મુંબઈ-
કોરોના મહામારી અને લોકડાઉનના કમરતોડ ફટકા બાદ વૈશ્વિક અર્થતંત્રમાં રિકવરીના સંકેત મળી રહ્યા છે. ચીન અને અમેરિકાની અર્થવ્યવસ્થામાં ઝડપી સુધારાના પગલે સંયુક્ત રાષ્ટ્રસંઘે તાજેતરમાં વર્ષ ૨૦૨૧ની માટે વૈશ્વિક અર્થતંત્રના વૃદ્ધિદરના પૂર્વઅંદાજમા સંશોધન કર્યુ અને તે સુધારીને ૫.૪ ટકા વિકાસદર રહેવાની આગાહી કરી છે. સંયુક્ત રાષ્ટ્રે તાજેતરમાં કહ્યુ હતુ કે ભારતનો જીડીપી ગ્રોથ રેટ નાણાકીય વર્ષ ૨૦૨૨માં ૧૦.૧ ટકા રહી શકે છે કારણ કે આર્થિક વૃદ્ધિનું પરિદ્રશ્ય હજી નબળું દેખાઇ રહ્યુ છે. તેનું કારણ દેશમાં ઝડપથી ફેલાયેલી કોરોના મહામારીની બીજી લહેર છે.
અલબત્ત સંયુક્ત રાષ્ટ્રે ચેતવણી આપી છે કે કોરોના મહામારીના કેસો ફરી વધવાથી અને રસીની અપુરતી સપ્લાયના કારણે ઘણા દેશોમાં રિકવરીની ગતિ અવરોધાઇ શકે છે.સંયુક્ત રાષ્ટ્રે આ પૂર્વે જાન્યુઆરીમાં વૈશ્વિક અર્થતંત્રનો વિકાસદર વર્ષ ૨૦૨૧માં ૪.૭ ટકા રહેવાની આગાહી કરી હતી. જ્યારે ‘વર્ષ ૨૦૨૧ના મધ્ય વૈશ્વિક આર્થિક સ્થિતિ અને સંભાવનાની રિપોર્ટમાં જણાવ્યુ છે કે અમેરિકા અને ચીનની આગેવાનીમાં કેટલીક મોટી અર્થવ્યવસ્થાઓ એ ઝડપી રસીકરણ કર્યુ અને તેનાથી વૈશ્વિક વેપારમાં વધારો થયો છે.સંયુક્ત રાષ્ટ્રે ચેતવણી આપી છે કે આ સંકેત દુનિયાની બાકી અર્થવ્યવસ્થાઓમાં રિકવરી માટે પુરતા નથી અને દક્ષિણ એશિયા- આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશોની માટે આર્થિક પરિદ્રશ્ય અનિશ્ચિત છે.