કોવિડ 19ના કેસ દિવસે દિવસે ભારતમાં વધી રહ્યાં છે. ભારતમાં સાડા પાંચ લાખ કરતાં વધારે કેસ છે. હાલમાં જ ટીવી એક્ટ્રેસ અદિતી ગુપ્તાનો કોરોનાવાઈરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. એક્ટ્રેસે વેબ પોર્ટલ ટેલિ ચક્કર સાથેની વાતચીતમાં આ વાત કહી હતી. તેણે કહ્યું હતું કે તે અસિમ્પ્ટોમેટિક (કોઈ જાતના લક્ષણો ના હોવા) દર્દી છે. તે છેલ્લાં એક અઠવાડિયાથી રૂમમાં ક્વૉરન્ટીન છે.
‘ઈશ્કબાઝ’ ફૅમ એક્ટ્રેસે કહ્યું હતું કે જ્યારે તેની ગંધ પારખવાની ક્ષમતા જતી રહી ત્યારે જ તેણે પોતાને ક્વૉરન્ટીન કરી લીધી હતી અને કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તે અસિમ્પ્ટોમેટિક દર્દી છે અને તેણે ઘરમાં જ સારવાર લેવાનું નક્કી કર્યું હતું.
છેલ્લાં સાત-આઠ દિવસથી તે પોતાના રૂમમાં બંધ છે. વધુમાં અદિતીએ કહ્યું હતું કે તે તમામ મેડિકલ ગાઈડલાઈન્સનું પાલન કરે છે અને તેની ગંધ પારખવાની ક્ષમતા થોડી પરત આવી છે. તેણે ભારપૂર્વક કહ્યું હતું કે આનાથી ડરવાની જરૂર નથી. જો તમે યોગ્ય મેડિકલ સારવાર તથા હકારાત્મક વલણ અપનાવો તો જરૂરથી ઠીક થઈ જાવ છો. અદિતીએ આગળ કહ્યું હતું કે તેને પતિ, પરિવાર તથા મિત્રોનો પૂરતો સપોર્ટ મળ્યો હતો. તેઓ સતત તેનું ધ્યાન રાખી રહ્યાં છે. તે આગામી 10 દિવસ ક્વૉરન્ટીન રહેશે. તે યોગ્ય રીતે ભોજન લે છે અને જરૂરી સાવધાની રાખે છે. તે એમ તો કહે છે કે ડરવાની જરૂર નથી પરંતુ આ સારી વાત નથી. તે શરૂઆતમાં ઘણી જ તણાવમાં આવી ગઈ હતી પરંતુ પછી ધીમે ધીમે તે ઠીક થઈ ગઈ હતી.
કેટલાંક લોકો આની વાત કરવા તૈયાર નથી પરંતુ તેને આશા છે કે સારા દિવસો ફરીથી પાછા આવશે અને પરિસ્થિતિ પહેલાં જેવી સામાન્ય થઈ જશે. 20 એપ્રિલ, 1988માં જન્મેલી અદિતી એક્ટ્રેસ ઉપરાંત મોડલ તથા ફેશન ડિઝાઈનર છે. તેની બે મોટી બહેનો મેઘા ગુપ્તા તથા આમ્રપલી ગુપ્તા પણ ટીવી એક્ટ્રેસ છે. અદિતીએ એકતા કપૂરની ટીવી સિરિયલ ‘કિસ દેશ મૈં હૈ મેરા દિલ’થી કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે વિવિધ સિરિયલમાં કામ કર્યું હતું, જેમાં ‘કાલ ભૈરવ રહસ્ય 2’, ‘ઈશ્કબાઝ’, ‘કૂબૂલ હૈં’, ‘યે હૈં આશિકી’, ‘હિટલર દીદી’, ‘પુર્નવિવાહ’, ‘સંજોગ સે બની સંગીની’ સામેલ છે. અદિતી ટીવી સીરિયલ ‘અનુપમા’માં જોવા મળશે. આ સિરિયલ લૉકડાઉનને કારણે હાલ પ્રસારિત કરવામાં આવી નથી.
વર્ષ 2018માં અદિતીએ કબીર ચોપરા સાથે લગ્ન કર્યાં હતાં.ટીવી કલાકાર કિરણ કુમાર પણ કોરોના પોઝિટિવ હતાં. તેમણે ઘરમાં જ રહીને સારવાર કરી હતી. ટીવી એક્ટર સત્યજીત દૂબેની માતા પણ કોરોના પોઝિટિવ હતાં અને તેમણે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવી હતી. ‘દિયા ઔર બાતી હમ’ ફૅમ દીપિકા સિંહની માતા પણ કોરોના પોઝિટિવ હતાં. તેમને દિલ્હીમાં એક પણ હોસ્પિટલમાં સારવાર મળી શકે તેમ નહોતી.
આ સમયે દીપિકાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વિનંતી કરતી પોસ્ટ કરી હતી અને ત્યારબાદ તેને હોસ્પિટલમાં બેડ મળ્યો હતો. હાલમાં દીપિકાની માતા કોરોના નેગેટિવ છે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈં’ ફૅમ મોહેના કુમારી પણ કોરોના પોઝિટિવ હતી.