સ્વદેશી રાખડીઓએ ચીનને આપ્યો 4 હજાર કરોડનો ફટકો

દિલ્હી-

આ વખતે રાખડીના તહેવારે ચીનને ૪૦૦૦ કરોડ રૂપિયાના રાખડીના વેપારને મોટો ઝટકો આપીને એ માન્યતાને તોડી છે કે ભારતમાં ચીની વસ્તુઓનો બહિષ્કાર શકય નથી. આ સાથે જ ચીની વસ્તુઓના બહિષ્કારના અભિયાનને વધુ ઝડપથી દેશભરમાં ચલાવવાના મજબૂત સંકેત અપાયા છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ દ્વારા ગત ૧૦ જૂનથી શરૂ કરાયેલા ચીની સામાનના બહિષ્કારના અભિયાન હેઠળ CAITએ આ વખતે રાખડીના પર્વને હિન્દુસ્તાની રાખડી દ્વારા ઉજવવાનું આહ્વાન કર્યું હતું જે સંપૂર્ણપણે સફળ રહ્યું.

આ વખતે એક પણ રાખડી કે રાખડી બનાવવાનો સામાન ચીનથી બિલકુલ આયાત થયો નથી અને આ અભિયાનનો લાભ એ થયો કે દેશભરમાં CAITના સહયોગથી ભારતીય સામાનથી લગભગ એક કરોડ જેટલી રાખડીઓ નીચલા વર્ગ તથા ઘરોમાં કામ કરનારા તથા આંગણવાડીમાં કામ કરતી મહિલાઓ સહિત અન્ય લોકોએ પોતાના હાથથી અનેક પ્રકારની નવી નવી ડિઝાઈનની રાખડીઓ બનાવી. આ બાજુ ભારતીય રાખડી નિર્માતાઓએ પણ ભારતીય સામાનથી રાખડી બનાવી જેને દેશભરમાં ખુબ વખાણવામાં આવી.

CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી બી સી ભરતિયા તથા રાષ્ટ્રીય મહામંત્રી શ્રી પ્રવિણ ખંડેલવાલે જણાવ્યું કે એક અંદાજ મુજબ દેશમાં પ્રતિવર્ષ લગભગ ૫૦ કરોડ રાખડીઓનો વેપાર થાય છે જેની કિંમત લગભગ ૬ હજાર કરોડ રૂપિયા છે. જેમાંથી ગત અનેક વર્ષોથી ચીનથી દર વર્ષે લગભગ ૪૦૦૦ કરોડની કિંમતના રાખડી કે તેના સામાનની આયાત થતી હતી, જે આ વર્ષે આવ્યો નથી. 

કોરોનાના ડરના કારણે મોટા પ્રમાણમાં લોકો બજારમાં ગયા નથી તથા ઓનલાઈન ખરીદી પણ કરી નથી જેને જોતા CAITએ દેશભરના લોકોને કહ્યું કે તેઓ પોતાના ઘરમાં જ ઘાસ, કેસર, ચંદન, ચોખા તથા સરસવના દાણા એક રેશમના કપડાંમાં બાંધીને નાડાછડી કે દોરા સાથે બાંધી લે જેથી કરીને તે વૈદિક રાખડી બની જાય અને આ રાખડી ભાઈને બાંધવામાં આવે. રાખડીને રક્ષાસૂત્ર પણ કહે છે. આ રાખડી સૌથી વધુ શુદ્ઘ અને પવિત્ર હોય છે. તથા જૂના સમયમાં આ જ પ્રકારની રાખડીઓ ઉપયોગમાં લેવાતી હતી. 

ચીની વસ્તુઓના બહિષ્કારના આગામી કાર્યક્રમ આગામી ૯ ઓગસ્ટ ભારત છોડો આંદોલનના દિવસે દેશભરના વેપારીઓ આ દિવસે 'ચીન ભારત છોડો' અભિયાન શરૂ કરશે અને આ દિવસે દેશભરમાં ૮૦૦થી વધુ સ્થળો પર વેપારી સંગઠનો શહેરના કોઈ પ્રમુખ સ્થળ પર ભેગા થઈને ચીન ભારત છોડોનો શંખનાદ પણ કરશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution