જીવનમાં એક સરસ મિત્ર હોય તે પૂરતું છે

મિત્ર... એક એવી વ્યક્તિ જેના આપણી સાથે માત્રને માત્ર લાગણીના સંબંધ છે. તેનું મૂળ, તેનું કૂળ, તેના ડીએનએ, તેનો વંશ, તેનો વારસો બધા જ આપણાથી જુદાં છે છતાં તે આપણી સાથે અને પડખે છે. આજે ફ્રેન્ડશિપ ડેના દિવસે આવા જ વ્યક્તિત્વની વાત કરવી છે. મિત્રની વ્યાખ્યા શું કરી શકાય? મિત્રની ઘણી વ્યાખ્યા થાય, અને દરેક દેશમાં, દરેક સંસ્કૃતિમાં અને દરેક સાહિત્ય અને શાસ્ત્રોમાં તેને વ્યાખ્યાયિત કરાયો છે. તેમ છતાં જાપાનની લોકકહેવાત સૌથી વધારે સચોટ લાગે છે. જાપાનમાં કહેવાય છે કે, તમારે કોઈ વ્યક્તિના ચરિત્રને કે તેના જીવનને જાણવું હોય તો તેના મિત્રને જાેઈ લેવાં. મિત્રો આપણા જીવનનું પ્રતિબિંબ છે. મિત્ર કોઈપણ હોઈ શકે છે તેના માટે જાતિના વાડામાં બંધાવાની કોઈ જરૂર નથી. કર્ણ અને દુર્યોધન મિત્ર હતાં, અર્જુન અને કૃષ્ણ મિત્ર હતાં, કૃષ્ણ અને સુદામા મિત્ર હતા, કૃષ્ણ અને દ્રૌપદી પણ મિત્ર હતાં. મિત્રતામાં ક્યાંય જાત-પાત, ઊંચ-નીચ, પૈસા કશું જ જાેવાતું નથી. આ તો બસ લાગણીઓની જાહોજલાલીથી જીવાતો સંબંધ છે.

એક વખત કમલ અને નયન બે મિત્રો હતાં. કમલ સુખી ઘરનો છોકરો હતો અને નયન સામાન્ય ઘરનો હતો. બંને વચ્ચે સ્કુલના સમયથી મિત્રતા હતી. તેઓ કોલેજનો અભ્યાસ કરીને નોકરી કરવા લાગ્યા ત્યાં સુધી તેમની મિત્રતા ટકેલી હતી. તેમ છતાં આ મિત્રતામાં હવે થોડું પરિવર્તન આવ્યું હતું. કમલ થોડો વધારે સુખી થયો હતો જ્યારે નયન હજી પણ સામાન્ય જ હતો. એક વખત નયન ખૂબ જ બિમાર પડ્યો. તેની બિમારીના સમાચાર કમલ સુધી પહોંચ્યાં. કમલ તેના ઘરે ગયો અને થોડીવાર તેની પાસે બેઠો અને જતાં જતાં તેના હાથમાં દસ હજરા રૂપિયા મુકતો ગયો. નયનને થોડું લાગી આવ્યું. નયન સાજાે થયો પછી તેણે પાછું કામ શરૂ કર્યું અને પૈસા ભેગા કરવા લાગ્યો. દસ હજાર ભેગા થયાં ત્યારે તે કમલને પાછા આપવા ગયો. કમલના ઘરે ગયો ત્યારે ખબર પડી કે, કમલની તબિયત બહુ ખરાબ છે.

નયન ત્યાં કમલના ઘરે જ રોકાઈ ગયો. કમલ સાજાે થયો ત્યાં સુધી કે કમલની પડખે રહ્યો અને તેના કામ-ધંધાને અટકાવીને તેણે કમલની સેવા પણ કરી. કમલના ઘરના લોકો તેનાથી ખૂબ જ ખુશ હતાં. કમલ સાજાે થયો ત્યારે નયન પોતાના ઘરે પરત ફરી ગયો. થોડા દિવસ પછી કમલ તેને મળવા માટે તેના ઘરે આવ્યો. કમલ ઘરમાં ગયો અને નયનને જાેઈને ભેટી પડ્યો અને તેની આંખમાં આંસુ આવી ગયા. તેણે નયનની માફી માગતા કહ્યું કે, “દોસ્ત મને માફ કરી દે. મેં મિત્રતામાં પૈસાનો તફાવત લાવી દીધો હતો. હું તને પૈસા આપીને છુટી ગયો અને તેં મારા માટે આટલા દિવસો આપ્યાં. હું તારો આજીવન ઋણી રહીશ.”

નયને પોતાના મિત્રના આંસુ લુછતા સમજાવ્યો કે, “મિત્રતા હોય જ છે આના માટે. એક મિત્ર ભુલ કરે તો બીજાે સમજાવી લે. તને સંબંધની ગરિમા સમજાઈ તે મારા માટે મહત્ત્વનું છે.”

 મિત્રતા એક એવો સંબંધ છે જેમાં કદાચ ધનની જાહોજલાલી નહીં હોય તો ચાલી જશે પણ મનની જાહોજલાલી હોવી ખૂબ જ જરૂરી છે. મિત્ર તો જીવનનો નશો છે. ખાલીપાનો વસવસો જે હસતા હસતા દૂર કરે તે મિત્ર હોય છે. મિત્રતા આપણને નિખાલસતા આપે છે. જેવા છીએ તેવા રજૂ થવું અને જેવા છીએ તેવા સ્વીકારી લેવું તે જ સાચી મિત્રતા છે. સાચા મિત્રો અને ખાસ કરીને પોતાના મિત્રનું સારું ઈચ્છતા મિત્રો અને કહેવાતા મિત્રોમાં ખૂબ જ મોટું અંતર છે.

તમારી પાસે પૈસા છે, બંગલો છે, ગાડી છે તો તમારી આસપાસ ફરતા કે તમારા વખાણ કરતા લોકો તમારા મિત્રો નથી. આ લોકો માત્ર પૈસાના ગુલામ છે જે તમારી આસપાસ ફરે છે. તેમને તમારા કરતા તમારા પૈસા સાથે વધારે પ્રેમ છે. તમારા પૈસાને નહીં પણ તમારા વ્યક્તિત્વને અને તમને ચાહતા હોય તેવા લોકો સાચા મિત્ર કહેવાય. ભલે એક કટિંગ ચા પણ અડધી કરીને પીતા હોય પણ તેમાં પ્રેમનો અને કાળજીનો સ્વાદ આવે તેને જ મિત્રતા કહેવાય.

સાયકોલોજીનો સામાન્ય નિયમ કહે છે કે, કોઈપણ મિત્રતા જ્યારે અપેક્ષા વગર સાત વર્ષ ટકી જાય છે તો તે આજીવન ટકી જાય છે. મિત્રતામાં હંમેશા ઉપયોગ કરવો જ એવું પણ નથી હોતું. ઉપયોગ કરનારા લોકો મિત્રોની કેટેગરીમાંથી ઝડપથી આઉટ થઈ જતા હોય છે. ઘણા લોકો એવા હોય છે કે, તમારું કામ પડે ત્યાં સુધી તમારી જાેડે અને પડખે હોય છે પણ તમે જેવી યાચના કરો કે પલાયન થઈ જાય છે. આ લોકોથી પણ ચેતતા રહેવું પડે છે. આપણા જીવનમાં ઘણા લોકો પ્રવેશ કરતા હોય છે અને વિદાય લેતા હોય છે પણ મિત્રતા એવો સંબંધ છે જેને ક્યારેય એક્સપાયરી નથી લાગતી. ઘણી વખત આપણો મિત્ર કે આપણી મિત્ર જીવિત નથી હોતા પણ તેના સ્વજનો સાથે આપણા સંબંધ યથાવત હોય છે. આનું નામ જ સાચી મિત્રતા છે. તમારી લાગણીઓના ધબકારને પામી જાય તેનું નામ સાચો મિત્ર. તે કેવો દેખાય છે, કોની સાથે રહે છે, તેની પાસે પૈસા છે કે નહીં, તે મને મદદ કરશે કે નહીં આ તમામ શંકાઓથી પર જે સંબંધ સ્થપાય તેનું નામ મિત્ર. આ એવો સંબંધ છે જેમાં વ્યવહાર સાચવવાનો ભય નથી હોતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution