દિલ્હી-
હાલ વિશ્વભરમાં આતંકવાદી ગતિવિધિઓ ઝડપથી વધી રહી છે. જેને રોકવા માટે દુનિયાભરના નેતાએ એકજૂટ થઈને કોશિશ કરી રહ્યાં છે. ભારત પણ આતંકવાદની સમસ્યાનો સામનો બહુ પહેલાથી કરતું આવ્યું છે. આતંકવાદ મુદ્દે ભારત અનેક મોરચે લડી રહ્યું છે.
આતંકવાદના મામલે આજે કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યસભામાં એક પ્રશ્નનો જવાબ આપ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ રાજ્યસભામાં એ વાતની જાણકારી આપી કે, દેશમાં ૧૨ એવા રાજ્યો છે, જ્યાં ઈસ્લામિક સ્ટેટ (IS)ના આતંકવાદીઓ સૌથી વધુ સક્રિય છે. જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર અને જમ્મુ-કાશ્મીર જેવા રાજ્યો પણ સામેલ છે.
રાજ્યસભામાં એવા રાજ્યોની વિગતે આપવામાં આવી, જ્યાં ISના આતંકવાદીઓ સૌથી વધુ સક્રિય છે. પોતાના લેખિત જવાબમાં ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ જણાવ્યું કે, NIA ની તપાસમાં સામે આવ્યું છે કે ઈસ્લામિક સ્ટેટ (IS) કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, તમિલનાડુ, રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં સૌથી વધુ સક્રિય છે.
કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી જી. કિશન રેડ્ડીએ એક લેખિત જવાબમાં જણાવ્યું કે, 5 ઓગસ્ટ 2019 બાદ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો નોંધાયો છે. 5 ઓગસ્ટ પહેલા એટલે કે 29 જૂન 2018 થી 4 ઓગસ્ટ 2019 સુધી ઘાટીમાં 455 જેટલી આતંકવાદી હુમલાની ઘટનાઓ સામે આવી હતી. જ્યારે 5 ઓગસ્ટ 2019 થી 9 સપ્ટેમ્બર, 2020 સુધી આતંકવાદી હુમલાની 211 ઘટનાઓ નોંધાયી છે.