો નથી, મંદિરમાં જતો નથી, તપ કરતો નથી પણ ભુખ્યાને ભોજન કરાવે છે, પ્રાણીઓની સેવા કરે છે, માંદાને દવા લાવી આપે છે. કોઈને પણ મદદ જાેઈતી હોય તો પોતાનાથી શક્ય હોય તે મદદ કરી આપે છે.
રાજા આ વાત સાંભળીને ખુશ થયા અને તેમણે આ વ્યક્તિને મોટી જગ્યા આપી અને ત્યાં આશ્રમ બનાવી આપવાની જાહેરાત કરી. તેમણે પેલી વ્યક્તિને રાજકાજમાંથી પૈસા લઈને લોકોની સેવા કરવાનો આદેશ આપ્યો. આ ઉપરાંત પોતાના ચોથા પુત્રને ઉત્તરાધિકારી રાજા તરીકે પણ જાહેર કર્યો.
આપણે ક્યારેય કોઈ સંબંધમાં જાેડાઈએ છીએ ત્યારે આપણે સૌથી પહેલાં કામ તે વ્યક્તિની સામાજિક સ્થિતિ અને ખાસ કરીને તેનું સ્ટેટસ ચેક કરીએ છીએ. સમાજમાં આ વ્યક્તિના માન-પાન કેવા છે, તેને કોણ કોણ બોલાવે છે, તેની પાસે પૈસા કેવા છે, તે કેવો વ્યવહાર કરે છે, તેની આવડત કેવી છે... આ સિવાય ઘણી બાબતો તપાસતા હોઈએ છીએ. સમયાંતરે આવી બધી જ બાબતોની જાણ આપણને થાય છે અથવા તો આપણે પારખી લઈએ છીએ અને વ્યક્તિ સાથે સંબંધ બાંધીએ છીએ. એક રીતે જાેવા જઈએ તો આવા પ્રયાસોમાં મોટાભાગે આપણે ખોટા સાબિત થતા હોઈએ છીએ. જેટલા મોટા નામ અને દામ ધરાવતો માણસ હોય છે તેટલો જ વધારે અને મોટો તે દંભી અને અહંકારી પણ હોય છે. ભાગ્યે જ આવા લોકો બહાર દેખાતા હોય તેવા અંદર હોય છે. તેના કારણે જ માણસની જ્યારે ઓળખ કરવી હોય, માણસની જ્યારે પરખ કરવી હોય ત્યારે તેના પૈસા કે સ્ટેટસને નહીં પણ તેની સંવેદનાને જાણવી જાેઈએ.
વ્યક્તિ કેવી દેખાય છે, તે કેવી રીતે રહે છે, તે ક્યાં જાય છે તેના કરતા તે કેવા કામ કરે છે. તેનામાં કેટલી સંવેદના રહેલી છે, તે કેટલો સ્નેહ કરી શકે છે તે જાણવું જાેઈએ. માણસ કેવો દેખાય છે તે ક્યારેય મહત્ત્વનું હોતું જ નથી. વ્યક્તિની બાહ્ય સુંદરતાને ક્યારેય તેના સંસ્કારો કે તેના મનમાં રહેલી લાગણીઓ સાથે સંબંધ હોતો નથી. દુનિયામાં લાખો ઉદાહરણ પડ્યા છે જેમાં સુંદર દેખાતા, સમૃદ્ધ દેખાતા કે પછી સંપન્ન દેખાતા માણસો જ બીજાને પીડા આપતા હોય છે, તેમનું શોષણ કરતા હોય છે, લોકોને પરેશાન કરતા હોય છે. બીજી તરફ સાવ કદરૂપા દેખાતા લોકો, ઓછું ભણેલા લોકો અથવા તો ઓછી સંપત્તિ ધરાવતા લોકો સંવેદના સાથે બીજાની સેવા કરતા હોય છે, અબોલ પશુ-પક્ષીઓની મદદ કરતા હોય છે. તેના કારણે જ સુંદરતાની પાછળ રહેલા સ્વાર્થી ચહેરાને જાણવો જરૂરી છે. વ્યક્તિ પાસે કોઈ અભાવ હશે તો ચાલી જશે પણ ખોટા પ્રભાવમાં આવી જશે તો લાંબાગાળે દુઃખી થશે. તેથી જ મનની સુંદરતા ધરાવનારા લોકોની સાથે રહેવું વધારે હિતાવહ છે.
સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution