અદૃશ્ય રેખાઓ

‘હજી ધબકે છે ક્યાંક લક્ષ્મણરેખા....’ કવિ દાદની આ પંક્તિઓ થોડામાં ઘણું કહી જાય છે. લક્ષ્મણની નિયમબદ્ધતાને લીધે સીતાની સુરક્ષા માટે ખેંચાયેલ રેખા લક્ષ્મણરેખા બની ગઈ. આ કથા તો ભૂતકાળના એક પડળમાં સચવાઈ ગઈ, પરંતુ ખેંચાયેલી લક્ષ્મણરેખા હજુયે અદૃશ્ય રીતે આપણને ચેતવણી આપે છે કે જાે આપણે કોઈપણ લક્ષ્મણરેખા ઓળંગીશું તો સીતાની જેમ અગ્નિપરીક્ષા આપવી પડશે.

લક્ષ્મણરેખા એટલે એક જાતના નિયમોની હારમાળા. અહીં જડ નિયમો કે દસ્તાવેજીકરણ થયેલા કોઈ સંવિધાનના નિયમ કે કાયદાની વાત નથી, પરંતુ માનવજીવનને સુખરૂપ બનાવવા માટે માનવે પોતે જ સ્વીકારેલા અને પોતે જ તોડેલા એવા વિચારોના બંધનની વાત છે કે જે ક્યારેક માનવી માટે દુઃખનું કારણ બને છે. આપણી રોજબરોજની જિંદગીમાં આવીએ કેટલીયે લક્ષ્મણરેખાઓ ઘરની બહાર નીકળીએ એટલે ખેંચાયેલી હોય જ છે, પરંતુ આપણું ધ્યાન જમીન ઉપર નહીં આકાશ તરફ જ છે. એવું આકાશ કે જ્યાં આપણને ફક્ત પ્રગતિ અને ઉન્નતિના માર્ગો જ દેખાય છે. જમીન ઉપર રહેવું પણ નથી ગમતું અને જમીન સાથે આપણાં મૂળિયાં જાેડાયેલાં રહે તે પણ આપણને રૂઢિચુસ્તતા લાગે છે.

સ્વતંત્રતા અને સ્વછંદતા આવી જ પાતળી ભેદરેખા દોરાયેલી છે. દરેક માતા-પિતા પોતાનાં બાળકોને સ્વતંત્રતા આપે છે, પરંતુ બાળકો ક્યારે સ્વતંત્રતાની લક્ષ્મણરેખા ઓળંગી સ્વછંદતા તરફ ધકેલાઈ જાય છે તેનો ખ્યાલ તેને પોતાને પણ આવતો નથી. અને જેમ જેમ બાળકોને સ્વતંત્રતા આપતાં જઈએ તેમ તેમ તે ઘરના નિયમોમાંથી તે મુક્ત થતું જાય છે. પર્સનલ મોબાઇલ અપાવી દઈએ એટલે રૂમનાં બારણાં સ્વછંદતાથી બંધ કરતું થઈ જાય છે. આખી દુનિયા વિશેની માહિતી તો હોય છે, પરંતુ સ્વજનોના મનોભાવ તે પારખી શકતું નથી.

સ્વતંત્રતા એ ઇચ્છા મુજબ કામ કરવાની શક્તિ છે, તે પણ ન્યાયપૂર્ણ મર્યાદાઓ અને જવાબદારીઓ સાથે. આમાં મર્યાદાઓ હોય છે, જે વ્યક્તિગત અને સામાજિક ભલાઈ માટે જરૂરી હોય. સ્વતંત્રતા વ્યક્તિને જવાબદાર બનાવે છે કે તે પોતાના અને અન્ય લોકોના હિતમાં કામ કરે. આ ન્યાય અને નૈતિકતાના આધારે કાર્ય કરે છે. સ્વતંત્રતા અંતર્ગત વ્યકિત પોતાના ર્નિણયોની અસરોને સમજવામાં અને સ્વીકારવામાં સક્ષમ બને છે.

   જ્યારે સ્વછંદતા એ કોઈપણ પ્રકારની મર્યાદાઓ અને નિયમો વિના ઇચ્છા મુજબ કાર્ય કરવાની છૂટ છે. આમાં મર્યાદાઓનો અભાવ હોય છે, જે ઘણી વાર નુકસાનકારક બની શકે છે. સ્વછંદતા સ્વતંત્રતા સાથે આવતી જવાબદારીને અવગણે છે અને ઘણી વાર તેના પરિણામોની ચિંતા કર્યા વિના કાર્ય કરે છે. સ્વછંદતા ઘણી વાર ન્યાય અને નૈતિકતા વિરુદ્ધ થઈ શકે છે, કારણ કે તેમાં અન્ય લોકોનાં અધિકારો અને ભલાઈની પરવા નથી.

જેમ જેમ બહારની વસ્તુ, બહારનું ખાવાનું અને બહારના સંબંધો ઘરમાં સ્થિર થતાં જાય છે, તેમ તેમ ઘર ફક્ત મકાન બનતું જાય છે. ઉપરછલ્લી દૃષ્ટિએ ફક્ત જાેઈએ તો એવું લાગે છે કે આપણે પહેલાંના સમય કરતાં વધારે સ્વતંત્ર અને આનંદદાયી જીવન જીવીએ છીએ, પરંતુ તેના ઊંડાણમાં જઈએ તો આપણે આપણા પોતાના જ ઘરમાં બીજાની ઇચ્છા અનુસાર જીવીએ છીએ. આપણું પોતાનું જ કાર્ય કરવામાં આપણને આળસ આવે છે. કામ કરવાવાળાં બહેન કે ઘાટી કે પછી રસોઇયાના હાથમાં આપણું પોતાનું રસોડું કે મકાન સોંપી દઈને આપણા જીભનો સ્વાદ અને આપણે પોતે બનાવેલા અન્નની ઊર્જા ગુમાવી દઈએ છીએ.

પહેલાના વડીલોએ બનાવેલા અમુક નિયમો ઘણી વખત આપણને એક સરસ જિંદગી ભેટમાં આપી શકે તેવા સુદૃઢ હોય છે, પરંતુ આપણે જૂની પેઢીના જુનવાણી વિચારો ગણાવીને આપણે આપણા પોતાના નિયમો બનાવી લઈએ છીએ અને જે ઘણી વાર આપણાં જ સંતાનોને લક્ષ્મણરેખા ઓળંગવા માટે પ્રોત્સાહન આપે છે. સ્વછંદતા તરફ ધસી જતા સ્વાતંત્ર્યને બચાવી લેવા માટે દરેક ઘરના મોભીના પોતાના નિયમોનો ધબકાર તો હોવો જ જાેઈએ તો જ સુખનો રણકાર સાંભળી શકાય.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution