લારા દત્તા હાલ તેની કૅરિઅરના હાઇ પોઇન્ટ પર છે. તેણે નિતિશ તિવારીની ‘રામાયણ’નું શૂટિંગ પૂરું કરી લીધું છે, જેમાં તે કૈકેયીનું પાત્ર ભજવી રહી છે. સાથે જ તે ‘રણનીતિઃ બાલાકોટ એન્ડ બીયોન્ડ’માં કામ કરી રહી છે, જેમાં તે એક પાવર બ્રોકરનો રોલ કરી રહી છે. તાજેતરના ઇન્ટર્વ્યુમાં લારાએ આજે કઈ રીતે મહિલાઓ માટેના રોલ લખાઈ રહ્યા છે, તે અંગે વાત કરી હતી. હવે મહિલાઓ વિશે શું બદલાયું છે, તે અંગે લારાએ જણાવ્યું, “મને લાગે છે કે અત્યારે ફિલ્મ બિઝનેસમાં વધારે સંખ્યામાં મહિલા લેખકો અને ડિરેક્ટર્સ પણ છે. ઘણી મહિલાઓ વિવિધ ડિપાર્ટમેન્ટની હેડ છે. તેથી મહિલાઓનું પ્રતિનિધિત્વ પહેલાં કરતાં સારું દેખાય છે. આપણી પાસે આજે સારી રીતે લખાયેલાં પાત્રો છે, કારણ કે મહિલાઓ મહિલાઓ માટે લખી રહી છે, આવું પહેલાં ક્યારેય નહોતું. હવે મજા આવે છે અને કામ કરવામાં વધુ રસ પડે છે. કામ કરવા માટેનો આ અદ્દભુત સમય છે.” આ પરિવર્તન માટે દર્શકો કેટલા જવાબદાર છે તે અંગે લારાએ કહ્યું, “જાે તમે એક દૃષ્ટિએ જુઓ તો, લાંબા સમયથી મોટા ભાગનાં દર્શકો હંમેશા મહિલાઓ જ રહી છે. કમનસીબે, તેમને સ્ક્રીન પર તેમનું યોગ્ય પ્રતિનિધિત્વ ક્યારેય મળ્યું જ નથી, તે ખતરનાક સાસુ હશે, બલિદાન આપતી મા હશે અથવા તો એક એવી પત્ની હશે જે પતિની વિરુદ્ધ ક્યારેય જતી જ નથી. તેથી મહિલાઓ તેમની પોતાની જાત માટે બોલી શકે તેવી શક્યતાઓ મર્યાદીત હતી. તેઓ તેમની જાતને આવા રોલ માટે પડદા પર જાેઈ શકતી નહોતી. મને લાગે છે કે આજે તેમાં મોટું પરિવર્તન આવ્યું છે. તે ઉપરાંત ઓટીટીમાં આવેલી ક્રાંતિના કારણે પણ ઓડિયન્સમાં મહિલઓનો હિસ્સો કેટલો છે, તે જાણી શકાય છે. તેથી મહિલાઓને શું જાેવું છે તે હવે જાણી શકાય છે, તેથી તેના પરિણામ પડદા પર જ દેખાય છે.”