અમદાવાદ-
ઇઝરાયેલ પાસેથી ભારત સરકારે દરિયાના ખારા પાણીને મીઠું કરવા માટેના મશીન કે જેનું નામ પોલારીસ છે તે ખરીદવા માટે એમઓયુ કર્યા હતા. ત્યારબાદ ગુજરાત સરકારે પોલારીસ મશીન ખરીદ્યા હતા. રાજય સરકારના ગુજરાત ઇકોલોજીકલ કમિશન દ્વારા આ વિસ્તારમાં દરિયાના ખારાપાણીને મીઠું કરતું રૂ.1.90 કરોડની કિંમતનું પોલારીસ નામનું યંત્ર મુકવામાં આવ્યું છે. જેના પર દૈનિક 400નો ખર્ચ કરી આ મશીનની કેપેસિટી દૈનિક 10 હજાર લીટર પાણી મીઠું કરવાની છે જોકે હાલ શિયાળાની સ્થિતિમાં પાણીની જરૂરિયાત ઓછી હોવાથી દરરોજ 5,000 લીટર દરિયાનું ખારું પાણી મીઠું કરવામાં આવે છે. અને વ્યકિત દીઠ 20 લીટર પાણી આપવામાં આવે છે.
રાજ્ય સરકારની યોજના અંતર્ગત હાલ માળીયા તાલુકાના બોડકી, ન્યુ નવલખી અને વર્ષામેડી ગામમાં રહેતા માછીમાર પરિવાર તેમજ છેવાડાના લોકોને પીવાનું પાણી પહોચાડવા આવી રહ્યું છે. એટલું જ નહીં આ પાણીના લોકો પાસેથી કોઇ ચાર્જ લેવામાં આવતો નથી. ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા રાજ્યના 8 સ્થળે આવા દરિયાના ખારા પાણીને મીઠા કરી આપતું પોલારીસ મશીન મુકવામાં આવ્યા છે. આ યોજનાના પ્રોજેક્ટ ઇજનેરનું કહેવું છે કે પોલારીસ મશિન ગુજરાત ઇકોલોજીકલ કમિશન દ્વારા ફાળવામાં આવ્યું છે ઇઝરાયેલ ટેકનોલોજીથી ચાલતા આ મશીનમાં એક કલાકમાં 1000 લીટર પાણી મીઠું કરી શકાય છે અને મેક્સિમમ 10,000 લીટરની કેપેસિટી છે.હાલ આ વિસ્તારમાં 5000 લીટર પાણી મીઠું કરી આસપાસનાં લોકોને પહોચાડવા આવે છે. ખારા પાણીમાંથી મીઠા પાણી કેટલું થશે તેનો આધાર ટીડીએસ પર રહે છે જૉ 30થી 35 હાજર ટીડીએસ ધરાવતા પાણીને મીઠું કરવાનું હોય તો કલાકમાં 1000 લીટર પાણી મીઠું થઈ શકે છે.જો 60 હજારથી વધુ ટીડીએસ હોય તો ઘટીને 300 લીટર આસપાસ થઈ જાય છે.