શું ભાગ્ય પણ ઓનલાઈન હોય છે?

જૈન ગ્રંથો કહે છે કે એક સમય સુધી પૃથ્વી પર કલ્પવૃક્ષો ઉગતાં હતાં. માનવની દરેક ઈચ્છા એ કલ્પવૃક્ષો પૂરી કરતાં હતાં. તેથી પૃથ્વી પર કર્મ અથવા વેપાર જેવું કશું નહોતું. સમય જતાં કલ્પવૃક્ષો લુપ્ત થયાં પોતાના નિર્વાહ માટે માનવને પુરુષાર્થ કરવાની જરુર પડી. તેમાંથી જ ચાર પુરુષાર્થ ઉત્પન્ન થયા અને તેમાંનો એક છે અર્થ પુરુષાર્થ. શરૂઆતમાં આ અર્થ પુરુષાર્થ સાવ સરળ હતો પરંતુ જેમ જેમ સમય આગળ વધતો ગયો અને યુગો બદલાતા ગયા તેમ તેમ તેના અર્થ બદલાતા ગયા. અત્યારે પૃથ્વી પરનું સમગ્ર માનવજગત અર્થ પુરુષાર્થના એક સાવ નવા જ યુગમાં પ્રવેશી ચૂક્યું છે. આ યુગને તમે ડીઝીટલ યુગ કહી શકો છો અને આજના વેપારને ડીઝીટલ વેપાર પણ કહી શકો છો. પહેલાં દુકાનો પર જે થતું હતું તે હવે ઓનલાઈન થાય છે.

પરંતુ શું આ બધામાં ભાગ્ય પણ ઓનલાઈન હોય છે?

રસપ્રદ સવાલ છે. આ કોલમના દરેક લેખમાં આપણે આ સવાલનો જવાબ પામતા રહીશું.

જૈન શાસ્ત્રોમાં પૃથ્વીની કુંડળી મળી આવે છે. આપણે આ કુંડળી જાેઈએ. આ કુંડળીની વિશેષતા એ છે કે તેનો દરેક ગ્રહ પોતાના ઘરમાં જ એટલે કે પોતાની રાશિમાં જ છે. અવકાશમાં જે રીતે ગ્રહો ગોઠવાયેલા છે અને તેમની જે ભ્રમણ ગતિ છે તેના કારણે કોઈ પણ માનવની કુંડળીમાં બુધ અને શુક્ર ક્યાં તો સૂર્યની સાથે હોય છે અથવા સૂર્યથી બીજે કે બારમે હોય છે. અહીં શુક્ર સૂર્યથી ત્રીજે છે જે થોડું અસાધારણ છે પરંતુ પૃથ્વીની કુંડળીમાં દરેક ગ્રહ પોતાની જ પૃથ્વી એટલે કે પોતાના જ ઘરમાં હોય તે આવશ્યક છે. આથી જ્યારે પૃથ્વીનો જન્મ થયો ત્યાર પૂરતી એક અસાધારણ ગ્રહઘટના અવશ્ય બની હતી કે શુક્ર સૂર્યથી ત્રીજા ઘરમાં હતો.

જાે કે આપણી વાત અર્થશાસ્ત્રની છે. કુંડળીનું બીજું સ્થાન અર્થનું એટલે કે ધનનું સ્થાન છે. તે ધનની આવક તેમજ બચત બતાવે છે. એનો સ્વામી શુક્ર સાતમા સ્થાનમાં છે. શુક્ર એ ધન તેમજ ઐશ્વર્ય આપતો ગ્રહ છે. ઉપરાંત સાતમું સ્થાન વ્યાવસાયિક ભાગીદારનું પણ છે. એટલે કે પૃથ્વીની કુંડળીમાં શુક્ર બરાબર ત્યાં જ છે જ્યાં હોવો જાેઈએ.

કુંડળીનું છઠ્ઠું સ્થાન માનવની રોજબરોજની આવક દર્શાવે છે. અહીં વેપારનો ગ્રહ બુધ બરાબર ગોઠવાયેલો છે. કુંડળીનું દસમું સ્થાન માનવનું કર્મક્ષેત્ર દર્શાવે છે. અહીં શનિ છે જે પુરુષાર્થનો ગ્રહ છે. યોગ્ય પુરુષાર્થ કરનારને ઉત્તમ પ્રારબ્ધ આપવાનું કામ શનિ કરે છે. આમ તે પણ પોતાના યોગ્ય સ્થાનમાં જ છે. એજ રીતે અન્ય ગ્રહો પણ પોતાના માટે યોગ્ય સ્થાને રહીને યોગ્ય રીતે કામ કરતા રહે છે.

હવે મહત્ત્વનો સવાલઃ આ કુંડળીમાં બીજા બધા ગ્રહો તો છે પણ રાહુ અને કેતુ કેમ નથી?

એકદમ સાચો સવાલ છે. અગાઉ કહ્યું તેમ કલ્પવૃક્ષોને કારણે માનવોનું જીવન સાવ સરળ રહેતું હતું. સમય જતાં આ સ્થિતિ બદલાઈ. માનવે પોતાનો સંસાર બનાવવા તથા નિભાવવા માટે ઘણી બધી ખટપટો, વ્યવહારો તેમજ વેપારોની જરૂર પડવા લાગી.

બસ તે સમયે રાહુ અને કેતુનો બ્રહ્માંડમાં ઉદ્‌ભવ થયો. તેમાં રાહુ સૌથી વધારે ખટપટિયો ગ્રહ છે. કેતુ સંસારીઓ માટે જરા ભારે છે પરંતુ સંસારત્યાગી સાધુઓ માટે તે મોક્ષનો કારક છે! તમે એમ કહી શકો કે ત્યાં અવકાશમાં રાહુ અને કેતુનો જન્મ થયો અને અહીં પૃથ્વી પર કળિયુગનું અવતરણ થયું! અથવા તો એમ કહી શકાય કે પોતાના પ્રભાવનો જમાવવા માટે કળિયુગ પોતાની સાથે રાહુ અને કેતુને લઈને આવ્યો!

 કોઈ પણ માનવ અથવા રાષ્ટ્રના અર્થતંત્ર પર હંમેશાં રાહુની વિશેષ અસર જાેવા મળે છે. દસમું સ્થાન એ કર્મનું અથવા કર્મક્ષેત્રનું સ્થાન છે અને દસમા સ્થાનમાં રહેલો રાહુ બહુ મોટો અર્થયોગ રચતો હોય છે! તે પ્રભાવશાળી રાજસત્તા પણ આપે છે. આથી દસમે રહેલા રાહુને રાજયોગ આપતો ગ્રહ પણ કહે છે!

 કળિયુગમાં રાહુપ્રધાન વ્યક્તિઓ હંમેશાં વધારે પ્રભાવશાળી સાબિત થાય છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ તેનું બહુ મોટું ઉદાહરણ છે. શનિ માનવને અથાક પુરુષાર્થ કરાવે છે અને ઉત્તમ ફળ પણ આપે છે. રતન ટાટા આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સૂર્ય સાથે રાહુનું બળ માનવને બહુ મોટા આર્થિક લાભ આપે છે અને સાથે સાથે તેને વિવાદાસ્પદ પણ બનાવે છે. સ્વર્ગસ્થ ધીરૂભાઈ અંબાણી, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી વગેરે તેનાં બહુ મોટાં ઉદાહરણો છે! રાહુ અને બુધના સંબંધો માનવને વિજ્ઞાનના ક્ષેત્રે સફળતા આપે છે. થોમસ આલ્વા એડિસન અને જગદીશચંદ્ર બોઝ તેનાં જ્વલંત ઉદાહરણો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution