ભારતની સૌથી મોંઘી કેરી, દેશભરમાં માત્ર ત્રણ જ વૃક્ષ પર પાક લેવાય છે

ઉનાળામાં સૌથી વધુ ખવાતી અને ફળોનો રાજા કહેવાતી કેરીની સિઝન શરૂ થઈ ચૂકી છે. બજારમાં હાફૂસ, રત્નાગીરી, બદામનું આગમન થઈ ચૂક્યું છે. કેસર કેરીની પણ આવકો બજારમાં જોવા મળી છે. પરંતુ શું તમે સૌથી મોંઘી કેરીનો સ્વાદ ચાખ્યો છે.

દેશમાં વિવિધ જાતની કેરીઓ જોવા મળે છે. જેમાં સૌથી મોંઘી અને મર્યાદિત પ્રમાણમાં જોવા મળતી મલ્લિકા નૂરજહાં નામની કેરી છે. જે કિલોગ્રામના ભાવે નહિં પરંતુ પીસ (નંગ)ના ભાવે વેચાય છે. જેના એક કેરીની કિંમત રૂ. 1000થી 2000 છે.

નૂરજહાં કેરીની જાત મૂળ અફઘાનિસ્તાનની કેરી છે. પરંતુ વર્ષો પહેલાં (લગભગ 15મી સદીમાં) તેને મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કઠ્ઠિવાડા વિસ્તારમાં લઈ આવ્યા હતા. જ્યાં નૂરજહાં કેરીનું ઉત્પાદન માત્ર 3 વૃક્ષો પર જ થાય છે. આ ત્રણેય વૃક્ષો પર 250 જેટલી કેરીઓ થાય છે. જેમાં પ્રત્યેક કેરીનું વજન 4 કિગ્રાથી વધુ હોય છે. ગતવર્ષે આ કેરીનું વજન સરેરાશ 3.8 કિગ્રા હતું.

ગત વર્ષે નૂરજહાં કેરીની કિંમત પ્રતિ નંગ રૂ. 500થી 1500 સુધી જોવા મળી હતી. આ કેરીને વેચાણ માટે તૈયાર કરતાં દોઢ મહિનો થાય છે. કમોસમી વરસાદ, વાવાઝોડાના કારણે આ વર્ષે તેનું જોઈએ તેવુ ઉત્પાદન થયુ નથી.

બાગાયતી નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, નૂરજહાં કેરીના ઝાડ પર જાન્યુઆરીથી ફેબ્રુઆરી દરમિયાન ફૂલ આવે છે. જે જૂનના પ્રથમ પખવાડિયામાં વેચાણ માટે તૈયાર થાય છે. આ કેરી એક ફૂટ જેટલી લંબાઈ ધરાવે છે. તેમજ તેના ગોટલાનું વજન જ 150-200 ગ્રામ હોય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution