શું ભાજપ અને આરએસએસ વચ્ચેનું સંકલન ખોરવાઇ રહ્યું છે?

લેખકઃ જયેશ શાહ | 

લોકસભા ચૂંટણીના પરિણામોમાં એનડીએને ભલે બહુમતી મળી હોય પરંતુ ભાજપને એકલે હાથે સંપૂર્ણ બહુમતી મળી નથી. તેના કારણે ભાજપના જ સહયોગી પક્ષો અને અન્ય વિરોધપક્ષો ભાજપની ટીકા કરી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે ભાજપ માટે સૌથી મોટો આંચકો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતનું નિવેદન મનાય છે. લોકસભાની ચૂંટણીના પરિણામો પછી આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે પરિણામો વિષે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે “જે મર્યાદાનું પાલન કરતાં-કરતાં કામ કરે છે, ગર્વ કરે છે પરંતુ અહંકાર કરતો નથી એ જ સાચા અર્થમાં સેવક બનવાનો અધિકારી છે.” આ ટિપ્પણીનો અર્થ એવો નીકળી શકે છે કે તેમણે ભાજપના કથિત અહંકારને લઈને આ વાત કરી હતી.

આરએસએસના બીજા એક દિગ્ગજ અધિકારી ઈન્દ્રેશજીએ કહ્યું કે “૨૦૨૪માં રામરાજ્યની લીલા જુઓ. જે લોકોમાં રામની ભક્તિ હતી પરંતુ તેઓને ધીરેધીરે અહંકાર આવી ગયો. તેમને ૨૪૦ બેઠકો પર રોકી દીધાં. જેમણે રામનો વિરોધ કર્યો તેમાંથી રામે કોઈને પણ શક્તિ ન આપી. તમારી અનાસ્થાનો જ આ દંડ છે કે તમે ક્યારેય સફળ થઈ ન શકો.” સરસંઘચાલક મોહન ભાગવતે તો મણિપુરમાં હિંસા રોકવાની વાત પણ કરી દીધી હતી.

આ નિવેદનો પછી અહીં પંડિત દીનદયાળ ઉપાધ્યાયે કહેલા શબ્દો યાદ આવ્યા વગર રહે જ નહીં. એમને કહ્યું હતું કે “જાે સંઘ સાથે જાેડાયેલ પક્ષ ભ્રષ્ટ થઈ જશે તો તેને ખતમ કરવાની સત્તા માત્ર આરએસએસ પાસે હશે”. આરએસએસ ભાજપનું માતૃ-સંગઠન છે તેથી સ્વાભાવિકપણે જ તેનો પ્રભાવ ભાજપ પર આજીવન રહેવાનો જ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આરએસએસના સક્રિય પ્રચારક પણ રહી ચૂક્યા છે. તેમ છતાં છેલ્લાં કેટલાંક વર્ષોથી સતત એ બાબતે ચર્ચા થતી રહી છે કે શું ભાજપ આરએસએસ વચ્ચેનું સંતુલન ખોરવાઇ રહ્યું છે? જાે આવું ન હોય તો આરએસએસનું ભાજપ પર નિયંત્રણ કેટલી હદે છે એ જાણવું પણ રસપ્રદ રહેશે. ચોક્કસપણે સંઘપરિવારમાં સત્તા-સમીકરણોમાં બદલાવ આવ્યો છે. મોદીના આવ્યા પછી સરસંઘચાલક હવે એવા સુપ્રીમો નથી રહ્યાટ જે વડાપ્રધાનને નિર્દેશ આપી શકે.

૨૦૨૪ની ચૂંટણી પહેલાં લોકોને એમ લાગતું હતું કે આરએસએસ ભાજપની સાંસ્કૃતિક શાખા છે અને આરએસએસ સરસંઘચાલકનું પદનું ઝાઝું મહત્વ નથી. પરંતુ અમુક સમય બાદ બંનેમાં સમાનતા આવી ગઈ અને આરએસએસ અને ભાજપ વચ્ચેની સમતુલા ખોરવાઇ હોય એવું ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીના પરિણામો પરથી દેખાઈ રહ્યું છે. કેન્દ્રમાં મોદી સરકાર સિવાય રાજ્યોના ૧૦ ગવર્નરમાંથી ૪ ગવર્નર આરએસએસના પ્રચારક છે. ભાજપ શાસિત ૧૨ રાજ્યોમાંથી ૮ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ આરએસએસના સ્વયંસેવકો છે. વહીવટી તંત્રમાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓમાં આરએસએસની વિચારધારાવાળા અધિકારીઓ છે ત્યારે તેવા સંજાેગોમાં આરએસએસ અને ભાજપની સમતુલા ખોરવાય એ દેશ માટે સારા સંકેત નથી.

જાે કે આરએસએસ અને ભાજપ વચ્ચેનું સંતુલન ૨૦૨૪ પછી જ ખોરવાઇ રહ્યું છે એવું નથી. ઇતિહાસ સાક્ષી છે કે ભૂતકાળમાં અનેક વખત આરએસએસે ભાજપથી અંતર રાખ્યું હતું. ૧૯૮૦માં ભાજપની સ્થાપના થઈ ત્યારે તેના સ્થાપકોએ આરએસએસના અભિન્ન માનવતાવાદને બદલે ગાંધીવાદી સમાજવાદને સ્થાન આપ્યું હતું. તદુપરાંત આરએસએસની સંકલન સમિતિની બેઠકોમાં ભાગ લેવાનું બંધ કર્યું હતું તથા ભાજપ માટે આરએસએસના પ્રચારકોની મદદ લેવાનું બંધ કર્યું હતું. તેને કારણે ભાજપ લોકસભામાં બે બેઠકો પર સીમિત થઈ ગયો હતો.

આરએસએસે ૧૯૮૦ના દાયકાની શરૂઆતમાં કોંગ્રેસને મદદ કરી હતી. ભાજપ સાથે અંતર પડી ગયું હતું તેની ભરપાઈ કરવા માટે વિશ્વ હિંદુ પરિષદને સક્રિય કરવામાં આવ્યું હતું. ચૂંટણીઓમાં પછડાટ ખાધા પછી અને મંડલ કમિશન સામે ઝીંક ઝીલવા માટે ૧૯૮૬માં લાલકૃષ્ણ અડવાણી ભાજપના અધ્યક્ષ બન્યા અને તેમણે અભિન્ન માનવતાવાદ અપનાવ્યો અને ગાંધીવાદી સમાજવાદને તિલાંજલિ આપીને હિન્દુત્વને મહત્વ આપવાનું શરૂ કર્યું. ૧૯૯૮માં ભાજપની સરકાર બનવા છતાં આરએસએસ દ્વારા વાજપેયી સરકારના મંત્રી જશવંતસિંહને રાજીનામું અપાવડાવીને યશવંત સિંહાને તેમની જગ્યાએ નાણાંમંત્રી બનાવવા પડાઈ હતી.

૨૦૦૦માં આરએસએસે વડાપ્રધાન વાજપેયી વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સ કરી હતી તો આરએસએસના સંગઠન ભારતીય મજદૂર સંઘે દેશભરમાં વાજપેયી સરકારનો વિરોધ શરૂ કર્યો હતો અને તેની સાથે આરએસએસનું કિસાન સંગઠન પણ જાેડાયું હતું. સંઘે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે “અમને પસંદ નથી આવ્યું કે તેમણે વીએચપી, બજરંગદળ, વિદ્યાર્થી પરિષદ, ભારતીય મજદૂર સંઘ સાથે વાતચીત બંધ કરી દીધી હતી. હવે વાજપેયી અને અડવાણીએ સંન્યાસ લઈ લેવો જાેઈએ અને નવી નેતાગીરીને મોકો આપવો જાેઈએ.” આ વિવાદોના કારણે ૨૦૦૪ની ચૂંટણીઓમાં આરએસએસના કાર્યકર્તાઓએ ભાજપથી અંતર રાખ્યું હતું. એના પરિણામે ભાજપે સત્તા છોડવી પડી હતી. ૨૦૦૪માં તો સ્વદેશી જાગરણ મંચથી એટલો વિરોધ શરૂ કરાવ્યો હતો કે જેને કારણે ભાજપે લેવાના દેવા પડી ગયા હતા.

આ જ ઇતિહાસ ૨૦૨૪માં દોહરાવવા જઈ રહ્યો હોય એવું ક્ષિતિજ પર દેખાઈ રહ્યું છે. ૨૦૧૯માં નરેન્દ્ર મોદીની સરકાર ફરી વખત આવતા જ આરએસએસ અને ભાજપ વચ્ચે ટકરાવની પરિસ્થિતિ ઊભી થઈ છે. લેબર રિફોર્મ્સનો વિરોધ ભારતીય મજદૂર સંઘે જાેરશોરથી કર્યો અને તેને કારણે દરેક રાજ્યમાં તેને અમલમાં પણ લાવી શકાયો નથી. તેવી જ રીતે કૃષિ ક્ષેત્રમાં સુધારા લાવવા માટે ત્રણ કાયદાઓ લાવવામાં આવ્યા તેનો પણ ભારતીય કિસાન સંઘે વિરોધ કર્યો હતો. ભારતીય કિસાન સંઘે તો કિસાન આંદોલનને સમર્થન આપ્યું હતું. ૨૦૨૨માં આરએસએસે બેરોજગારી અને આર્થિક નીતિઓ પર ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. રામ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા સમયે પણ સંઘ અને ભાજપ વચ્ચે અથડામણ થઈ હતી. પરંતુ વડાપ્રધાનના પ્રયાસોથી એ સમયે એના પર પાણી નાખીને શાંત કરી દેવામાં આવ્યું હતું. કોંગ્રેસ અને અન્ય પ્રાંતિય પક્ષોના નેતાઓને ભાજપમાં પ્રવેશ આપીને વિધાનસભા અને લોકસભામાં ટિકિટો પણ આપી દેવાતા આરએસએસે ૨૦૨૪ની ચૂંટણીઓમાં પૂરેપૂરી સાચા દિલની સક્રિયતા બતાવી ન હતી.

૨૦૨૪ની ચૂંટણીઓમા મતદાનની ટકાવારી વધારવા માટે આરએસએસે જનજાગૃતિનું કામ મનથી કર્યું ન હોતું. આરએસએસ કહે છે કે ભાજપના કાર્યકરોએ સંઘ સુધી તેમની વાત નહોતી પહોંચાડી. તો ભાજપ કહે છે કે સ્વયંસેવકોને ચૂંટણીમાં સહકાર આપવાનું પણ આરએસએસે કહ્યું ન હતું. આટલું થયા પછી પણ મતોની ટકાવારી કેમ ઘટી છે, સામાજિક એકતા પર શું અસર પડી છે, ચૂંટણીમાં શું નૅરેટિવ ચાલ્યું અને આવું પરિણામ કેમ આવ્યું વગેરે મુદ્દાઓ પર આરએસએસ દ્વારા 'ફીડબેક' માંગવામાં આવ્યું હતું. ભાજપ અને સંઘ બંને સામાજિક અને સાંસ્કૃતિક સર્વોપરિતા સ્થાપિત કરવા માંગે છે તેના પર તેઓ ખૂબ સ્પષ્ટ છે. પરંત ુસરકાર કેવી રીતે ચલાવવામાં આવે છે તેના પર આરએસએસ અને ભાજપ વચ્ચે વ્યાપક મતભેદ છે એવું દ્રશ્યમાન થઈ રહ્યું છે. આવા વિવાદો સંઘની છબી તો બગાડે છે અને સાથે સાથે ભાજપની પણ છબી ખરાબ કરી રહ્યા છે.

આરએસએસે એ વાત સમજી લેવા જેવી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરિણામ લાવી રહ્યા છે. તેઓ હકીકતમાં તો પડદા પાછળ આરએસએસના એજન્ડા અને વિચારધારાને જ અનુસરી રહ્યા છે. જાે આરએસએસ મોદીને સ્વાયત્તતા નહીં આપે તો પછી આ બંને વચ્ચેનો ટકરાવ દેશને બહુ જ મોટું નુકશાન કરી શકે છે. આરએસએસ અને ભાજપ એકબીજાના પુરક છે. આ વાત સંઘ કે ભાજપના કાર્યકરોએ કયારેય ભૂલવી જાેઇએ નહીં. સંઘ એક વિચારધારા છે જયારે ભાજપ એક રાજકીય પક્ષ છે. આ બન્નેના સુખદ સમન્વય થકી જ હિન્દુવાદી જમણેરી વિચારધારા મજબુત બને છે. બંને એકબીજા સાથે ફરી મજબૂતીથી જાેડાય જાય તે બધા જ માટે ફાયદાકારક છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution