અમદાવાદ, અમદાવાદમાં બળી વેચનાર ફેરિયાએ ખુદ આ વાતનો ખુલાસો કર્યો છે. જે બળીને આપણે દૂધની મીઠાઈ સમજીને આરોગીએ છીએ તે હકીકતમાં ઈંડાથી બનાવવામાં આવે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં અમદાવાદના નરોડા વિસ્તારમાં એક ફેરિયો બળી લઈને જતો હોય છે. એવા સમયે વીડિયો ઉતારી રહેલો વ્યક્તિ તેને આ વિશે સવાલ પૂછે છે કે, આ શું છે અને શેમાંથી બનાવી છે? ત્યારે ફેરિયો જવાબ આપે છે કે, આને લોકો બળી કહે છે અને ઈંડામાંથી બનાવવામાં આવે છે. જાેકે, આ લારી પર આ બળી જાેતા તે એકદમ અસલ દૂધની બળી જેવી જ દેખાય છે. જેના કારણે ઘણાં શાકાહારી લોકો આ ઈંડાની બળીને દૂધની બળી સમજીને આરોગી લે છે. આ વિશે ફેરિયાએ કહ્યું કે, કોઈ મને પૂછતું નથી કે, આ બળી શેમાંથી બનાવેલી છે એટલે હું નથી જણાવતો. જે મને પૂછે છે તો હું તેમને સાચું જ કહી દઉ છું કે, આ ઈંડામાંથી બનાવેલી બળી છે. ત્યારે વીડિયો બનાવતા વ્યક્તિએ પૂછ્યું કે, શાકાહારી વ્યક્તિ હોય તો તેને સામેથી કેમ નથી કહેતો કે આ બળી દૂધ નહીં પરંતુ ઈંડામાંથી બનેલી છે? ત્યારે ફેરિયાએ એ જ રટણ કર્યું કે, કોઈ મને પૂછતું નથી એટલે નથી કહેતો.