પાકિસ્તાનથી બાંગ્લાદેશને સ્વતંત્ર કરવામાં ભારતનું યોગદાન ત્યાંના કટ્ટરપંથીઓ ભુલાવવા મથે છે

બાંગ્લાદેશમાં પાંચ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ શેખ હસીના વાજીદનો તખ્તો પલટાયો ત્યારથી બાંગ્લા રાષ્ટ્રવાદની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. બાંગ્લાદેશના રાષ્ટ્રવાદમાં એક તત્વ સેક્યુલર છે તો બીજી ધાર્મિક અને કટ્ટર. જે સેક્યુલર છે તે ભારતનો સમર્થક છે અને જે કટ્ટર ધાર્મિક છે તે ભારતવિરોધી છે. સેક્યુલર રાષ્ટ્રવાદનો આધાર બંગાળી ભાષા છે જે પાકિસ્તાનના વિરોધમાં અને ભારતની તરફેણમાં છે. જ્યારે કટ્ટર રાષ્ટ્રવાદનો આધાર ઇસ્લામ છે, જે પાકિસ્તાનના પક્ષમાં છે અને તેની ધાર્મિક લાગણીની ઓળખથી જાેડાયેલું છે. આ પાડોશી દેશમાં તખ્તાપલટ પાછળ પાકિસ્તાનની આઈએસઆઈનો હાથ હોવાનું પણ ઘણાનું માનવું છે. અફવા તો એવી પણ છે કે કટ્ટરપંથીઓનો ઈરાદો ભારતના પુર્વોત્તર પ્રદેશને ભેળવી દઈને બૃહદ બાંગ્લાદેશનું નિર્માણ કરવાનો છે.આ કટ્ટરપંથી રાષ્ટ્રવાદીઓ અલ્પસંખ્યકવિરોધી અને હિંસક વલણ ધરાવે છે. ધર્માંધતા એ હદે તેમના પર હાવી થઈ ગઈ છે કે પાકિસ્તાનથી બાંગ્લાદેશને સ્વતંત્ર કરવામાં ભારતના યોગદાનને પણ નકારી કાઢવામાં આવે છે અને એક સમયે બાંગ્લાદેશના રાષ્ટ્રપિતાનું બિરુદ મેળવનાર શેખ મુજીબુર્હેમાનની પ્રતિમાઓ પણ તોડી પડાઈ છે.

હવે બાંગ્લાદેશના ઈતિહાસકારો તેમના દેશને સ્વતંત્ર કરાવવામાં ભારતના યોગદાનને ભુલાવી દેવા માટે એવો તર્ક આપે છે કે કોઈ બાળકના જન્મમાં દાઈનો ઉલ્લેખ કરાયો હોય તો તેને માનો દરજ્જાે કેવી રીતે આપી શકાય.

 ૧૯૭૧માં પાકિસ્તાનથી બાંગલાદેશ અલગ થયુ તેનું એક કારણ ભાષા હતું તો ૧૯૪૭માં પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ વચ્ચે તિરાડનું કારણ પણ ભાષા હતું. પાકિસ્તાને બાંગ્લાદેશ પર જબરદસ્તી ઉર્દુ ભાષા લાદવાની કોશીશ કરી તેના પગલે બાંગ્લાદેશ અલગ થયો હતો. પરંતુ હવે બાંગ્લાદેશના ઈતિહાસકારો દોષનો ટોપલો ભારત પર ઢોળવા માંગે છે. એક ઈતિહાસકાર સઈદ ફિરદૌસ લખે છે કે અત્યાર સુધી વિભાજનનો જે ઈતિહાસ લખાયો છે તેના પર ભારતની જ છાપ છે. તેમાં ભારતના દુખઃદ સ્મરણો દર્શાવ્યા છે, પરંતુ બંગાળી મુસ્લિમોને નવી ઓળખ મળી તેનો ઉલ્લેખ નથી. વાસ્તવમાં આ સમગ્ર મામલો બંગાળી મુસલમાનને અન્ય બંગાળીઓથી ભાષાના માધ્યમનો સહારો લઈને અલગ કરવાનો છે અને ભારતની સ્વતંત્રતા પહેલાના સમયગાળામાં તેના બીજ રહેલા છે. ભારતમાંથી પાકિસ્તાન છુટું પડ્યુ અને બાંગ્લાદેશ પૂર્વ પાકિસ્તાન હતુ ત્યારે ૨૧ ફેબ્રુઆરી, ૧૯૫૨માં બંગાળી ભાષાને દ્વિતિય રાષ્ટ્રીય ભાષાનો દરજ્જાે અપાવવા પ્રચંડ વિદ્યાર્થી આંદોલન થયુ હતુ. ઓદોલનકારીઓ પર પોલીસે ભારે અત્યાચાર ગુજાર્યો અને ગોળીબારમાં સેંકડો વિદ્યાર્થીઓના મોત થયા. પરંતુ આખરે પાકિસ્તાન સરકારને ઝુકવુ પડ્યુ અને ૧૯૫૬માં બંગાળી ભાષાને દ્વિતિય રાષ્ટ્રભાષાનો દરજ્જાે અપાયો. માતૃભાષા માટે વિદ્યાર્થીઓના બલિદાનનો વિશ્વમાં એવો પડઘો પડ્યો કે ૧૯૯૯માં યુનોએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ૨૧ ફેબ્રુઆરીની તારિખ પસંદ કરી અને આ દિવસ સમગ્ર વિશ્વમાં હવે ઉજવાય છે.

 આમ છતાં હવે બાંગ્લાદેશમાં ભાષા અને પ્રાંતની અસ્મિતા પર ધર્મ હાવી થઈ ગયો છે. અને જે ગૌરવ અને સ્વાભિમાન માટે બાંગ્લાદેશ મુક્તિ આંદોલનના નેતાઓ અને સેનાનીઓએ બલિદાન આપ્યા તેમને જ ખલનાયક બનાવી દેવામાં આવ્યા છે.

શેખ હસીનાની સરકારને ઉથલાવવાનો જે સમગ્ર ઘટનાક્રમ સર્જાયો તે બંગાળી અસ્મિતા અને કટ્ટર ધાર્મિક રાષ્ટ્રવાદ વચ્ચેની એક સદી જુની લડાઈના પરિપાકરૂપે છે, અને દઃખની વાત એ છે કે તેમાં કટ્ટરવાદીઓના ઈરાદા સફળ થયા છે.

શેખ હસીના પછીનું બાંગ્લાદેશ ભારતનું મિત્ર બની રહે તેવા આસાર ઓછા છે. અને સત્તા પર આવેલી સરકાર ભલે ભારતનો ખુલ્લો વિરોધ કરી શકે નહીં પરંતુ ભારતવિરોધી ગતિવિધિઓ સામે આંખ આડા કાન કરે અને તેને ઉત્તેજન આપવાની કોશીશ કરે તેની પ્રબળ આશંકા તો રહે જ છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution