વાદળામાંથી એ જલબિંદુ ખર્યું,
ને સમુદ્ર નિહાળી હૈયે થરથર્યું,
સિંધુ ક્યાં? ને ક્યાં હું બિંદુ? એ કહે
ત્યાં તો છીપે આવરી, અંકે ધર્યું.
– શેખ સાદી
બિંદુની સિંધુમાં એકાકાર થઈ જવાની ઘટના કે પછી નાના કણમાંથી મોતી બનવાની આખી પ્રક્રિયા એક નાની અમથી વસ્તુને એક બૃહદ રૂપ આપે છે. જ્યારે સમગ્ર સૃષ્ટિના સંદર્ભમાં આપણી જાત વિશે વિચાર કરીએ ત્યારે આપણે બહુ જ નાના અથવા તો બહુ જરૂરી નહીં એવા સામાન્ય લાગીએ છીએ. પરંતુ ફક્ત પોતાના અસ્તિત્વ વિશે જ વિચાર કરીએ તો આપણું સાર્થક્ય પણ આપોઆપ જ આપણી નજર સમક્ષ આવે છે.
આપણી જાતને જાેવાનો દૃષ્ટિકોણ પણ આપણા જીવનને સફળ કે અસફળ બનાવવા માટે કારણભૂત હોય છે. સમગ્ર સૃષ્ટિના સંદર્ભમાં દરિયાની સરખામણીમાં આપણે એક નાનકડું પાણીનું ટીપું છીએ, પરંતુ એ પાણીનું ટીપું પણ જળના અસ્તિત્વને તો સાબિત કરે જ છે. જન્મથી લઈને મૃત્યુ સુધી ભલે આપણે એક સામાન્ય જિંદગી જીવીએ, પરંતુ એક સફળ અને શાંતિપૂર્ણ જીવન કોઈકના સુખ માટે દિશાસૂચક સંસ્મરણ તો બની જ શકે છે.
મોતીનું નિર્માણ ત્યારે થાય છે જ્યારે કોઈ બિનમૂલ્યની વસ્તુ, જેમ કે રેતકણ કે બૅક્ટેરિયા, છીપના અંદરના ભાગમાં પ્રવેશે છે. છીપ એ વસ્તુને દૂર કરી શકતું નથી, તેથી તે તેના રક્ષણ માટે કુદરતી પદાર્થ ‘નાકર’નું સ્તર તૈયાર કરે છે. આ પદાર્થ અનુકૂળ પરિસ્થિતિઓ હેઠળ દાયકાઓ સુધી સંગ્રહિત થઈને, ખડકના રૂપમાં મોતીનો રૂપ લઈ લે છે.
મોતી બનવા માટે કણને ઘણો સમય અનેક સંઘર્ષોનો સામનો કરવો પડે છે. જીવનમાં પણ આપણી સફળતાઓ અને સિદ્ધિઓ વારંવાર અથડામણો અને મુશ્કેલીઓનાં પરિણામો હોય છે.
મોતીનું નિર્માણ આપણને શીખવે છે કે જીવનની મુશ્કેલીઓ અને સંઘર્ષો એ ક્યારેક આપણા વિકાસ અને સુંદરતાના માર્ગદર્શક બની શકે છે.
નાનકડી આંખ કેવી રીતે સમગ્ર દુનિયાને જાેવા માટે સક્ષમ છે તેવી જ રીતે આપણો એક નાનકડો પ્રયાસ પણ ખિસકોલીના લઘુકાર્યની જેમ એક વિશાળ કાર્યને પૂરું કરવામાં સહાયરૂપ બની શકે છે. નાના નાના પ્રયાસો સમય સાથે મોટાં પરિવર્તનો લાવી શકાય છે. આના ઉદાહરણ તરીકે જાેઈએ તો મોટા લક્ષ્યને મેળવવા માટે નાના પ્રયાસો જરૂરી હોય છે. જેમ દરરોજ થોડુંક વાંચવું તમારા જ્ઞાનમાં મહાન વૃદ્ધિ લાવી શકે છે, તેમ કોઈપણ કૌશલ્યમાં તમે નાના પ્રયાસોથી પ્રાવિણ્ય પ્રાપ્ત કરી શકો છો.
નાના, દૈનિક પ્રમાણમાં પ્રયત્નો, જેમ કે નિયમિત યોગ, ધ્યાન તમારું માનસિક આરોગ્ય સુધારી શકે છે. નિયમિત અને નાના પ્રયાસો નવી અને સકારાત્મક આદતો બનાવવા માટે અસરકારક છે. જેમ દરરોજ ૧૦ મિનિટ વ્યાયામ કરવાનો પ્રયાસ આદત બની શકે છે.
સામાજિક અને પર્યાવરણીય મુદાઓમાં નાના પ્રયત્નો, જેમ કે પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ અથવા ટાપુ સાફ કરવા જેવા નાના કામ, લાંબાગાળે મોટા ફાયદા આપી શકે છે.
નાનું પણ મહત્ત્વનું કાર્ય મોટો ફેરફાર લાવી શકે છે, કારણ કે દરેક નાનું પગલું આગળની મોટી સફરનો ભાગ હોય છે. કોઈને સમયસર કહેવામાં આવેલા થોડા સકારાત્મક શબ્દો તેમનો દિન ર્પરિવતન કરી શકે છે અને લાંબાગાળે તેમના જીવન પર અસર કરી શકે છે.
કોઈની અચાનક મદદ, જેણે તમે નાની માનતા હશો, તેના માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની શકે છે અને તે તેની પરિસ્થિતિમાં મોટા ફેરફારો લાવી શકે છે.
એક નાનું વૃક્ષ લાવીને તમે પર્યાવરણ માટે લાંબાગાળે બહુ મોટું યોગદાન આપી શકો છો.
નાની, દૈનિક બચતની આદત મોટા સમયગાળામાં નોંધપાત્ર ધનસંચયમાં ફેરવાઈ શકે છે. નાનકડું પણ વિચારપૂર્વક કરવામાં આવ્યું કાર્ય લાંબાગાળે મોટા ફેરફારો લાવી શકે છે.
નાના નાના પ્રયાસોથી સ્થિરતા, સંકલ્પ અને સમર્પણને સાથે મૂકીને મોટાં પરિણામોમાં ફેરવી શકાય છે.