લોહપુરુષ વલ્લભભાઈની પહાડ જેવી હિંમત

વલ્લભભાઈ પટેલનો જન્મ ખેડા જિલ્લાના કરમસદ ગામમાં ૩૧ ઓકટોબર ૧૮૭૫માં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ કરમસદમાં જ લીધું હતું. અને ત્યાર બાદ તેઓ માધ્યમિક શિક્ષણ માટે નડિયાદ ભણવા ગયાં. અંતે તેમણે વકીલાતની પરીક્ષા આપી અને પાસ થઈ ગોધરામાં વકીલાત કરવાની શરૂઆત કરી. ત્યાર પછી લંડન જઈને બૅરિસ્ટર બન્યાં હતાં.

વલ્લભભાઈ પટેલને ખેડૂતો પ્રત્યે ખૂબ જ સહાનુભૂતિ હતી. ખેડા, બોરસદ અને બારડોલીના ખેડૂતોને બ્રિટિશ સરકારે અન્યાય કર્યો ત્યારે વલ્લભભાઈ તેમની સાથે ઉભા રહ્યાં હતાં. તેમણે ખેડૂતોને સરકારનો વિરોધ કરવાની હિંમત આપી હતી. તેમણે ખેડૂતોને અંગ્રેજ સરકારનો વિરોધ કરવા માટે તૈયાર કર્યા હતાં. ઇ.સ. ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહમાં આગળ પડીને વલ્લભભાઈએ અંગ્રેજ સરકારને ઝુકાવી હતી. તેમણે અપાવેલા વિજયને કારણે ખેડૂતોએ તેમને 'સરદાર’નું બિરૂદ આપ્યું હતું. ત્યારથી વલ્લભભાઈ સરદાર તરીકે ઓળખાયા હતાં.

વલ્લભભાઈને પચીસેક વરસની ઉંમરે બગલમાં એક મોટું ગૂમડું થયું હતું. ત્યારે તેઓ બાકરોલમાં રહેતા હતાં. હવે ગામડામાં કોઈ ડોકટરની સગવડ તો હોય જ નહીં! વળી, વાળંદને બોલાવ્યો. તેમનું ગૂમડું જાેઈ વાળંદ વિચારમાં પડી ગયો. અને બોલ્યો ઃ “વલ્લભભાઈ, ગૂમડું તો ભારે લાગે છે.” વલ્લભભાઈ કહે, “એમાં શું ભારે લાગે છે ? તમે તમારે ચીરો મૂકો.” વાળંદે લોખંડનો પાતળો સળિયો ચૂલામાં મૂકી બરાબર તપાવાનું શરૂ કર્યું. સળિયો એકદમ લાલચોળ થઈ ગયો. તેણે સાણસીથી પકડીને વાળંદ બરાબર ગૂમડાની નજીક લઈ ગયો. સળિયો લાલચોળ એવું જ ગૂમડું પણ લાલચોળ હતું ! વાળંદ થોડો ગભરાયો. તેની હિંમત નહીં ચાલી. તેને તો ચક્કર આવતા હોય તેવું લાગી રહ્યું હતું. તે તો બસ, જાેઈ જ રહ્યો!

"જાેઈ શું રહ્યા છો ? તમને બીક શેની લાગે છે ?”વલ્લભભાઈ વાળંદ સામે જાેઈ કહેવા લાગ્યાં.

"વલ્લભભાઈ, તમારાથી દુઃખ સહન નહીં થાય.મને તમારી ઉપર દયા આવે છે.” વાળંદ ગળગળો થઈને કહેવા લાગ્યો.

"લાવો, મને આપી દો. લાગે છે, આ કામ તમારાથી નહિ થાય.” એવું કહી વલ્લભભાઈએ વાળંદના હાથમાંથી સળિયો લઈ લીધો અને જાતે જ સળીયાથી ગૂમડાંને નસ્તર મૂકી દીધું. વાળંદ તો સિસકારા કરતો દિગ્મૂઢ થઈને જાેતો જ રહી ગયો હતો. વલ્લભભાઈએ સળિયો બરાબર ગૂમડાંમાં ચારે તરફ ફેરવીને બધું પરું કાઢ્યું હતું. “હવે આ જડમૂળથી ગયું.” એવું કહેતા હસતા હસતા વલ્લભભાઈ પોતાની જગ્યાએથી ઉભા થયાં.

વલ્લભભાઈને આમ હસતાં જાેઈ ત્યાં ઊભેલો એક ગામડાનો વ્યક્તિ બોલી ઉઠ્‌યો, “આ કોઈ સામાન્ય માણસ નથી, આ તો ખરેખર લોખંડી પુરુષ છે.”

આમ સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ તરીકે ઓળખાયા હતાં. અને ખરેખર, તેઓ લોખંડી હતા જ. કેમકે આવડું મોટું ગૂમડું થયું હોવા છતાં તેમને જાતે જ ગૂમડાંમાં કાપ મૂક્યો હતો. અને તે સમયે તો ડોકટરોની પણ સગવડ નહતી કે કોઈ દુઃખાવો બંધ કરવાની દવા પણ મળી શકે. જ્યારે આજના સમયમાં આપણી પાસે તમામ સુખ સુવિધાઓ, ડોકટરોની સગવડો છે. છતાંય માણસમાં હિંમત નથી. એટલે મારું તો બસ એટલું જ કહેવું છે કે, દરેક વ્યક્તિએ જીવનમાં હિંમત રાખવી જાેઈએ. જાે તમે હિંમત હારી જશો તો બધું જ ગુમાવશો. અત્યારે કેન્સરના ઘણા દર્દીઓ હિંમત હારી જવાને કારણે જ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. જાે માણસમાં હિંમત હશે તો તે ગમે તેવી કઠિન સમસ્યા હોય પણ તેનો સામનો ખૂબ જ સહેલાઈથી કરી શકશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution