અમેરિકામાં તંદુરસ્ત લોકશાહી છે કે પછી કાગડા બધે કાળા?

અમેરિકાના પેન્સિલ્વેનિયામાં ૧૩ જુલાઇ, ૨૦૨૪ના રોજ રાષ્ટ્રપતિપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પના રિપબ્લિક પક્ષની એક રેલીમાં ગોળીબાર થયો. આ ઘટનાએ રાષ્ટ્રપતિપદની ચૂંટણી પર ખૂબ જ નકારાત્મક અસર કરી છે. અમેરિકાના સામાજિક અને સાંસ્કૃતિક માળખાને પણ નુકસાન કર્યું છે. તદુપરાંત અમેરિકાના રાજકારણમાં ઘણા દાયકાથી રચાયેલો દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષાનો ભ્રમ પણ તૂટી ગયો છે.

૧૯૮૧માં જૉન હિંકલે રોનાલ્ડ રેગનની ગોળી મારીને હત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટના પછી અમેરિકામાં કોઈ પણ રાષ્ટ્રપતિ કે રાષ્ટ્રપતિપદના ઉમેદવાર વિરુદ્ધ હિંસાની આવી ઘટના થઈ નથી. આ ઘટના ૫૦ વર્ષ પહેલાંના અમેરિકાના ઇતિહાસની યાદ અપાવે છે. અમેરિકામાં નાગરિક અધિકાર માટે કામ કરનાર નેતાઓ મેડગર એવર્સ, માર્ટિન લ્યુથર કિંગ જુનિયર અને મૅલ્કમ એક્સે પણ રાજકીય હિંસામાં જીવ ગુમાવ્યા હતા.

અમેરિકામાં ૨૦૨૪ની જેમ જ ૧૯૬૦ના દાયકામાં પણ દેશમાં રાજકીય ધ્રુવિકરણ અને અંધાધૂંધી હતી. આ તે સમયની વાત છે જ્યારે એક બંદૂક અને તેનો ઉપયોગ કરનાર વ્યક્તિ ઇતિહાસને બદલી શકતી હતી. ૨૦૨૪ની ચૂંટણી અમેરિકા માટે “ટર્નિંગ પોઈન્ટ” બની રહેવાની છે. પોતાના દેશમાં લોકશાહી એકદમ તંદુરસ્ત છે એમ માનીને વિશ્વના દેશો માટે લોકશાહીનો ઇંડેક્સ બનાવનાર અમેરિકા પણ ૨૦૨૦ અને હવે ૨૦૨૪– એમ બે ચૂંટણીઓ પછી એવું કહેવા માટે સક્ષમ નથી કે તેઓના દેશમાં સ્વતંત્ર રીતે ચૂંટણીઓ યોજાય છે.

૨૦૨૦ની ચૂંટણીઓમાં અમેરિકામાં જે ગેરરીતિઓ થઈ હતી તેને અમેરિકાની ચૂંટણીઓની સ્વતંત્રતા પર પ્રશ્નો ઊભા કર્યા જ હતા. ૨૦૨૪ની ચૂંટણીઓ પણ અલગ હોય એવું દેખાઈ રહ્યું નથી. કારણ કે આ ચૂંટણીઓમાં પણ અમેરિકામાં રાષ્ટ્રીય એકતાને નુકસાન પહોંચે તેવી ટીકા-ટિપ્પણીઓ કરાઈ રહી છે. ૧૩ જુલાઇએ થયેલી ઘટનાની અમેરિકા પર શું અસર થશે તે વિશે અનુમાન કરવું સરળ નથી. તેની પાછળ સબળ કારણ છે કે હાલના દાયકામાં અમેરિકાની રાજનીતિની ખાસિયત બની ગયેલી “મિલીભગત” અને રાજકીય દળો વચ્ચે ઊભી થઈ રહેલી ખાઈ હવે ટોચ પરથી ખીણમાં પહોંચી ગઈ છે.

ડેમોક્રેટિક પક્ષના નેતાઓ ડોનાલ્ડ ટ્રમ્પને કારણે અમેરિકાના લોકતંત્ર સામે પેદા થનાર ખતરા વિષે બોલતા થાકતા નથી તેવા વિકટ સંજાેગોમાં હવે રિપબ્લિકન પક્ષને ડેમોક્રેટિક પક્ષ પર ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા માટે દોષનો ટોપલો ઢોળવા માટે મોકળું મેદાન મળી જવાનું છે. બાઇડનના ચૂંટણી અભિયાનનો મુખ્ય આધાર એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ એક સરમુખત્યાર અને ફાસીવાદી નેતા છે અને તેમને કોઈ પણ ભોગે રોકવા જ જાેઈએ. ટ્રમ્પ વિશે આપેલા આ નિવેદનને કારણે જ ટ્રમ્પની હત્યા કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો એવું માનવામાં આવી રહ્યું છે.

ટ્રમ્પ પર હુમલો કરનાર વીસ વર્ષીય થોમસ ક્રૂકસ એક વિડિયોમાં કહેતો જાેવા મળ્યો છે કે 'હું ટ્રમ્પને નફરત કરું છું. હું રિપબ્લિકનને નફરત કરું છું. લોકો એક ખોટા વ્યક્તિને પસંદ કરી રહ્યા છે. ટ્રમ્પ એક ખરાબ વ્યક્તિ છે.’ અમેરિકન સુરક્ષા એજન્સી એફબીઆઈએ હુમલાખોર થોમસના ઘર અને કારની તપાસ કરી. આ તપાસમાં સામે આવ્યું કે તેની કારમાંથી શંકાસ્પદ વિસ્ફોટક ડિવાઈસ મળ્યું. અને એ પણ જાણવા મળ્યું કે થોમસે જે ગનથી ટ્રમ્પ પર ગોળી ચલાવી હતી તે તેના પિતાની હતી. તેના પિતા પાસે આ રાયફલની મંજૂરી છે.

ડોનાલ્ડ ટ્રમ્પનું ચૂંટણી અભિયાન સંભાળનારે ખુલ્લેઆમ કહ્યું છે કે ડાબેરી કાર્યકર્તાઓ, ડેમૉક્રેટિક પક્ષના ડોનર્સ અને જાે બાઇડનને પણ નવેમ્બરમાં થનારી ચૂંટણીમાં નફરતી નિવેદનો આપવા માટે જવાબદાર ગણાવવા જાેઈએ. રિપબ્લિક પક્ષે હવે એવું સ્પષ્ટ કહયું છે કે આ નિવેદનો જ ટ્રમ્પ પર થયેલા હુમલાઓનું કારણ બન્યા છે. ૧૫ જુલાઇના રોજથી મિલવૉકીમાં શરૂ થનાર રિપબ્લિકન પક્ષના સંમેલનમાં પેન્સિલ્વેનિયામાં થયેલી હિંસાની ભારે અસર જાેવા મળશે.

રિપબ્લિકન પક્ષ માટે મિલવૉકીના લોકોને આકર્ષિત કરવા માટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને લોહી નીકળતું હોવા છતાં ઊંચી મુઠ્ઠી કરેલી તસવીરો એક સાધન બની શકે છે. રિપબ્લિકન પક્ષ પહેલેથી જ એક મજબૂત વ્યક્તિત્વને એક મોટો મુદો બનાવવાની તૈયારી કરી રહી હતી. ટ્રમ્પ પર હુમલો આ વાતને નવી ઊર્જા આપશે. આથી જ ગોળીબારની ઘટના પછી રિપબ્લિકન પક્ષે કહેવાની શરૂઆત કરી છે કે “ટ્રમ્પ એક યોદ્ધા છે જેની હાલમાં અમેરિકાને જરૂર છે”.

ટ્રમ્પ પર હુમલાની ઘટના પછી ગભરાટમાં આવી જઈને બાઇડનના ચૂંટણી અભિયાન સંભાળતી ટીમે દરેક પ્રકારના રાજકીય નિવેદનો રોકી દીધા છે અને ટીવી પર પોતાની જાહેરાત રોકવાનું કાર્ય પણ શરૂ કરી દીધું છે. ડેમોક્રેટિક પક્ષની ટીમનું માનવું છે કે આ સમયે ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરવો અયોગ્ય છે અને જે કંઈ ઘટના બની છે તેની નિંદા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જાેઇએ.

આમ બંને પક્ષો વચ્ચે યુદ્ધની રેખાઓ ખેંચાઈ ગઈ છે, જે એક અત્યંત ચોંકાવનારી ઘટના પર એક ભયાનક લડાઇ છેડવામાં આવી શકે છે અને આ લડાઇ બંને પક્ષના ચૂંટણી અભિયાનને નવું જ રૂપ અને દિશા આપશે.

આ કારણોને લઈને વિવિધ દેશોએ પોતપોતાની ચિંતાઓ વ્યક્ત કરી છે અને અમેરિકન ચૂંટણીને થોડી આશંકાની નજરે જાેઈ રહી છે. અમુક અંશે અમેરિકાના સંભવિત ર્નિણયોને લઈને સમગ્ર વિશ્વમાં ગભરાટ છે જેની અસર વિશ્વ પર પણ જાેવા મળશે.શું ટ્રમ્પના વ્હાઇટ હાઉસમાં પરત ફરવાથી યુક્રેન માટે અમેરિકી સૈન્યસમર્થન નબળું પડશે અને શું અમેરિકા વ્લાદિમીર પુતિનની નજીક આવશે? શું તેઓ નાટો લશ્કરી જાેડાણને લઈને યુરોપ સાથે બીજી લડાઈ શરૂ કરશે? શું તેઓ ચીન સાથે વેપાર યુદ્ધ છેડશે? જાે રાષ્ટ્રપતિ બાઇડનને બીજી ટર્મ મળે તો તેઓ શું અમેરિકામાં અલગતાવાદ અને સંરક્ષણવાદ વધારશે? શું તેઓ આગામી ચાર વર્ષ સુધી આ ભૂમિકા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર છે? અમેરિકી ચૂંટણી અને બંને ઉમેદવારો સાથે જાેડાયેલા કેટલાક પ્રશ્નો છે જેનાથી સમગ્ર વિશ્વ ચિંતિત છે.

અમેરિકન લોકશાહીની કટોકટી એ અમેરિકાના વૈશ્વિક નેતૃત્ત્વવાળા દબદબાને નુકસાન પહોંચાડી શકે છે અને વિશ્વભરમાં નિરંકુશતાને પ્રોત્સાહન આપી શકે છે. શું તેઓ લોકતાંત્રિક મૂલ્યોનું સમર્થન કરનારી વ્યક્તિને ચૂંટશે? અમેરિકી ચૂંટણીએ ઝડપથી અનિશ્ચિત થતી દુનિયામાં વધુ અનિશ્ચિતતા પેદા કરી દીધી છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે આગામી દાયકાઓમાં અમેરિકન લોકશાહી ટકી શકશે નહીં.

ભારત હોય કે અમેરિકા, બ્રિટન હોય કે ફ્રાંસ કે પછી દુનિયાનો કોઈપણ અગત્યનો લોકશાહી દેશ હોય, ચૂંટણીના માહોલમાં કાગડા બધે જ કાળા છે એમ કહીએ તો એ અતિશયોક્તિ નહીં હોય. કારણ કે ટ્રમ્પ પરના હુમલા પછી એક વાત સ્પષ્ટ છે કે ચૂંટણીના માહોલમાં અમેરિકાની રાજનીતિએ એક નવો ભયાનક હિંસક વળાંક લઈ લીધો છે. લોકશાહીમાં રાજકારણ ક્યારેય હિંસક યુદ્ધનું મેદાન ન બનવું જાેઈએ. લોકશાહીમાં મતભેદો મતદાન(બેલેટ) દ્વારા ઉકેલાય છે ગોળીઓ(બુલેટ)થી નહીં. તંદુરસ્ત લોકશાહીમાં અસહમતી અનિવાર્ય છે પણ તે ક્યારેય હત્યા માટે મોકળું મેદાન ન બનવું જાેઈએ. લોકશાહીમાં દેશમાં બદલાવની સત્તા મતદારોના હાથમાં હોવી જાેઈએ નહીં કે હત્યારાઓના હાથમાં.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution