પ્રેરણા જીવન જીવવાની

લેખકઃ પુર્વાંગી શુક્લ | 


આજ સવાર પડે અને સૂર્યનારાયણના દર્શન સાથે આપણે જીવનની શરૂઆત કરીએ. પણ જીવનની શરૂઆત રોજ જ નવી નથી હોતી. તેની તે જ ક્રિયાઓમાં જાેતરાઈ જવું પડે છે. અને પછી કંટાળાનો ભોગ બનતા આપણે મશીન બની ગયા હોવાનું અનુભવાય છે. જીવનની રોજની નવી શરૂઆત કરવા માટે આ પ્રેરણા જરૂરી છે.

સૌથી પહેલા તો સમજાે પ્રેરણા શું છે? અને તે ક્યાંથી જન્મ લે છે? પ્રેરણા એટલે મગજમાં બનતું એક રસાયણ જેને આધુનિક સાયકોલોજીએ નામ આપ્યું છે બ્રેન ડીરાઈવ્‌ ન્યૂરોટ્રોફીક ફેક્ટર. જેને આપણી સાદી ભાષામાં એવું પરિબળ કહી શકાય જે તમને જીવનના હેતુને પાર પાડવા માટે ઉત્સાહિત રાખે અને પ્રોત્સાહન આપે. તો આ પરિબળ ક્યારેક બહારના ફેક્ટરસ્‌ ઉપર કામ કરે તો ક્યારેક આંતરિક લાગણીઓ ઉપર. આપણે ભૌતિકવાદમાં જીવનારા વ્યક્તિઓ છીએ એટલે બાહ્ય પરિબળોને આધારે આપણો વિકાસ નક્કી થાય છે અને થયેલો છે. પણ આંતરિક વિકાસ માટેની જવાબદારી માત્ર આપણી જ છે. અને માટે આ પ્રેરણાત્મક વાતો કદાચ તમારા વિકાસ માટે મહત્વનું પરિબળ સાબિત થાય.

નેહા નામની મારી ક્લાયન્ટની આ વાત છે. માત્ર એકવીસ વર્ષની ઉંમરે લગ્ન કરીને સાસરે વળાવેલી દીકરી આજે બે સંતાનોની માતા છે. અને જીવનના પચાસ વર્ષ વિત્યા બાદ પોતાનું ઈન્ટ્રોસ્પેકશન કરતાં જાેયું કે કોઈ તેનાથી ખુશ નથી. સતત ડર મગજમાં સતાવે કે ઘરના દરેક સભ્યો મારાથી ખુશ રહે તો કેટલું સારું! અને આજ મનની પળોજણને યોગ્ય ઠેરવવા માટે વધુને વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું. વધારે ને વધારે કામ કરવાનું ચાલુ કર્યું અને બીજાને ખુશ રાખવાના ચક્કરમાં તે તેમનું એટલું વધારે પડતું ધ્યાન રાખવા માંડી કે બીજાને તે તકલીફદાયક લાગવા લાગ્યું. વધારે પડતી કાળજી અને ધ્યાન અન્યો માટે પરેશાનીનું કારણ બનતું ગયું. બધાને ખુશ કરવાના ચક્કરમાં બધા જ નાખુશ રહેવા લાગ્યા.

 ધીમે ધીમે એ સમય આવ્યો કે ઘરના અને બહારના લોકો તેનાથી અંતર રાખતા થઈ ગયાં. અને નેહાને પણ લાગતું કે તેનું જીવન માત્ર મશીન જ બની ગયું છે. સવાર પડતાની સાથે એક સરખા કામમાં જાેતરાઈ જવું અને બધાને ખુશ કરવાના વિચારમાં પોતે દુઃખી થઈ જવું. આ સિલસિલો એટલો ગાઢ બનતો ગયો કે ડિપ્રેશનનો રોગ ઘર તેના મનમાં ઘર કરી ગયો. અને એક દિવસ દીકરાના દુર્વ્યવહારથી આ બાંધ તૂટયો અને નેહા ભાંગી પડી. સ્તબ્ધ બનીને બનતી ઘટનાઓને માત્ર નિહાળતી ગઈ. અને છેવટે એક ર્નિણય ઉપર આવી કે પોતાના જીવન માટે કંઈક કરવું. પોતાના માટે જીવવું. સાચા અર્થમાં બીજાને ખુશ કરવા નવી કળા શીખવી. શરૂઆતના સેશન્સમાં પોતાનો સ્વીકાર કરવો થોડો અઘરો હતો. પણ નેહા પોતાને સમજી શકી. પોતાની અંદર ભરેલા એ ડરના ભારને હળવો કરી શકી. અને નેહાએ શીખેલી વાતોની નોંધ કદાચ આપને મદદરૂપ થઈ શકે!

(૧) બીજાને ખુશ રાખવાની આપણી જવાબદારી નથી. કોઈપણ કાર્ય કરવું અને શક્ય તેટલું ચીવટથી કરવું તે આપણી જવાબદારી છે. પણ તે કાર્ય એવા ડરથી ના કરવું કે “બીજા ખુશ રહેશે કે નહીં!” અને તે ડરથી કરેલું કાર્ય કેટલું પણ ચિવટભર્યું હોય પણ આપના માટે તકલીફદાયક રહેશે.

(૨) પોતાની સેલ્ફ ટોક. મોટેભાગે નેહા અટકળ લગાવતી. અને હંમેશા એ મત ઉપર આવતી કે આટલું કર્યા બાદ પણ કોઈ ખુશ નથી. કારણ પોતાની સેલ્ફ ટોકમાં હંમેશા પોતાની ભૂલો માટે પોતાને જ વઢતી અને ઠપકો આપતી. હંમેશા પોતાને એવું જ કહેતી કે બરાબર કામ નથી કરતી અને વધુ ચીવટથી કાર્ય કરવાની જરૂર છે. અને ઘરના વ્યક્તિઓ સાથે મન ખોલીને વાત કરવાની જગ્યાએ પોતે જાતે જ અનુમાન કરી લેતી અને પોતાને કોસતી. યાદ રાખો પોતે જે પોતાના માટે માનો છો (બિલિવ કરો છો) તે જ સામે પક્ષની વ્યક્તિ તમારા માટે મત રાખશે.

(૩) હિડન સ્ટેટમેન્ટ. નાનપણથી નેહાના મમ્મી અને સાસુએ શિખવાડેલું કે હંમેશા ઘરના દરેક વ્યક્તિને ખુશ રાખવા. પોતાને બાજુ પર મૂકીને બીજાનો વિચાર પહેલા કરવો. ખોટું ન હતું. પણ આ આપેલા પાઠમાં એક ખામી હતી બેલેન્સની. હંમેશા આપણે બીજાને ખુશ કરવામાં પોતાને ભુલી જઈએ છીએ. અને પરિણામ આવે છે કે આપણે પણ ખુશ નથી રહેતા કે સામે પક્ષને પણ ખુશી નથી આપી શકતા. બેલેન્સ કરતાં શીખવું ખૂબ જરૂરી છે. જ્યારથી નેહાએે પોતે નહીં કરી શકે જેવી વાતને સ્વીકારી અને ઘરમાં બીજાને કીધી ત્યારથી ઘરનું વાતાવરણ બેલેન્સ રહેવા લાગ્યું. જેવુ તેવું પણ ઘરના દરેક વ્યક્તિએ જવાબદારીને ઉઠાવી. અને ઓછા કાર્યભારને કારણે નેહાને આરામ પણ મળતો થયો. તો શિખવાડેલી કેટલીક વાતો જે મનમાં છુપાયેલી છે અને દેખાતી નથી છતાં પણ પણ આપનું મગજ સતત તેને વગોળ્યા જ કરે છે. તો તે વાતોને પૂર્ણવિરામ આપો.

(૪) બીજાનું સ્ટેટમેન્ટ અને તમારું લેબલ. નેહાને કોઈએ કહ્યું હતું કે તમે ખૂબ ધીમા છો. તમે પોતાનું સ્ટેન્ડ લઈ નથી શકતા. બસ, આ મળેલું લેબલ નેહાએ સ્વીકાર કરી લીધું. અને રોજની સેલ્ફ ટોકમાં એવું તો વણાઈ ગયું કે કેટલીય વાતની શરૂઆત જ આ વાતથી થાય કે હું થોડી ધીમી છું એટલે કામ કરતાં મને વાર લાગે. પણ આ બીજાની માન્યતા તમારા માટે સાચી હોવી જરૂરી નથી. સામેનો વ્યક્તિ તમને તેના વિચાર પ્રમાણે જુવે છે માટે તેને આપેલું સ્ટેટમેન્ટ તમારું લેબલ ના બનાવો. પણ પોતાને જાતે જ સમજાે. હંમેશા યાદ રાખો કે કોઈ સર્વસંપૂર્ણ નથી. ખામીઓથી ભરેલા આપણે સૌ કોઈ આપણી ખામીઓને સુધારી શકીએ છીએ.

કદાચ આ વાતો સામાન્ય લાગશે પણ તેનો જીવન ઉપર પ્રભાવ ખૂબ જ શક્તિશાળી છે. જ્યારે નેહા આ વાતોને શીખી અને પોતાના વિષે તેણે જાણ્યું ત્યારે ખરા અર્થમાં જીતી ગઈ. આવી પ્રેરણા દાયક વાતોનું લિસ્ટ બનાવો અને તમારા ફ્રિજ ઉપર લગાડો, જ્યાં ઘરના દરેક વ્યક્તિઓની અવરજવર હોય છે. રોજ જ શીખેલા પાઠને જીવનમાં ઉતારી શકો છો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution