ભવિષ્યનાં નાણાંકીય લક્ષ્યોની પ્રાપ્તિ તથા વધુ સુરક્ષિત અને આરામદાયક જીવન નિર્વાહન માટે આજથી જ ‘નાણાંકીય વ્યવસ્થાપન’ કરવું અત્યંત મહત્વનું છે તથા ‘નાણાંકીય વ્યવસ્થાપન’ માટે જીવનમાં હંમેશા દરેક પગલે સંયમપૂર્વક આગળ વધતાં રહેવું જરૂરી છે.
દરેક વ્યક્તિએ માત્ર પોતાની સક્રિય આવક પર ક્યારેય ર્નિભર ન રહેવું જાેઈએ. આવકનો બીજાે સ્ત્રોત(નિષ્ક્રિય આવક) ઊભો કરવા માટે નિયમિત રીતે બચત કે રોકાણ કરતાં જ રહેવું જાેઈએ.
સક્રિય આવક કે જેને વ્યક્તિ કાર્ય(શ્રમ) કરીને, પોતાનો સમય ફાળવીને અથવા પોતાની કુશળતાઓનો ઉપયોગ કરીને મેળવે છે. તે માત્ર ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે તેને મેળવવા વ્યક્તિ પોતે સક્રિયતાપૂર્વક પ્રયત્ન કરે છે. જ્યારે નિષ્ક્રિય આવક એટલે, એવી આવક કે જેને મેળવવા વ્યક્તિએ વધુ પડતી સક્રિયતા દર્શાવવાની જરૂર રહેતી નથી. નિષ્ક્રિય આવક વ્યક્તિ શારીરિક અથવા બૌદ્ધિક મહેનત વગર પણ(અથવા ખૂબ ઓછા પ્રયત્નો દ્વારા) મેળવે છે. મોટાભાગે તે બચતો કે રોકાણો દ્વારા પ્રાપ્ત કરી શકાય છે.
પરંતુ, એનો અર્થ એવો જરાય નથી થતો કે નિષ્ક્રિય આવક મેળવવા વ્યક્તિએ સંપૂર્ણ નિષ્ક્રિય જ રહેવું! સતત અને નિયમિત રીતે બચત કરવા તો સક્રિય રહેવું જ પડે ને? અન્ય ક્ષેત્રની જેમ બચત માટે પણ ‘સાતત્યતા એ જ સફળતાની ચાવી’ છે.
એટલે જ બચત હોય કે રોકાણ, નિયમિત રીતે કરતાં રહો, સમજદારીપૂર્વક કરો અને હંમેશા સાવધાન રહો. કારણ કેઃ
• નાણાંકીય બજારમાં બચત કે રોકાણ માટેનાં અસંખ્ય સાધનો ઉપલબ્ધ છે. જેમાં વિવિધ વિકલ્પોનો વિચાર કર્યા વિના અને ઉતાવળે કરેલ ર્નિણય આપણાં સપનાંઓ અને આકાંક્ષાઓ ઉપર પાણી ફેરવી શકે છે.
• બચત કે રોકાણ માટેનાં બજારમાં ઉપલબ્ધ અસંખ્ય વિકલ્પો અલગ અલગ સમૂહોની વિવિધ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે. દરેકની આર્થિક અને કૌટુંબિક પરિસ્થિતિ, જરૂરિયાત, અપેક્ષાઓ અને મહત્વાકાંક્ષાઓ અન્ય કરતાં ભિન્ન હોય શકે છે તેથી યોજનાની પસંદગી સમજદારીપૂર્વક કરવી આવશ્યક છે.
નાણાંકીય બજારમાં બચત કે રોકાણ માટે ઉપલબ્ધ હોય તેવા વિવિધ મુખ્ય સાધનોઃ
• બેંક તથા અન્ય મુદતી થાપણોઃ બેંકની થાપણો એ બચત માટેનું એક ઉત્તમ ઉત્પાદન છે, બેંક ડિપોઝીટને સૌથી સુરક્ષિત બચત ઉત્પાદનોમાંની એક ગણવામાં આવે છે. જ્યારે અન્ય નાણાકીય સંસ્થાઓ પણ મુદતી થાપણોનાં વિવિધ ઉત્પાદનો રજૂ કરે છે. જેનો ઉપયોગ ગ્રાહકો પોતપોતાની જરૂરિયાત મુજબ ચોક્કસ સમયગાળા માટે કરી શકે છે. તેના બદલામાં, બેંકો / નાણાકીય સંસ્થાઓ ગ્રાહકને વ્યાજની રકમ ચૂકવશે.
• એકવાર નિયત મુદત વીતી જાય પછી, બેંક જમા કરેલી રકમ વત્તા નિયત દરે તે સમયગાળા દરમિયાન ઉપાર્જિત વ્યાજ પરત કરશે.
• એક ખૂબ જ સુરક્ષિત બચત ઉત્પાદન હોવાને કારણે, બેંક ડિપોઝિટમાં આપણે ઇક્વિટી અથવા ફિક્સ્ડ-ઇન્કમ પ્રોડક્ટ્સમાંથી જે મેળવવાની અપેક્ષા રાખીએ છીએ તેના કરતાં ઓછું વળતર આપે છે.
બેંકની થાપણોનાં વિવિધ લોકપ્રિય પ્રકારઃ
• ફિક્સ ડિપોઝિટ
• ડિમાન્ડ ડિપોઝિટ અથવા વ્યાજ ધરાવતું ખાતું
• ટર્મ ડિપોઝિટ
• બોન્ડ્સઃ બોન્ડ્સએ પણ એક રીતે બચત કરવાનું સુરક્ષિત સાધન છે, સામાન્ય રીતે બોન્ડ્સનો ઉપયોગ મોટી-મોટી કંપનીઓ, કેન્દ્ર સરકાર અને નગરપાલિકાઓ દ્વારા તેમના પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે ભંડોળ એકત્રિત કરવા માટે જારી કરવામાં આવે છે. બોન્ડ્સ ચોક્કસ સમયગાળા માટે નાણાંનું રોકાણ કરવાની વિશ્વસનિય રીત સાબિત થઈ છે અને પ્રમાણમાં સલામત રોકાણ માટેનો વિકલ્પ છે જે નિશ્ચિત આવક આપે છે. તે રોકાણકાર માટે આવકના વધારાના સ્ત્રોત તરીકે કામ કરે છે.
• અર્થતંત્ર અને રોકાણકારો બંને માટે બોન્ડ્સ રોકાણનો સારો વિકલ્પ છે.
• તે સરકાર અને કંપનીના ખર્ચ માટે ભંડોળ પૂરું પાડીને દેશના અર્થતંત્રના વિકાસમાં મદદ કરે છે.
• રોકાણકારો માટે, તે ફુગાવા અને શેરબજારની તેજી-મંદી સામે રક્ષણ આપે છે. વધુમાં, બોન્ડસ ખરીદવામાં અન્ય રોકાણો કરતાં ઓછા જાેખમો હોય છે.
• સોનુંઃ સદીઓથી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓમાં સોનાનું હંમેશા મહત્વનું સ્થાન રહ્યું છે. પરંતુ આજનાં યુગમાં, સોનું ભારતમાં રોકાણના લોકપ્રિય માર્ગ તરીકે પણ ઉભરી આવ્યું છે અને તે દેશના અર્થતંત્રમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. સોનાને રોકાણ તરીકે(આમાં સોનાનાં ઘરેણાંનો સમાવેશ થતો નથી) શા માટે ધ્યાનમાં લેવું એ વિશે અન્વેષણ કરીએઃ
• ઐતિહાસિક સ્થિરતાઃ સોનું વર્ષોથી વિશ્વભરમાં મૂલ્યનું વિશ્વસનીય ભંડાર સાબિત થયું છે, કટોકટીના સમયે તેને સુરક્ષિત આશ્રયસ્થાન માનવામાં આવે છે.
• વૈવિધ્યકરણઃ રોકાણ તરીકે સોનું વૈવિધ્યકરણના સાધન તરીકે કામ કરે છે. લોકો પોતાનાં પોર્ટફોલિયોમાં સોનાનો સમાવેશ કરીને, બજારની ભારે અસ્થિરતા જેવા જાેખમોને ઘટાડતાં હોય છે.
• ફુગાવા સામે હેજિંગઃ જ્યારે ફુગાવો વધે છે, ત્યારે કાગળના ચલણની કિંમતમાં ઘટાડો થાય છે પરંતુ સોનું ઘણીવાર તેનું મૂલ્ય જાળવી રાખે છે. વધુમાં, તે ફુગાવાના દર કરતાં વધુ વળતર આપવામાં સફળ રહ્યું છે અને આમ સોનાને હેજિંગ માટે યોગ્ય સાધન માનવમાં આવે છે.
• વૈશ્વિક સ્વીકૃતિઃ સોનું એ સંપત્તિનું સાવર્ત્રિક રીતે સ્વીકૃત સ્વરૂપ છે. તમે વિશ્વમાં ગમે ત્યાં સોનાને રોકડમાં સરળતાથી કન્વર્ટ કરી શકો છો.