ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાની સ્થિતિ વણસી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે મુખ્યમંત્રીને મળીને રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન સહિતની જરૂરિયાતની વસ્તુઓએ ઉપલબ્ધ કરાવવાની માંગણી કરાઈ હતી. આ ઉપરાંત હોસ્પિટલમાં સ્ટાફની કાયમી ભરતી, એમ્બ્યુલન્સમાં વધારો તેમજ જરૂરિયાત મંદ નાગરિકોને આર્થિક સહાય પેકેજ આપવાની પણ માંગણી કરાઈ હતી. રાજ્યમાં કોરોનાની સ્થિતિ દિન-પ્રતિદિન કૂદકે અને ભૂસકે વધી રહી છે. જેના કારણે રાજ્યમાં પરિસ્થિતિ વણસી ગઈ છે.
આ સંજાેગોમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડિયા અને વિધાનસભા વિરોધ પક્ષના ઉપનેતા શૈલેશ પરમાર સહિતનું એક પ્રતિનિધિ મંડળ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યું હતું. આ પ્રતિનિધિ મંડળ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાની બેકાબુ પરિસ્થિતિમાં લોકોના જીવ બચાવવા માટે સરકાર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરે. જેમાં રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં બેડ વધારવા, ઓક્સિજન, ઇન્જેક્શન, વેન્ટિલેટર, પૂરતો સ્ટાફ ઉપલબ્ધ કરાવે. આ ઉપર્નત ટેસ્ટિંગ માટેની કીટ અને લેબોરેટરીમાં વધારો કરાવે, મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફની કાયમી ભરતી કરવામાં આવે, એમ્બ્યુલન્સમાં વધારો કરવામાં આવે તેવી માંગણી કરી હતી. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી રૂપાણીને જણાવ્યું હતું કે, આ સ્થિતિમાં રાજ્યના ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને આર્થિક સહાય પેકેજ આપવામાં આવે. જેવી વિવિધ પ્રજાના જીવ બચાવવા અને સુખાકારી માટેની માંગણી સાથે કોંગ્રેસ પક્ષના પ્રતિનિધિ મંડળ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને આવેદન અપાયું હતું.