ભુજ-
પાકિસ્તાનને અડકીને આવેલા સરહદી કચ્છના તાર વધુ એકવાર આઈએસઆઈના નામે ઓળખાતી પાકિસ્તાની જાસૂસી સંસ્થા ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ સાથે જોડાયાં હોવાનો નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીની તપાસમાં ઘટસ્ફોટ થતાં ચકચાર પ્રસરી છે.
ગત 19 જાન્યુઆરીએ વારાણસીમાંથી પકડાયેલાં આઈએસઆઈ એજન્ટ મોહમ્મદ રાશિદ ઈદ્રીશના ખાતામાં પેટીએમ મારફતે જમા થયેલાં 5 હજાર રૂપિયાની તપાસમાં આ નાણાં મુંદરાના કુંભારવાસમાં રહેતાં રજાક સુમાર કુંભારે જમા કરાવ્યાં હોવાનો પર્દાફાશ થયો છે.
આ અંગે એનઆઈએએ જણાવ્યું છે કે ત્રાસવાદી સંગઠનની સૂચનાના પગલે રજાક કુંભારે પેટીએમ મારફતે રીઝવાન નામના શખ્સના ખાતામાં 5 હજાર રૂપિયા જમા કરાવ્યા હતા. આ નાણાં રીઝવાને રાશિદને આપ્યા હતા. એનઆઈએ રજાક કુંભારના ઘરની તલાશી લઈ કેટલાંક સંવેદનશીલ દસ્તાવેજો જપ્ત કર્યાં છે. રજાક કુંભારે પાકિસ્તાની યુવતી જોડે નિકાહ કરેલા છે. અગાઉ તે પાકિસ્તાન ગયો ત્યારે તે પાકિસ્તાની જાસૂસી એજન્સીના હેન્ડલરના સંપર્કમાં આવ્યો હોવાની શક્યતા છે. તેની પત્ની હાલ પાકિસ્તાનમાં છે. રજાક કેટલાં સમયથી આઈએસઆઈ માટે કામ કરતો હતો, કચ્છમાં અન્ય કોઈ એજન્ટો કામ કરે છે કે કેમ તે સહિતના મુદ્દે હાલ સઘન પૂછતાછ ચાલી રહી છે.