બોરસદમાં કચરામાંથી મળેલા ઇવીએમ અંગે તપાસ શરૂ

આણંદ બોરસદ શહેરના ભોભાફળી પાસે આવેલા શાક માર્કેટના પાછળની ભાગે કચરાના ઢગમાંથી મંગળવારે સવારે બે ઇવીએમ બેલેટ યુનિટ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. ઇવીએમ કચરાના ઢગમાંથી મળી આવતાં જિલ્લા કલેકટરે તાત્કાલિક તપાસના આદેશ આપતાં તંત્ર દોડતું થયું હતું અને આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ઇવીએમ બેલેટ યુનિટને ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ વેર હાઉસ ખાતે જમા કરાવવામાં આવ્યા ન હતા અને તેને ભંગારમાં ભેગા મૂકી દેવામાં આવ્યા હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે.બોરસદના શાક માર્કેટ પાછળ કચરાના ઢગમાંથી ૨ ઇવીએમ બેલેટ યુનિટ મળી આવતાં આવ્યા હતા.બોરસદ તાલુકાના અમિયાદ ગ્રામ પંચાયતના વોર્ડ નં ૯ ની પેટા ચૂંટણી માટે ઇવીએમ વેર હાઉસ ખાતેથી ૩ બીયુ અને ૩ સીયુ યુનિટ લાવવામાં આવ્યા હતા. જેના થકી ૧૪ જુલાઈ, ૨૦૧૮ના રોજ પૂરબીયા પ્રાથમિક શાળા ખાતે મતદાન કરાવાયુ હતું.અને તેની મત ગણતરી બાદ ઇવીએમ મશીનોને પેટા તિજાેરી કચેરીમાં જમા કરાવવામા આવ્યા હતા.જ્યાં નિયમ મુજબ ૬ માસ સુધી ઇવીએમ રાખ્યા બાદ તેને વેર હાઉસ ખાતે જમા કરાવવાના હતા. પરંતુ જે તે સમયના અધિકારીઓએ પેટા તિજાેરી કચેરીમાંથી ઇવીએમ મશીનો લઈ તો લીધા પરંતુ તેને વેર હાઉસ ખાતે જમા કરાવ્યા ન હતા.બેજવાબદાર અધિકારીઓએ ગંભીર બેદરકારી દાખવી આ ઇવીએમ મશીનોને બોરસદ સબ જેલ પાસે આવેલ જુની કસ્બા તલાટીની ખંડેર બની ગયેલી ઓફિસમાં મૂકી દીધા હતા. કસ્બા તલાટીની ઓફિસના પાછળના ભાગે આવેલી બારીની જાળી તોડીને કોઇ અજાણ્યા ઇસમે ઓફિસના રૂમમાં પ્રવેશ કરી ઇવીએમ મશીનની પેટી તોડી તેમાં રાખેલા ત્રણ બેલેટ યુનિટ પૈકી બે ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution