નવી દિલ્હી:ટી-૨૦ વર્લ્ડ કપ 2024ની ચેમ્પિયન ભારતીય ટીમનું આગામી લક્ષ્ય ચેમ્પિયન ટ્રોફી છે. ભારત કોઈપણ ભોગે પાકિસ્તાન દ્વારા આયોજિત થનારી આ ટુર્નામેન્ટનું ટાઈટલ જીતવા ઈચ્છશે. બીસીસીઆઇ સેક્રેટરી જય શાહે કહ્યું છે કે રોહિત શર્મા ચેમ્પિયન ટ્રોફી 2025માં ભારતની કપ્તાની કરશે અને ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં વરિષ્ઠ ખેલાડીઓ સાથે ભાગ લેશે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના એક સ્ત્રોતે માહિતી આપી છે કે ભારતીય ક્રિકેટ ટીમ 2025 આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જાય તેવી શક્યતા નથી. આ માટે બીસીસીઆઇ આઇસીસીને દુબઈ અથવા શ્રીલંકામાં મેચનું આયોજન કરવા કહેશે. હવે જોવાનું એ રહે છે કે બીસીસીઆઇ દ્વારા સ્થળ બદલવાના અનુરોધ બાદ આઇસીસી શું પગલા લે છે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ 17 વર્ષ બાદ ભારતીય ટીમના પાકિસ્તાન પ્રવાસને શક્ય બનાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે. પીસીબી ભારતના તમામ સ્થળો એક જ સ્થળ લાહોરમાં રાખવા પર પણ વિચાર કરી રહી છે. અગાઉ પીસીબીએ ચેમ્પિયન ટ્રોફી માટે હાઇબ્રિડ મોડલ પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. 2008માં મુંબઈ હુમલા બાદ ભારત-પાકિસ્તાનના સંબંધો સતત બગડી રહ્યા છે, ત્યારથી ભારતીય ટીમે પાકિસ્તાનમાં ક્રિકેટ રમી નથી.પીસીબીની યજમાનીમાં આવતા વર્ષે ફેબ્રુઆરીમાં ચેમ્પિયન ટ્રોફી રમાશે. પીસીબીએ આ માટે લગભગ ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. બોર્ડે અગાઉ કહ્યું હતું કે જો ભારતીય ટીમ રાજકીય અને સુરક્ષા કારણોસર પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે તો પીસીબી વળતર માટે હકદાર રહેશે.