જાકાર્તા-
ઈન્ડોનેશિયાના જાવા આઈસલેન્ડમાં ટૂરિસ્ટોથી ભરેલી બસ ખીણમાં ખાબકવાથી ૨૭ લોકોનાં મોત થયા છે. દુર્ઘટનામાં ૩૯ અન્ય લોકો ઘાયલ થયા છે. મૃત્યુ પામનારાઓમાં બસ-ડ્રાઈવર પણ સામેલ છે. આ તમામ તીર્થયાત્રીઓ હોવાનું કહેવાઈ રહ્યું છે. તમામ ઘાયલોને અને મૃતકોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસે આ માહિતી ગુરુવારે આપી છે.
સ્થાનિક પોલીસ અધિકારી પ્રાસેત્યો રિબ્બિયાંતોએ જણાવ્યું હતું કે દુર્ઘટના બુધવારે એવા સમયે થઈ કે જ્યારે બસ પશ્ચિમ જાવાના સુબાંગ શહેરથી ઈસ્લામિક જુનિયર હાઈસ્કૂલના સ્ટુડન્ટ્સ, ટીચર અને પેરન્ટ્સને તાસિકામલય જિલ્લામાં આવેલા એક તીર્થસ્થળ પર લઈને જઈ રહી હતી. સુમેદાંગ જિલ્લામાં ઘણા ઢાળ હોવાને કારણે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કન્ટ્રોલ ગુમાવી દીધો હતા. એને કારણે બસ ૨૦ મીટર ઊંડી ખાડીમાં પડી હતી.
પોલીસ અધિકારી રિબ્બિયાંતોના જણાવ્યા અનુસાર, પોલીસ દુર્ઘટનાનું કારણ શોધવાની કોશિશ કરી રહી છે. ઈજાગ્રસ્ત થયેલા લોકોએ જણાવ્યું હતું કે ગાડીની બ્રેક ફેલ થઈ હતી. રેસ્ક્યૂ એજન્સીના ચીફ રિદવાંસાહે જણાવ્યું હતું કે ઘાયલોને હોસ્પિટલ અને એક નજીકના ક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યા, તેમાંથી ૧૩ લોકોની સ્થિતિ ગંભીર છે. રિદવાંસાહના જણાવ્યા મુજબ, રોડની સુરક્ષામાં બેદરકારી અને ખરાબ ઈન્ફ્રાસ્ટ્રકચરને કારણે ઈન્ડોનેશિયામાં આવા અકસ્માતો સતત થતા રહે છે. આ પહેલાં સુમાત્રામાં ડિસેમ્બર ૨૦૧૯માં એક ટૂરિસ્ટ બસ ૮૦ મીટર ઊંડી ખાડીમાં પડી હતી, તેમાં ૩૫ લોકોનાં મોત થયાં હતાં. ૨૦૧૮માં પશ્ચિમ જાવામાં એક બસ ખીણમાં પડી હતી, તેમાં ૨૭ લોકોનાં મોત થયાં હતાં.