ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ આંખોમાં આંસુ સાથે મેદાનમાંથી વિદાય લીધી:



નવી દિલ્હી :ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ આંખોમાં આંસુ સાથે મેદાનમાંથી વિદાય લીધી હતી. તે પોતાની છેલ્લી મેચને યાદગાર બનાવી શક્યા નહિ. ભારતે કુવૈત સામે ફીફા વિશ્વ કપ 2024 ક્વોલિફાયર મેચ ગોલ વગર ડ્રો રમી હતી. મેચ બાદ છેત્રીને કોલકાતામાં સાથી ખેલાડીઓએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું. આ દરમિયાન તે ભાવુક જોવા મળ્યા હતા. જો ભારતે જીત નોંધાવી હોત તો છેત્રી માટે સારી વિદાય બની હોત કેમ કે, આ મેચ ડ્રો થતા ભારતની ક્વોલિફાર્સના ત્રીજા તબક્કામાં પહોંચવાની સંભાવનાઓને જોરદાર ઝટકો લાગ્યો છે. આ મેચ ડ્રો થવાને કારણે ભારતના હવે 5 પોઈન્ટ થઈ ગયા છે. તેણે તેની છેલ્લી મેચ 11 જૂને એશિયન ચેમ્પિયન કતાર સામે રમવાની છે. કુવૈતના ચાર પોઈન્ટ છે અને તે જ દિવસે અફઘાનિસ્તાન સામે મેચ રમશે. ભારતીય ફૂટબોલની ઓળખ એવા 39 વર્ષીય સુનીલ છેત્રીએ આ મેચ સાથે પોતાની 19 વર્ષની લાંબી આંતરરાષ્ટ્રીય કારકિર્દીને અલવિદા કહી દીધું. તેણે ભારત માટે 94 ગોલ કર્યા હતા.
જાહેરાત
છેત્રીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં 94 ગોલ કર્યા
તે પોર્ટુગલના સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (128), ઈરાનના દિગ્ગજ અલી ડેઈ (108) અને આર્જેન્ટિનાના કરિશ્માઈ ખેલાડી લિયોનેલ મેસી (106) પછી આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ ગોલ કરનારની યાદીમાં ચોથા સ્થાને છે. ભારત જેવા દેશના ખેલાડી માટે આ એક મોટી સિદ્ધિ છે અને જ્યારે તેણે 16 મેના રોજ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી ત્યારે ફિફાએ પણ તેની સિદ્ધિઓની પ્રશંસા કરી હતી.છેત્રીને વિદાય આપવા માટે હજારો દર્શકો સ્ટેડિયમ પહોંચ્યા હતા. સોલ્ટ લેક સ્ટેડિયમની ક્ષમતા 68000 દર્શકોની છે અને આખું સ્ટેડિયમ ભરચક હતું. તેમના પિતા ખરગા અને માતા સુશીલા અને પત્ની સોનમ ભટ્ટાચાર્ય ઉપરાંત ઘણા અધિકારીઓ અને ભૂતપૂર્વ ખેલાડીઓ પણ તેમાં સામેલ હતા. જો કે, દર્શકો આખરે અફસોસ રહી ગયો હતો કે છેત્રી પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચમાં ગોલ કરી શક્યા નહીં. જોકે, છેત્રી ક્લબ ફૂટબોલ રમવાનું ચાલુ રાખશે. તેનો આગામી વર્ષ સુધી ઈન્ડિયન સુપર લીગ ટીમ બેંગલુરુ એફસી સાથે કરાર છે. છેત્રીએ તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ 12 જૂન 2005ના રોજ ક્વેટામાં પાકિસ્તાન સામે રમી હતી. તે મેચ 1-1થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી. તે મેચમાં છેત્રીએ એક ગોલ કર્યો હતો પરંતુ તે ગુરુવારે એવો કરિશ્મા બતાવી શક્યો નહોતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution