સામુહિક આત્મહત્યા મુદ્દે ફોરેન્સિક તપાસ શરૂ

દેવગઢબારિયા : દાહોદ શહેરના ગોધરા રોડ પર આવેલ સુજાઈ બાગના બતુલ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર ૫૦૧માં ગત ૩જી સપ્ટેમ્બરની રાતે બનેલ દાઉદી વ્હોરા પરિવારના સામૂહિક આત્મહત્યાની અત્યંત ચકચારી ઘટના બાદ કરવામાં આવેલ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઝેરી પ્રવાહી પીવાના કારણે પાંચેનું મોત નીપજવાનું બહાર આવ્યું છે.  

આ કેસમાં વધુ તપાસ માટે દાહોદ ટાઉન પોલીસે સામૂહિક આત્મહત્યા કરનારા વ્હોરા પરિવારના રહેણાંક બતુલ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ૫૦૧ માં તપાસ દરમિયાન મળી આવેલ તમામ મોબાઇલ કબજે લઇ કોલ ડીટેઇલ્સની તપાસ માટે એફ.એસ.એલ ને સુપરત કર્યાનું પણ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. વધુમાં સામૂહિક આત્મહત્યાની આ ઘટના સંદર્ભે શહેરમાં થતી અનેક ચર્ચાઓને પણ પોલીસે અત્યંત ગંભીરતાથી લઇ હોવાનું જાણવા મળ્યું છે. દાહોદ શહેરના ગોધરારોડ પર આવેલ સુજાઈ બાગના બતુલ એપાર્ટમેન્ટમાં ૫૦૧ નંબરના ફ્લેટમાં રહેતા ૪૨ વર્ષીય સૈફી ઉર્ફે સૈફુદ્દીન શબ્બીરભાઈ દુધિયાવાલા તેમના ૩૫ વર્ષીય ધર્મપત્ની મેહજબીન સૈફુદિન દુધિયાવાલા, ૧૬ વર્ષીય દીકરી અરવાબેન દુધિયાવાલા, ૧૬ વર્ષીય જૈનબ સૈફુદિન દુધિયાવાલા અને નાની ૭ વર્ષીય દીકરી હુસૈનાબેન દુધિયાવાલા એમ એક જ પરિવારના પાંચ જણાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના મકાનમાં કોઈ ઝેરી પ્રવાહી પી લઇ તા. ૩ જી સપ્ટેમ્બરની રાતે સામૂહિક આત્મહત્યા કરી લીધી હતી. . ઘટનાની જાણ થતાં જ એફ.એસ.એલ ની ટીમને સાથે લઇ ઘટના સ્થળે દોડી ગયેલ ટાઉન પોલીસે પાંચે લાશનો કબ્જો લીધો હતો. અને પાંચે જણાએ કોઈ ઝેરી લિકવીડ પાણીમાં કે શરબતમાં મેળવી પીધું હોવાનું પ્રાથમિક તારણમાં બહાર આવ્યું હતું. સ્થળ પરથી પોલીસને મળેલ સ્યુસાઈટ નોટમાં લખેલ લખાણ પરથી પણ પોલીસને કોઈ ઠોસ સબૂત ના મળતા પોલીસે આ ઘટનાના રહસ્યોની કડીઓ મેળવવા આજુબાજુમાં રહેતા લોકોની પૂછપરછ કરતા ઘટનામાં ફાઇનાન્સીયલ ક્રાયસિસ કારણભૂત હોવાનું જાણવા મળ્યું હતું. તે જ દિવસે પાંચેની લાશનું પી.એમ કરવામાં આવ્યું હતું. તેનું ગતરોજ રિપોર્ટ આવતા તેમાં પાંચેનું મોત કોઈ ઝેરી પ્રવાહી પીવાના કારણે થવાનું બહાર આવતા પોલીસે તે દિશામાં તપાસ આગળ વધારી છે. બે વર્ષ અગાઉ પણ મૃતક સૈફુદિનના સગા ભાઈ અલીઅસગર દુધિયાવાલાએ ફાઇનાન્સીયલ ક્રાયસિસના કારણે ફિનાઇલ ગટગટાવી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાના તાર સામૂહિક આત્મહત્યાની સાથે જોડાયેલા તો નથી ? તે દિશામાં પણ પોલીસ પોતાની તપાસ આગળ ધપાવશે તેવું આ તબ્બકે મનાઈ રહ્યું છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution