દિલ્હી-
ભારતે આંતરરાષ્ટ્રીય કમર્શિયલ ફ્લાઇટ ઓપરેશન પર સસ્પેન્શન 31 ઓગસ્ટ 2021 સુધી લંબાવ્યું છે. શુક્રવારે જાહેર કરાયેલા એક પરિપત્રમાં ઉડ્ડયન નિયામક ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ જણાવ્યું હતું કે, ભારત અને આંતરરાષ્ટ્રીય કમર્શિયલ અને પેસેન્જર ફ્લાઈટ પર સસ્પેન્શન એક મહિના સુધી વધારવામાં આવ્યું છે. 26-06-2020 ના પરિપત્રના આંશિક ફેરફારમાં, સક્ષમ સત્તાધિકારીએ ઉપરોક્ત વિષય પર બહાર પાડવામાં આવેલા પરિપત્રની માન્યતાને ભારત અને ભારત તરફથી નિર્ધારિત આંતરરાષ્ટ્રીય કમર્શિયલ પેસેન્જર ફ્લાઈટ્સ અંગે 31 ઓગસ્ટ 2021ના 23:59 વાગ્યા સુધી વધારી છે. કોવિડ -19 મહામારીને કારણે માર્ચ 2020થી દેશમાં સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય પેસેન્જર સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. જો કે, મે 2020થી 'વંદે ભારત મિશન' અંતર્ગત અને જુલાઈ 2020થી પસંદગીના દેશો સાથે દ્વિપક્ષીય "એર બબલ" ની વ્યવસ્થા હેઠળ વિશેષ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ કાર્યરત છે. સરકારે US અને UAE સહિતના 27 થી વધુ દેશો સાથે એર બબલ પેક્ટ બનાવ્યા છે, જેમાં કેન્યા, ભૂટાન અને ફ્રાન્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બે દેશો વચ્ચે એર બબલ કરાર હેઠળ, વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ તેમના એરપોર્ટ્સ દ્વારા તેમના પ્રદેશો વચ્ચે સંચાલન કરી શકે છે.