વોશિંગ્ટન-
અમેરીકામાં એક વધુ ભારતીય મહિલાએ મોટી સિદ્ધિ હાંસલ કરી બતાવી છે. આ મહિલાનું નામ સલેહા જબીન છે. એ ભારતમાં જન્મી અને મોટી થઈ છે. તેમને અમેરીકી સેનામાં ચેપલિન એટલે કે, ધાર્મિક સલાહકાર કે ઉપદેશક બનાવવામાં આવ્યા છે. અમેરીકી સેનામાં સિપાહીઓને ધાર્મિક ઉપદેશ આપવા માટે પણ ખાસ અધિકારી હોય છે. સલેહા લશ્કરમાં આ જવાબદારી સંભાળશે. આવી જવાબદારી કોઈને સોંપાઈ હોય એવી સલેહા પહેલી ભારતીય મહિલા છે. સંરક્ષણ મંત્રાલયમાં ઉપદેશક તરીકે જોડાનારી પહેલી મહિલા મુસ્લિમ પણ બની છે.
સલેહાએ એર ફોર્સમાં ચેપલિન કોર્સમાં સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ કર્યો છે. તેને ગયા વર્ષે ડિસેમ્બરમાં શિકાગોમાં કેથલિક થિયોલોજીકલ યુનિયનમાં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે નિયુક્ત કરાઈ હતી. અમેરીકી સેના દ્વારા બુધવારે જાહેરાત થઈ એ પ્રમાણે તેનો સ્નાતક કક્ષાનો પદવીદાન સમારંભ જ ગત પાંચમી ફેબ્રુઆરીએ થયો હતો.
આ પ્રસંગે સલેહાએ કહ્યું હતું કે, મને મારી નિયુક્તિ પર ગર્વ છે. હું કહી શકું છું કે, સેના કોઈના માટે પણ સેવાની જગ્યા બની શકે છે. મારે મારી ધાર્મિક આસ્થા સાથે કશી બાંધછોડ કરવી પડી નથી. મારી આજુબાજુ એવા લોકો છે જે મારું સન્માન કરે છે. મારી સાથે કામ કરવા ઉત્સાહિત છે અને મને અહીં કૌશલ્ય વિકાસ માટે અનેક તકો આપવામાં આવી છે અને તેને પગલે હવે મને એક અધિકારી તરીકે અને ધાર્મિક બાબતોમાં ઉપદેશ આપવાની જવાબદારી સોંપવામાં આવી છે. જબીન 14 વર્ષ પહેલા ભણવા માટે અમેરીકા આવી હતી.
એરફોર્સના કેપ્ટન જોન રિચાર્ડ્સને કહ્યું હતું કે, અમે ફ્રંટલાઈન ચેપલેનને એવી રીતે તૈયાર કરીએ છીએ જેથી તેઓ સેનાના જવાનોને આધ્યાત્મિક માર્ગદર્શન આપી શકે.