વિદેશી વોટ્સએપ સામે ભારતની સ્વદેશી એપ સંવાદ DRDOના સુરક્ષા ટેસ્ટ લેવલ-4માં પાસ 

વિશ્વના 180 દેશોમાં વોટ્સએપના યુઝર્સની સંખ્યા 2.78 બિલિયન છે. જે સંખ્યા 2025 સુધીમાં 3.14 બિલિયન પહોંચવાનો અંદાજ છે. જયારે વોટ્સએપ ભારતમાં 535.8 મિલિયન એક્ટિવ યુઝર્સ ધરાવે છે. ત્યારે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલીમેટિક્સ દ્વારા વોટ્સએપને ટક્કર આપવા સ્વદેશી એપ્લિકેશન સંવાદ ડેવલોપ કરવામાં આવી છે. સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલીમેટિક્સ દ્વારા ડેવલોપ કરવામાં આવેલી હોમગ્રોન મેસેજિંગ એપ સંવાદનું નામ ખુબ જ ચર્ચામાં હતું. હવે, સંવાદ ફરી એક વખત ચર્ચામાં આવી છે. જેનું કારણ છે કે, મેસેજિંગ એપ્લિકેશન સંવાદ ડીઆરડીઓની તમામ સુરક્ષા કસોટીમાંથી પાસ થઇ છે. જેથી ડીઆરડીઓ દ્વારા તેને લીલી ઝંડી આપવામાં આવી છે.


વોટ્સએપના વિશ્વભરમાં 2.78 બિલિયન યુઝર્સ, જયારે ભારતમાં યુઝરની સંખ્યા 535.8 મિલિયન



વિશ્વના 180 દેશોમાં ચીન, નોર્થ કોરિયા, સીરિયા, કતાર અને યુએઈ જ એવા દેશ છે જ્યાં મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપના ઉપયોગ પર પ્રતિબંધ છે. તે સિવાય વિશ્વના તમામ દેશોમાં મેસેજિંગ એપ્લિકેશન દ્વારા વોટ્સએપનો ઉપયોગ થાય છે. ત્યારે દ્વારા પણ પોતાની મેસેજિંગ એપ્લિકેશન શરૂ કરવાની કવાયત મેક ઈન ઇન્ડિયા હેઠળ થોડા વર્ષો પહેલા શરૂ કરાઈ હતી. સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલીમેટિક્સ દ્વારા સ્વદેશી મેસેજિંગ એપ્લિકેશન સંવાદને ડેવલોપ કરવાની શરૂઆત કરાઈ હતી. જેમાં વોટ્સએપ જેવી તમામ સુવિધા આપવામાં આવનાર છે. થોડા વર્ષો પહેલા જયારે સંવાદ નામ જાહેર થયું ત્યારે તે ચર્ચામાં રહ્યું હતું. હવે, ફરી સંવાદનું નામ ચર્ચામાં આવ્યું છે. ભારત દ્વારા મેક ઈન ઇન્ડિયા હેઠળ સંવાદની સાથે સાથે અન્ય એક મેસેજિંગ એપ સંદેશ પણ ડેવલોપ કરવામાં આવી રહી છે. ત્યારે મેસેજિંગ એપ્લિકેશન સંવાદને ડીઆરડીઓ એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા લીલી ઝંડી આપી દેવામાં આવી છે. ડીઆઇડીઓ દ્વારા સંવાદ એપની અનેક સુરક્ષા પરીક્ષા લેવામાં આવી હતી. જે બાદ એપ્લિકેશનને ટ્રસ્ટ એશ્યોરન્સ લેવલ (TAL) 4 માટે મંજૂરી અપાઈ છે. સંવાદ એપને એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને પ્લેટફોર્મ માટે તૈયાર કરવામાં આવી છે.


ડીઆઇડીઓ દ્વારા સોશિયલ મીડિયા પર જાહેરાત

ડીઆરડીઓ દ્વારા સોશિયલ મીડિયા એપ X પર સંવાદ એપ્લિકેશન અંગે એક પોસ્ટ કરવામાં આવી છે. જેમાં તેમને જણાવ્યું છે કે, સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલીમેટિક્સ દ્વારા વિકસિત સંવાદ એપ ડીઆઇડીઓના સુરક્ષા પરીક્ષણ અને ટ્રસ્ટ એશ્યોરન્સ લેવલ 4માં પાસ થઇ છે. આ એપ એન્ડ્રોઇડ અને iOS ઉપર એન્ડ ટુ એન્ડ સિક્યોરિટી સાથે યુઝર્સને વોઇસ અને ટેક્સ્ટ મેસેજિંગ કરવાની અનુમતિ આપશે.


કેટલીક એજન્સી માટે સંવાદ ઓનએર કરાઈ

હાલ, સંવાદ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે યુઝર્સે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલીમેટિક્સની સત્તાવાર વેબસાઈટ પર સાઈનએ કરવું પડશે. જેમાં યુઝર્સે પોતાની ઘણી અંગત વિગતો આપવાની રહેશે. જેમાં યુઝરનું નામ, ઈમેલ આઈડી, સરનામું, સંસ્થાનું નામ, મોબાઈલ નંબર વિગેરેનો સમાવેશ થાય છે. જે બાદ સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલીમેટિક્સ દ્વારા રજીસ્ટર મોબાઈલ નંબર પર એક ઓટીપી મોકલવામાં આવશે. જેના થકી યુઝર વેરિફિકેશન કરી શકશે. જોકે, હજી સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલીમેટિક્સ દ્વારા સંવાદ એપ્લિકેશન માત્ર ગણતરીની એજન્સી માટે જ ઓપન કરવામાં આવી છે. પરંતુ સામાન્ય લોકો માટે તેને જાહેર કરવામાં આવી નથી.


સંવાદ એપ્લીકેશનના ફીચર શું હશે ?

સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલીમેટિક્સની વેબસાઈટ ઉપર સંવાદ એપ્લિકેશન અંગે કેટલીક માહિતી આપવામાં આવી છે. જેમાં જણાવ્યા અનુસાર સંવાદના યુઝર્સને વન ઓન વન અને ગ્રુપ મેસેજિંગની સુવિધા આપવામાં આવશે. આ સાથે યુઝર્સને વોટ્સએપની જેમ જ સંવાદ એપ્લિકેશનમાં કોલ ફીચર પણ આપવામાં આવશે. તેની સાથે સાથે વોટ્સએપની જેમ જ યુઝર્સને સ્ટેટસ એડ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવશે. એટલું જ નહીં સંવાદ દ્વારા ફોટો, વીડિયો કે અન્ય કોઈ ડોક્યુમેન્ટ અન્ય યુઝરને શેર કરવાનો પણ વિકલ્પ આપવામાં આવશે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution