લેખકઃ જે.ડી.ચૌહાણ
તાજેતરમાં રમાઈ રહેલા આઈપીએલ ક્રિકેટને જાે આપને ટીવી ચેનલની સંખ્યાને ધ્યાનમાં લઈને વાત કરીએ તેમ લાગે કે આ ક્રિકેટ ખૂબ જ પ્રખ્યાત થઈ ગયું છે અને તેના કારણે દેશને ઘણાબધા યુવા ક્રિકેટરો મળી રહેશે. આ ઉપરાંત ઘણા બધા યુવા ક્રિકેટરોને દેશ, વિદેશના અનુભવી અને નામી ક્રિકેટરો સાથે રમવાની તક મળે છે અને તેઓ ઘડાઈ શકે છે. ક્રિકેટની ગુણવત્તા સુધરી શકે છે .આ બધી વાતો માની લેવામાં આવેલી છે. પરંતુ સાચી વાસ્તવિકતા એ છે કે આઈપીએલ ક્રિકેટ સાથે એન્ટિબાયોટિક દવાની આડઅસર હોય તેમ ઘણી ખરાબ સાઈડ ઈફેક્ટ આવી રહી છે. આ એટલી ગંભીર વાત છે કે તેના કારણે આગામી વર્ષોમાં ક્રિકેટનું સામાન્ય સ્વરૂપ તો બદલાઈ જશે પણ સાથોસાથ ક્રિકેટરો પણ બદલાઈ જશે .
સમર્પણભાવ અને ખેલદિલી સાથેની રમત અતીત બની ગયો છે. સુનિલ ગાવસ્કર ,સચિન તેડુલકર, કપિલદેવ નિખંજ, રવિ શાસ્ત્રી, વેંકી રાઘવન જેટલા નામ લઈએ એટલા ઓછા છે. એ હવે ભૂતકાળ બની ગયો છે. તેનું રિપીટેશન જાેવા મળે નહીં .ક્રિકેટરોનો મગજનો વિકાસ અટકાવી દેવામાં આવ્યો છે. જે રીતે ગૂગલ પર બધી તૈયાર વસ્તુઓ મળે છે,મોબાઇલ પર જે જાેઈએ તે મેળવી શકીએ છીએ, બસ, એ જ હાલત ક્રિકેટરોની થઈ રહી છે. તેઓ માઈન્ડનો ઉપયોગ ઓછો કરી રહ્યા છે.
ક્રિકેટની જે ખરી ટેકનીક છે જે સચિન તેંડુલકર, વિજય હજારે, ગાવસ્કર, વિરાટ કોહલીએ, ધોનીએ જીવંત રાખી હતી તે હવે ખતમ થવા લાગે છે. ક્રિકેટનું નામ એટલે બસ ફટાફટ ક્રિકેટ બની ગયું છે અને બીસીસીઆઈ દ્વારા પણ કરોડો રૂપિયાની આવકના લોભમાં આઈપીએલમાં નવા પ્રયોગો કરીને શક્ય એટલું દર્શકોનું વધારે મનોરંજન થાય એ તરફ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પરંતુ તે સૌથી મહત્વની વાત છે કે મહાન ખેલાડીઓ બનાવાય, ખેલાડીને ગવાસ્કર ,સચિન ,વિજય હજારેની કક્ષાનો બનાવી શકાય, તે ટેકનિકનો બેતાજ બાદશાહ બને,એવો બાદશાહ બને કે દુનિયાની કોઈપણ વિકેટ પર પછી તે દેશ દક્ષિણ આફ્રિકા હોય, ઓસ્ટ્રેલિયા ,ઇંગ્લેન્ડ,ન્યૂઝીલેન્ડ હોય તે ધમાકેદાર રમત રમીને ખૂબ સુંદર રમત રમીને ક્રિકેટ વિશ્વમાં છવાઈ જાય, આ વાત હવે ભુલાઈ ગઈ છે .હવે આ વાત એટલી મર્યાદિત થઈ ગઈ છે કે આઈપીએલ ક્રિકેટ ભારત માટે ફટાફટ ક્રિકેટ ,સૌથી વધારે ક્રિકેટ ,સૌથી વધારે દર્શકો ધરાવતી ક્રિકેટ બસ આટલું જાેવામાં આવે છે.
આઈપીએલ ક્રિકેટની લોકપ્રિય બનાવવા માટે આયોજકો દ્વારા ફક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરવામાં આવ્યો છે, નાણાકીય વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. પરંતુ આજે મૂળ ક્રિકેટના વિકાસ માટે કંઈ જ કરવામાં આવતું નથી. અહીં ક્રિકેટર આવે છે ભારતની જ વિવિધ સ્તરોની વિકેટો પર રમે છે અને તેમના માટે જ બનાવેલી વિશેષ વિકેટો અમુક ચોક્કસ સાઇઝના મેદાનો પર રનના ઢગલા કરીને સંતોષ માની લે છે. પરંતુ ક્રિકેટરનો ખરેખર વિકાસ થતો નથી. આ ક્રિકેટરોને જાે ભારતની બહાર લઈ જવામાં આવે, માની લો કે ન્યૂઝીલેન્ડ,દક્ષિણ આફ્રિકા,ઓસ્ટ્રેલિયા કે ઇંગ્લેન્ડ લઈ જવામાં આવે તો આ જ ક્રિકેટરોને ત્યાં પાંચ રન કરવા માટે પણ ફાંફાં પડે છે. તેઓ આઈપીએલમાં સદીઓ ફટકારતા હતા, છગ્ગાનો વરસાદ વરસાવતા હતા,પણ ત્યાં તેઓ સંપૂર્ણ નિષ્ફળ પુરવાર થાય છે.
અને તેને કારણે જ જ્યારે નજીકના ભવિષ્યમાં વિન્ડીઝ અને અમેરિકા ખાતે ૨૦-૨૦ વર્લ્ડ કપ રમવાનો છે તો તેના માટે ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી કરવામાં આવી તો સૌથી મોટી સમસ્યા એ હતી કે કયા ક્રિકેટર પસંદ કરવા.પસંદગીકારો પણ સારી રીતે જાણે છે કે આઈપીએલમાં જે તે ખેલાડીના દેખાવનો સંદર્ભ ભારતીય ટીમમાં ખેલાડીની પસંદગી માટે લઈ શકાય નહીં. કારણકે આઈપીએલમાં તેના દેખાવના આધાર ભારતીય ટીમમાં સ્થાન આપીને તેને વિદેશી પીચ પર મોકલવો એ ઘણું મોટું જાેખમ છે.
ભારતની પીચ અને વિદેશની પીચ, હવામાનમાં આસમાન જમીનનો ફેર હોય છે. જેના કારણે બોલની સ્પીડ ,બોલના ઇનસાઇડ આઉટ સાઈડ બધુ જ બદલાઈ જતું હોય છે. ત્યાં આઈપીએલની જેમ ખાસ વિકેટ વ્યવસ્થા કરવામાં આવી નથી હોતી. એ જ હાલત બોલરને હોય છે. આઈપીએલમાં મોટાભાગે બેટ્સમેન માટેની વિકેટ બનાવવામાં આવે છે. ક્યારેક બોલરો માટે હોય છે તો બોલરો એનો ફાયદો લઈ લે છે,પરંતુ આયોજન કરતાં નથી. કારણ કે નાના સ્કોરની મેચ વધુ દર્શકો પસંદ કરતા નથી એટલે મોટો સ્કોર થાય તે માટેનું ધ્યાન રાખવામાં આવે છે. પરિણામ એ આવે છે કે બોલરોને આત્મસંતોષ થતો નથી કે તેઓએ સારી બોલિંગ કરી અને સંતોષકારક વિકેટો લીધી. કારણ કે એ વિકેટ તેમના માટે બનાવવામાં આવી નથી હોતી. તેનો સીધો અર્થ એ થયો કે જાે તમે માનતા હોય કે આઈપીએલથી તમે સારા બોલર, કપિલ જેવા ઓલરાઉન્ડર પેદા કરી શકો છો, તો એ વાત હવે સદંતર ભૂલી જશો. આ શક્ય નથી.
વેસ્ટ ઇન્ડીઝને અમેરિકામાં રમાનાર વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગી કોમ્પ્રોમાઈઝ કરીને કરવામાં આવી છે. કેટલા ખેલાડીને આઈપીએલમાં સારો દેખાવ નહોતો છતાં પણ તેમને લેવામાં આવ્યા છે. ગમે તે રીતે વિદેશની ધરતી પર ટકી શકે એવી ટીમ પસંદ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જેમાં મૂળભૂત ટેકનિક ધરાવતા ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આઈપીએલ ક્રિકેટના કારણે ક્રિકેટરોનું માઈન્ડ મનીમાઈન્ડ બની ગયું છે. તેઓને પૈસા જ પૈસા જ દેખાય છે .તેઓને બીજું કંઈ દેખાતું નથી અને તેના કારણે ઘરેલુ ક્રિકેટ માટે રમવાનું તારે છે ઈજાનું બહાનું કાઢીને ખસી જાય છે અને આઇપીએલ માટે તૈયારીઓ કરે છે. પરિણામ એ આવે છે કે ઘરેલુ ક્રિકેટ જેમ કે રણજી ટ્રોફી વિગેરે ટુર્નામેન્ટ નીરસ બનતી જાય છે. પરિણામે લગભગ આજે મૂળભૂત ક્રિકેટ હતી તે ખતમ થવા માંડી છે. સચિન તેંડુલકર કપિલદેવ ,સુનિલ ગાવસ્કર ગમે એટલા મહાન ક્રિકેટર છે પરંતુ તેઓ ડોમેસ્ટિક ક્રિકેટ પણ ચોક્કસ રમતા હતા. જેના કારણે તેઓ શ્રેષ્ઠ ટેકનિકવાળા શ્રેષ્ઠ મિજાજવાળા ક્રિકેટરો બની શક્યા છે .અને વિશ્વસ્તરે વિશ્વના ખેલાડીઓ સામે સારામાં સારો દેખાવ કરીને લિજેન્ડ બની ગયા છે. જ્યારે આજનો આઈપીએલનો સફળ ક્રિકેટર શ્રેષ્ઠ બનવાની વાત તો બાજુ પર રહી પણ એક સામાન્ય સફળ ક્રિકેટર કે જે વિદેશમાં પણ પોતાની ધાક જમાવી શકે એવો બની શક્યો નથી. ઘણા ઓછા નામો એવા છે કે જેઓ વિશ્વ સ્તરે ઝળકી શક્યા છે. પરંતુ તેઓ પણ પોતાના ફોર્મનું સાતત્ય ધરાવી શક્યા નથી. પરિણામ એ આવ્યું છે કે આઈપીએલ લોકપ્રિયતાને જાેતા અને તેના પ્રત્યે ખેલાડીઓનો લગાવ જાેતા ભવિષ્યમાં તમોને જે મહાન ક્રિકેટરોની નામાવલી છે એમાંના કોઈપણ ક્રિકેટર જેવી તમને ઝલક જાેવા મળી શકશે નહીં. વાસ્તવિકતામાં આ ફક્ત ધન કમાવાની ક્રિકેટ છે . બીસીસીઆઈ દ્વારા આ બાબત ધ્યાનમાં રાખીને ફક્ત નાણાં કમાવા અને વ્યુઅર સંખ્યા વધારવા પર ધ્યાન આપવાના બદલે એવા નિયમો પણ લાવવા જાેઈએ કે જેમાં ક્રિકેટરોની ટેકનીકની કસોટી થાય અને તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કરી શકે.
Loading ...