નડિયાદ-
ખેડા જિલ્લા માર્ગ અને મકાન વિભાગ એક્શન મોડમાં આવી ગયો છે. ખેડા જિલ્લા માર્ગ અને મકાન વિભાગની પેટા શાખા નડિયાદ દ્વારા મહુઘામાં ITIનું બિલ્ડીંગ બનાવવા માટે સાડા ચાર કરોડનું માતબર ટેન્ડર ફાળવવામાં આવ્યુ હતુ. અમદાવાદની ડી.જી. કન્ટ્રક્શન કંપનીએ વર્ષ 2019ના જાન્યુઆરી માસમાં કામ શરૂ કરી ડિસેમ્બર, 2019માં એટ્લે 11 માસ બાદ પૂર્ણ કરવાનું હતુ. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ઉપનો એક માળ બનાવવાનો હતો. 11 માસમાં પૂર્ણ કરવાનું કામ 2021ની શરૂઆતમાં પણ પૂર્ણ થયુ ન હતુ. 15 સપ્ટેમ્બરે માર્ગ અને મકાન વિભાગે ફરીથી એજન્સીને નોટીસ ઈસ્યુ કરી હતી છતાં કામ પૂર્ણ થયુ નથી. ચોથી નોટીસમાં જણાવ્યુ હતું કે, તાત્કાલિક કામ ચાલુ કરી પૂર્ણ કરવાનું આયોજન રજૂ કરે, જો તેમ ન કરે તો કરારનામાના ક્લોઝ નં. 2, 3 અને 4 મુજબ આગળની નિયમોનુસાર કાર્યવાહી કરાશે. ચોથી નોટીસ બાદ પણ કોઈ કામગીરી ન કરતા અંતે માર્ગ અને મકાન વિભાગના ઈન્ચાર્જ નાયબ કાર્યપાલક ઈજનેર વિવેકસિંહ જામ દ્વારા વડી કચેરીમાં ડી. જી. કન્ટ્રક્શનને બ્લેક લિસ્ટ કરવા માટે દરખાસ્ત કરી દેવાઈ છે.