ઇઝરાયેલે અખાતી દેશો યુએઇ અને બહેરીન સાથે ઐતિહાસિક સમજૂતી કરી

દિલ્હી-

ઇઝરાયેલે અખાતી દેશો યુનાઇટેડ આરબ અમીરાત (UAE) અને બહેરીન સાથે ઐતિહાસિક સમજૂતી કરી હતી. ગઇ કાલ સુધી ઇઝરાયેલ અને આરબ દેશો વચ્ચે કટ્ટર દુશ્મનાવટ હતી.

મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યાલય વ્હાઇટ હાઉસમાં આ ઐતિહાસિક સમજૂતી પર ત્રણે દેશોના પ્રતિનિધિઓએ સહી સિક્કા કર્યા હતા. અમેરિકી પ્રમુખે આ સમજૂતી અંગે ખુશી વ્યક્ત કરી હતી. આ સાથે બંને આરબ દેશોએ ઇઝરાયેલ સાથેના સંબંધોને નોર્મલ કરવા સાથે ઇઝરાયેલને ઔપચારિક માન્યતા આપી દીધી હતી.

હજુ ગઇ કાલ સુધી આરબ દેશો ઇઝરાયેલને એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે સ્વીકારતા નહોતા. ટ્રમ્પે આ સમજૂતીને ઐતિહાસિક ગણાવતાં એવી આશા વ્યક્ત કરી હતી કે હવે આ સમજૂતીથી પશ્ચિમ એશિયામાં નવી વ્યવસ્થા સ્થપાશે. આ પ્રસંગે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાહુ, યુએઇના વિદેશ પ્રધાન અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહ્યાન અને બહેરીનના વિદેશ પ્રધાન અબ્દુલ લતીફ બિન રશીદ અલ ઝયાની હાજર હતા. આ સમજૂતીને અબ્રાહમ એકોર્ડ નામ આપવામાં આવ્યું હતું. હજુ હમણાં સુધી ઇઝરાયેલ સામે આરબ દેશો કતરાતા હતા અને ઇઝરાયેલને સ્વતંત્ર સાર્વભૌમ તરીકે સ્વીકારવા તૈયાર નહોતા. ઇઝરાયેલ સાથે ભારતને સારા સંબંધો હતા એ પણ અખાતી દેશોને ગમતું નહોતું. ટ્રમ્પની હાજરીમાં થયેલા આ કરારને કારણે ટ્રમ્પને આ એક કાર્યનો યશ મળશે એમ કહી શકાય.

અમેરિકા રાષ્ટ્રપતિ ટ્રમ્પની અધ્યક્ષતામાં થયેલ સમારોહમાં યુએઈ અને બેહરીનના પ્રતિનિધિઓએ અલગ-અલગ ઈઝરાયલના પ્રતિનિધિ સાથે ડીલ કરી હતી. ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ ડીલનું સ્વાગત કરતાં કહ્યુ કે, આ દિન ઐતિહાસિક છે. આ શાંતિની નવી સવારની શરૂઆત છે. જાે કે ફિલિસ્તીનીઓએ આ ડીલની નિંદા કરતાં તેને ખતરનાક વિશ્વાસઘાત ગણાવી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution