ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અઝીમ પ્રેમજીના યુવોપેઢીને ૧૦ મંત્ર : જીતવા માટે રમો નહીં, રમવા માટે જીતો

લેખકઃ દીપક આશર | 


દેશના અગ્રણી ઉદ્યોગપતિ, દાનવીર, પરોપકારવાદી અઝીમ પ્રેમજીએ વિપ્રો લિમિટેડને તેનાં પાંચ દાયકાની સફરમાં વિવિધતા અને વિકાસ દ્વારા સોફ્ટવેર ઉદ્યોગમાં વૈશ્વિક લીડર બનાવી હતી. અઝીમ પ્રેમજી પાસેથી આજની નવી પેઢીએ અનેક બાબતો શીખવા જેવી છે. આજે આપણે અઝીમ પ્રેમજીના જીવનના દસ એવા મંત્ર વિશે વાત કરશું, જે જીવનમાં ઊતારવામાં આવે તો સફળતા તમારાં કદમોમાં હશે, તમને કોઈ રોકી શકશે નહીં. પ્રેમજીના જ શબ્દોમાં કહીયે તો જીવનની સૌથી ફની બાબત એ છે કે, જ્યારે કોઈ વસ્તુની કિંમત આપણને સમજાવા માંડે છે ત્યારે જ એ તમારો સાથે છોડીને જતી હોય છે. મારા વાળની જ વાત કરું તો તે કાળામાંથી સફેદ થવા માંડ્યાં ત્યારે જ મને યુવાવસ્થાની એક્સાઇટમેન્ટ શું હોય છે તે સમજાયું હતું!


અઝીમ પ્રેમજી કહે છે, આજે હું મારી કરિઅરમાં શીખેલી એ દરેક બાબત તમારી સાથે શેર કરવા માગું છું, જેથી કદાચ એ તમને જીવનના કોઈ મોડ પર કામ આવી શકે. પ્રેમજી આજની યુવાપેઢીને કહે છે, મેં જ્યારે મારી કરિઅર શરૂ કરી ત્યારે જે પરિસ્થિતિ હતી, તેનાંથી આજે ઘણી અલગ પરિસ્થિતિ છે. એ સિક્સિટીનો જમાનો હતો, જ્યારે ભારત હજુ બીજા દેશો પર નિર્ભર હતો. લોકોની બેઝીક નીડ્‌સ ફૂડ માટે પણ બીજા દેશો પર આપણે નિર્ભર હતા. મને હમણાં જ કોઈએ કહ્યું કે, અગાઉ વિદેશીઓ આપણાં દેશની મુલાકાતે આવતાં હતાં ત્યારે એ જાેવા આવતાં હતાં કે, તેઓ ભારત માટે શું કરી શકે તેમ છે. આજે સિનારિયો બદલાઈ ગયો છે. આજે વિદેશીઓ ભારતની મુલાકાતે એ જાેવા આવે છે કે, ભારત તેઓ માટે શું કરી શકે તેમ છે! હું આજે વિશ્વમાં ભારતને એક એવા દેશ તરીકે જાેઈ રહ્યો છું, જેની સાંસ્કૃતિક ધરોહર અને વંશીય પરંપરા સૌથી સમૃદ્ધ છે. દેશની સાંપ્રદાયિક લોકશાહી એક સમૃદ્ધ સમાજનું નિર્માણ કરી શકી છે.

હવે વાત કરીયે અઝીમ પ્રેમજીએ તેનાં જીવનમા શીખેલાં એ ૧૦ લેશનની.

લેશન 1 : ચાર્જ પોતાના હાથમાં લો

મને આજથી ચાર દાયકા પહેલાં આવેલો આ પહેલો વિચાર હતો. હું વિપ્રોની અમલનેરમાં આવેલી ફેક્ટરી જાેવા ગયો હતો. તે વખતે હું ૨૧ વર્ષનો હતો. એ પહેલાં મેં કેલિફોર્નિયાની સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટી ઓફ એન્જિનિયરિંગમાં અમુક વર્ષો વીતાવ્યાં હતાં. તે વખતે મને ઘણાં લોકોએ સલાહ આપી હતી કે, આ હાઇડ્રોજનરેટેડ ઓઇલ બિઝનેસની ફેક્ટરીમાં ચેલેન્જિસનો સામનો કરવા કરતાં તું કોઈ મલ્ટિનેશનલ કંપનીમાં સારી જાેબ લઈ લે. આજે હું પાછળ વળીને જાેઉં છું તો મને ખુશી થાય છે કે, મેં ચેલેન્જિસને સ્વીકારી ચાર્જ હાથમાં લીધો હતો. લીડરશીપ તમારી જાતમાંથી જ શરૂ થાય છે. આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે તમારો આત્મા અંદરથી જ નાના અવાજે કંઈ કહી રહ્યો હોય છે. તેને સાંભળવો ખુબ જ જરૂરી હોય છે, જ્યારે તમારે તમારી કરિઅરનો નિર્ણય કરવાનો હોય ત્યારે તમારે જ તમારી ડેસ્ટિનનીનો ચાર્જ લેવો જાેઈએ.

લેશન 2 : સ્ટ્રગલથી મળતી ખુશીઓને આળખો

જીવનમાં બીજું લેશન જે હું શીખ્યો એ છે કે, તમને પાંચ રૂપિયા ક્યાંકથી મળ્યાં હોય તેનાં કરતાં એક રૂપિયો કમાયા હોઈએ તેની ખુશી વધુ હોય છે. હું એવું માનું છું કે, જીવનમાં સ્ટ્રગલ કરીને કમાયા હોઈએ તેની વેલ્યૂ જ આપણે સમજી શકીયે છીએ.

લેશન 3 : નિષ્ફળ થશો તો જ સફળ થઈ શકશો

જીવનમાં ત્રીજું લેશન હું એ શીખ્યો કે, ક્યારેય કોઈ બેટ્‌સમેન દર વખતે ૧૦૦ રન કરી શકતો નથી. ક્યારેક તમે જીતો છો અને ક્યારેક હારો પણ છો. તમારે જીતને એન્જાેય કરવી જાેઈએ, પણ તેને માથાની ઉપર ચઢવા દેવી ન જાેઈએ. તમે ક્યારેય ફેલ્યોરનો સામનો કરો અને તેને નેચરલ ઘટના તરીકે ટ્રીટ કરશો તો જીતી જશો. નિષ્ફળતા મળે ત્યારે સૌથી મહત્ત્વની બાબત એ હોય છે કે, નિષ્ફળતા તમને કંઈક શીખવીને જ જાય છે, જે સફળતા નથી શીખવી શકતી.

લેશન 4 : શીખવા માટેની ઈચ્છાશક્તિ

ચોથું લેશન હું એ શીખ્યો કે, જીવનમાં માનવીયતા સૌથી મોટી છે. કોન્ફિડન્સ અને એરોગન્સ વચ્ચે બહુ પાતળી રેખા છે. જાત પર વિશ્વાસ ધરાવતાં લોકો હંમેશા શીખવા માટે તૈયાર હોય છે. તાજેતરમાં યુરોપમાં થયેલાં એક સરવેમાં જાણવા મળ્યું હતું કે, લીડરશીપ માટે એક ક્વોલિટી ખુબ જ જરૂરી છે અને તે છે, કોઈપણ પરિસ્થિતિમાં શીખવા માટેની ઈચ્છાશક્તિ. બીજી તરફ એરોગેન્સ તમને શીખતા અટકાવે છે. એરોગન્સ માણસના મનમાં એવું ઘર કરી દે છે કે, મને તો બધી જ ખબર છે અને બધું જ આવડે છે!

લેશન 5 : એક્સલેન્સ કોઈ પડાવ નથી, પણ સફર છે

જીવનમાં આપણે ભલે ગમે તેટલું સારું કરીયે, પણ દરેકે એક વાત યાદ રાખવી જાેઈએ કે, હજુ આનાંથી વધુ સારું થઈ શક્યું હોત! એક્સલેન્સ કોઈ પડાવ નથી, પણ સફર છે. સર્જનાત્મક્તા અને નવીનતાને હંમેશા બહારથી પ્રેરણાંની જરૂર હોય છે. એવું જરૂરી નથી કે, આઇન્સ્ટાઇનને જેટલો ફિઝિક્સમાં રસ હતો એટલો જ મ્યુઝિકમાં હોવો જાેઈએ. એક્સલેન્સ અને ક્રિએટિવિટી હંમેશા સાથે ચાલે છે.

લેેશન 6 : રિસ્પોેન્ડ કરો, રિએક્શન ન આપો

જીવનમાં હું એવું શીખ્યો છું કે, જેમ સફળતા અને નિષ્ફળતા એ બે શબ્દોમાં ફરક છે, એટલો જ ફરક રિસ્પોન્ડ અને રિએક્શનમાં છે. આપણે જ્યારે રિસ્પોન્ડ કરીયે છીએ ત્યારે આપણું માઇન્ડ શાંત હોય છે. આપણે પ્રોપર જવાબ આપી શકીયે છીએ, પણ જ્યારે રિએક્શન આપીયે છીએ ત્યારે આપણે સામેવાળા જે ઈચ્છી રહ્યાં છે એ કરીયે છીએ. આપણું માઇન્ડ આપણાં કાબૂમાં નથી હોતું!

લેશન 7 : હંમેશા શારિરીક રીત એક્ટિવ રહો

તમે જ્યારે યુવાન હોવ ત્યારે તમારી હેલ્થને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લો છો. મેં જીવનમાં જાેયું છે કે, કસરત જીવનમાં તમારાં દરેક સમયને સુધારતી જ નથી, પણ તમારી ઊંઘનો ટાઇમ પણ ઓછો કરે છે. આજનું સત્ય એ છે કે, વિશ્વમાં દરેક સ્થળે સ્ટ્રેસ ઊભો થઈ રહ્યો છે ત્યારે તમારે તમારી જાત સાથે કઈ રીતે પેશ આવવું એ વિક્સાવી લેવું જાેઈએ.

લેશન 8 : તમારી કોર વેલ્યૂઝ સાથે સમાધાન ક્યારેય ન કરો

મહાત્મા ગાંધી કહેતાં કે, આપણે આપણાં મગજની બારીઓ હંમેશાં ખુલ્લી રાખવી જાેઈએ. તમે કંઈ કરો છો એ તમારી વેલ્યૂઝ છે. તેને શબ્દોમાં સમજાવી ન શકાય. તમે જે કરશો તેની મિરર ઇમેજ સામે આવવાની જ છે.

લેશન 9 : રમવા માટે જીતો, જીતવા માટે રમો નહીં!

રમવા માટે જીતવાનું લક્ષ્ય રાખશો તો તે તમારી ઈચ્છાને તેજ દોડાવશે. આનો મતલબ એમ પણ નથી કે, દરેક વખતે જીતવું જરૂરી છે. જીતવાનો મતલબ દર વખતે કંઈ નવું કરીને દેખાડો, પછી ભલે જીતી ન શકો છતાં તમે આગળ તો વધ્યાં જ હશો.

લેશન 10 : સમાજે આપ્યું છે, તો સમાજને પાછું પણ આપો

અઝીમ પ્રેમજીની વિશ્વના અગ્રણી દાનવીરોમાં ગણના થાય છે. તેમણે આજની યુવાપેઢીને સમજાવેલું છેલ્લું લેશન પણ આ જ છે. અઝીમ પ્રેમજી કહે છે, આજે ક્વોલિટી એજ્યુકેશ અને બેરોજગારી આપજી સોસાયટી સામે સૌથી મોટી ચેલેન્જ છે. જે સોસાયટીએ આપણને આપ્યું છે, તેમાંથી જ સોસાયટીને પાછું આપશું તો આવી ચેલેન્જિસ સામે લડી શકાશે. હંમેશાં યાદ રાખો આપણે કંઈ લઈને આવ્યા ન હતા. આ સોસાયટીએ જ આપ્યું છે તો તેનાં પર સોસાયટીનો પણ હક છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution