વડગામ : વિશ્વ એઇડ્સ ડે નિમિત્તે એઇડ્સના દર્દીઓની સારવાર કરતી સંસ્થાઓનું પાલનપુર ખાતે ગુજરાત રાજય એઇડ્સ કંટ્રોલ સોસાયટી અને ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી બનાસકાંઠા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન ગિરીશભાઇ જગાણીયાએ પ્રાસંગીક પ્રવચન કરતા જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં એઇડ્સ અંગે જાગૃતતા કેળવી સાચા અર્થમાં સેવા કરવા બદલ લાયન્સ ક્લબ, મહિલા કલાનિધી ટ્રસ્ટ, રોટરી ક્લબ જેવી અનેક સંસ્થાઓની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવું છું. પાલનપુરના જાણિતા સેવાભાવી તબીબ ર્ડા. સુરેન્દ્ર ગુપ્તા,એ જણાવ્યું કે, એઇડ્સના રોગથી પિડાતા દર્દીઓ લાંબુ અને તંદુરસ્ત જીવન જીવી શકે તે માટે રાજય સરકાર દ્વારા આવા દર્દીઓને વિનામૂલ્યે સારવાર પુરી પાડવામાં આવે છે. તેની સાથે ઘણીબધી સેવાભાવી સંસ્થાઓ પણ એઇડ્સના દર્દીઓ માટે કામ કરે છે. હાલ કોરોનાની વૈશ્વિક મહામારીના સમયે આપણી જાતને સલામત અને તંદુરસ્ત રાખવા માટે દરેક વ્યક્તિએ સાવચેતી રાખવી પડશે. માસ્ક ફરજીયાત પહેરીએ, વારંવાર સાબુથી હાથ ધોઇએ અને સોશ્યલ ડિસ્ટન્સનું પૂર્ણ પણે પાલન કરીએ તથા જ્યાં સુધી વેક્શીન ન આવે ત્યાં સુધી માસ્ક જ વેક્શીન છે તેમ માની કોવિડ-૧૯ અંગે સરકારની તમામ સુચનાઓનું ચુસ્તપણે પાલન કરી આ બિમારીથી સુરક્ષિત રહીએ. આ પ્રસંગે રેડક્રોસ સોસાયટીના કારોબારી સભ્ય ર્ડા. ગિરધરભાઇ પટેલ વગરે ઉપસ્થિત રહ્યા હતા.