લેખકઃ દ્રષ્ટિ ભટ્ટ
ઘણા વાલીઓને આપણે તેવું કહેતા સાંભળતા હોઈએ છીએ કે અમારું બાળક તો પગ વાળીને બેસતું જ નથી. હંમેશા ઘર માથે લઇને જ ફરે છે. પછી એ પોતાનું ઘર હોય, શાળા હોય કે કોઇ મિત્રના જન્મદિવસની પાર્ટી હોય, આ બાળક બધે તોફાન જ મચાવતું જાેવા મળશે. ઘણા બધા લોકો, તે તો બહુ તોફાની છે તેવું કહેતા જાેવા મળશે. પરંતુ, બહુ ગંભીર સમસ્યાઓ તે બાળકના કારણે નહીં ઉદ્દભવે ત્યાં સુધી માતાપિતા પણ તોફાની છે તેમ માની અને તેને મારી અથવા વઢીને કંટ્રોલ કરવા પ્રયત્ન કરશે.
આવા સમયે માતાપિતા અને શિક્ષકો જાે તે બાળકનું ખાસ નિરીક્ષણ કરશે તો તેના વર્તનમાં અમુક પેટર્ન જાેઈ શકાશે. કોઈપણ બાળકને બીજા બાળકોથી અલગ વર્તન કરવું અને વારંવાર વડીલોનો ઠપકો ખાવો ગમતો નથી હોતો તે હકીકત છે. બાળકના વિકાસમાં રહી ગયેલી અમુક ખામીઓ જે દેખાતી ન હોય પરંતુ અમુક વર્તન માટે જવાબદાર હોય છે. ઉપર દર્શાવેલા વર્તન કરતું બાળક એડીએચડી (અટેન્શન ડેફિસીટ હાઇપરક્ટિવિટી ડિસઓર્ડર) નામનું ન્યૂરોડેવલોપમેન્ટ ડિસઓર્ડર ધરાવતું હોય શકે છે. આ રોગના લક્ષણો શરૂઆતમાં ઓછા ધ્યાનમાં આવે છે કારણ કે તે નાના બાળકોનું સામાન્ય વર્તન જેવું જ હોય છે. પરંતુ જ્યારે બાળક શૈક્ષણિક વ્યવસ્થામાં પ્રવેશે છે ત્યારે વધુ પડતી સક્રિયતાને કારણે અલગ તરી આવે છે.
એડીએચડી એક એવી સ્થિતિ છે જેમાં બાળક પોતાના ધ્યાન અને વર્તનને નિયંત્રિત કરવાની ઓછી ક્ષમતા ધરાવે છે. તે બાળપણની સૌથી સામાન્ય વિકૃતિઓમાંની એક છે. આ ડિસઓર્ડર ધરાવતું બાળક કોઇ પણ કામ અથવા અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતું. આવા બાળક ખુબ જ એક્ટિવ અને આવેગશીલ હોય છે. આવા બાળકોને જાે તમે એક સાથે ઘણા બધા સૂચનો આપો, તો તે સૂચનો પ્રમાણે કામ કરવું તેના માટે શક્ય નથી એટલે આવા બાળકોને એક પછી એક સૂચનો આપવા જાેઈએ તો બાળક પોતાનું કામ સારી રીતે કરી શકશે. આવા બાળકોને શાળામાંથી મળેલું હોમવર્ક કરવામાં તકલીફ પડે છે કારણકે હોમવર્ક માટે શિક્ષકે એકસાથે ઘણા સૂચનો આપ્યાં હોય છે. જાે આવા બાળકોને માતાપિતા હોમવર્કને નાના ટુકડાઓમાં વહેચી અને એક પછી એક ભાગ કરવાની મદદ કરે તો બાળક સારી રીતે હોમવર્ક પૂરું કરી શકશે.
આ ઉપરાંત એક સ્પષ્ટ અને નિશ્ચિત દિનચર્યા ઘડી દેવાથી રોજ સવાર પડે અને બાળકને શાળાએ મોકલવા તૈયાર કરવા જે માથાકૂટ કરવી પડતી હશે તેમા ઘટાડો થઈ જશે. તે દૈનિક ચાર્ટમાં દાંત સાફ કરવાથી લઇ અને બેગ તૈયાર કરવી અને યુનિફોર્મ પહેરવો જેવી ઝીણામાં ઝીણી માહિતી લખવી એટલે બાળકને સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન મળી શકે.એડીએચડી ધરાવતા બાળકો ખુબ જ સક્રિય હોય છે એટલે તેઓને ભણતી અથવા ધ્યાનથી કરવાની દરેક પ્રવૃતિઓમાં ૨૦ મિનીટ કે અડધી કલાકે ૫-૧૦ મિનીટ કસરત કે સ્ટ્રેચિંગ કે કોઇ પણ શારીરિક પ્રવૃત્તિ કરવાનો સમય આપવો જાેઈએ તો ત્યાર બાદનું કાર્ય તે વધુ ધ્યાનથી કરી શકશે કારણ કે તેની એનર્જીને કઈક ક્રિયાત્મક રસ્તો મળ્યો હશે.
આ બાળકો થોડા વધુ પડતા અવ્યવસ્થિત પણ હોય છે અને ખુબ જ ઉતાવળિયા હોવાને લીધે પોતાની વસ્તુઓ ન મળે કે પોતાનું ધાર્યું ન થાય કે થોડું અનઅપેક્ષિત રિઝલ્ટ આવે તો તરત જ ગુસ્સે થઈ જાય છે. માટે આવા બાળકો સરળતાથી પોતાનું કામ કરી શકે અને તેઓને પોતાની વસ્તુઓ સહેલાઈથી મળી શકે તે માટે માતાપિતા મદદ કરી શકે. જાે બાળકોને શાળાના અલગ અલગ કાર્ય અથવા વિષયો માટે અલગ અલગ કલરના ફોલ્ડર્સ કે ચોપડાઓની વ્યવસ્થા કરી આપો તો આ બાળકોને ઘણું સહેલું પડશે.
સામાજિક વર્તણુંક સુધારવા માટે આવા બાળકોને નાની નાની બાબતોમાં નાના નાના ઇનામો જેવા કે સ્ટિકર્સ વગેરે આપીને પ્રોત્સાહિત કરી શકાય અને અમુક સ્ટિકર્સ ભેગા થાય તો કોઇ ગમતું રમકડું અપાવવાથી સારું વર્તન કરવા તરફ બાળક પ્રેરાશે. એડીએચડી કે કોઇપણ શારીરિક રીતે ન દેખાય તેવી બીમારીઓની જટિલતાને જાે માતાપિતા લક્ષણોથી સમજે અને અસરકારક રીતે બાળકોને મદદ કરશે તો બાળકો અને માતાપિતા બંને માટે આ સમસ્યા સાથે જીવન પસાર કરવું સહેલું બની શકે છે. વધુ એક ધ્યાન દોરવા જેવી બાબત કે અમુક સમયે બાળકનું અમુક પ્રકારનું વધુ પડતું સક્રિય વર્તન ઘરના વાતાવરણની પ્રતિક્રિયારૂપે પણ હોય શકે છે જેના ફેરફારથી પણ બાળકના વર્તનમાં ફેર જાેઈ શકાય છે.