મુંબઇ
ટેલિવિઝનનો પોપ્યુલર શો 'સાથ નિભાના સાથિયા 2' શરૂઆતથી જ ધમાલ મચાવી રહ્યો છે. આ શો થોડા સમય પહેલા ખૂબ ચર્ચામાં આવ્યો હતો કારણકે તેના પર બનેલું એક મીમ 'રસોડે મેં કૌન થા' સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થયું હતું. આ મીમ વાયરલ થયા બાદ શોના મેકર્સે તેની બીજી સીઝન લાવવાનો નિર્ણય કર્યો હતો. 'સાથ નિભાના સાથિયા'ની બીજી સીઝનમાં એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્જી, રૂપલ પટેલ અને મોહમ્મદ નાઝિમ જેવા એક્ટર્સ જોવા મળે છે. પરંતુ હવે સમાચાર મળી રહ્યા છે કે રૂપલ પટેલ શો છોડી રહી છે. રૂપલ પટેલ 'સાથ નિભાના સાથિયા 2'માં કોકિલાબેનના રોલમાં જોવા મળે છે અને તેના કામની ખૂબ પ્રશંસા પણ થઈ રહી છે. પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ, રૂપલ પટલે જલદી જ શોમાંથી એક્ઝિટ લઈ લેશે. કોકિલાબેનનું પાત્ર સીરિયલના મહત્વના પાત્રો પૈકીનું એક છે, એટલે જ શોના મેકર્સે તેમને બીજી સીઝનમાં પણ લીધા હતા.
પરંતુ હવે રિપોર્ટ્સનું માનીએ તો, 'સાથ નિભાના સાથિયા 2'નો કોન્ટ્રાક્ટ રૂપલ પટેલે માત્ર 20 એપિસોડ માટે જ સાઈન કર્યો હતો. કોકિલાનો ટ્રેક નવેમ્બરના મધ્યમાં જ પૂરો થઈ જશે. રિપોર્ટ પ્રમાણે, રૂપલ માટે 20 એપિસોડ ખાસ ડિઝાઈન કરવામાં આવ્યા હતા અને આગળની વાર્તામાં હવે તેનો રોલ નથી. જો કે, કહેવાઈ રહ્યું છે કે, કોકિલાને મળી રહેલી પ્રસિદ્ધિને જોતાં શોના મેકર્સ તેમને રોકવાના પ્રયાસ કરી રહ્યા છે. હજી અંતિમ નિર્ણય લેવાનો બાકી છે.
આ મામલે હજી સુધી રૂપલ પટેલ દ્વારા કોઈ પ્રતિક્રિયા આવી નથી. ઉલ્લેખનીય છે કે, રૂપલ પટેલ આ પહેલા સીરિયલ 'યે રિશ્તે હૈં પ્યાર કે'માં જોવા મળતા હતા. વ્યસ્તતાના કારણે તેમણે 'સાથ નિભાના સાથિયા 2'માં આવવાનો ઈનકાર કર્યો હતો. જો કે, 'યે રિશ્તે હૈં પ્યાર કે' સીરિયલ અચાનક બંધ થઈ જતાં રૂપલે 'સાથ નિભાના સાથિયા 2' માટે હા પાડી હતી. 'સાથ નિભાના સાથિયા'ની બીજી સીઝન દર્શકોને પસંદ આવી રહી છે. ટીઆરપી લિસ્ટમાં આ શો ત્રીજા સ્થાને છે. જણાવી દઈએ કે, 'સાથ નિભાના સાથિયા'ની પહેલી સીઝન ખૂબ સફળ રહી હતી. ગોપી-કોકિલા સહિતના પાત્રો ખૂબ જ પોપ્યુલર થયા હતા.