ભારત કોલસા આધારિત વીજ ક્ષમતામાં ૫૦થી ૬૦ ગીગા વોટનો ઉમેરો કરશે


મુંબઈ,તા.૭

મૂડી'સ રેટિંગ્સના એક અહેવાલ પ્રમાણે દેશમાં રિન્યુએબલ ઊર્જાના ૫૦૦ ગીગાવોટસના ટાર્ગેટને સિદ્ધ કરવા ૩૮૫ અબજ ડોલરના રોકાણની આવશ્યકતા છે, આમછતાં આગામી એક દાયકા સુધી વીજ ઉત્પાદન માટે કોલસો મુખ્ય સ્રોત તરીકે ચાલુ રહેશે. રિન્યુએબલ ઊર્જાના ૫૦૦ ગીગા વોટના ટાર્ગેટને સિદ્ધ કરવા બિન-પ્રદૂષિત ઊર્જા સ્રોત મારફતની વીજ ઉત્પાદન ક્ષમતામાં દર વર્ષે ૫૦ ગીગા વોટના ઉમેરાને ઝડપી બનાવવાનો હેતુ ધરાવે છે. ૨૦૨૨ સુધીમાં ૧૭૫ ગીગા વોટના ટાર્ગેટને ભારત ચૂકી ગયું છે.

 દર વર્ષે ૪૪ ગીગા વોટના ઉમેરા સાથે ભારત તેના ટાર્ગેટને સિદ્ધ કરી શકે છે. આ માટે, તેણે આગામી છ થી સાત વર્ષમાં ક્ષમતા ઉમેરા માટે ૧૯૦ અબજ ડોલરથી ૨૧૫ અબજ ડોલર ખર્ચવાના રહેશે. આ ઉપરાંત પરિવહન તથા વિતરણ માળખા પાછળ ૧૫૦ અબજ ડોલરથી ૧૭૦ અબજ ડોલર ઈન્વેસ્ટ કરવાના રહેશે એમ મૂડી'સે જણાવ્યું હતું.

જાહેર થયેલા પ્રોજેકટસમાંથી મોટાભાગના પ્રોજેકટસ રેટિંગ સાથેની રિન્યુએબલ ઊર્જા કંપનીઓના નાણાંકીય જાેખમને આગામી બેથી ત્રણ વર્ષ સુધી ઊંચુ રાખશે જે ક્રેડિટ નેગેટિવ રહેશે. ભારત સરકારના મજબૂત ટેકાને પરિણામે દેશમાં વીજ ઉત્પાદન ક્ષમતામાં રિન્યુએબલ ઊર્જાનો હિસ્સો વધીને નાણાં વર્ષ ૨૦૨૩-૨૪ના અંતે ૪૩ ટકા પર આવી ગયો છે. ટેકાને કારણે વીજ ક્ષેત્રમાં ઈન્વેસ્ટમેન્ટ આકર્ષાયું છે.

સતત નીતિવિષયક ટેકા સાથે ૨૦૩૦ સુધીના ટાર્ગેટને સિદ્ધ કરવા તરફ નોંધપાત્ર પ્રગતિ થઈ શકશે એમ પણ મૂડી'સ દ્વારા જણાવાયું છે. રિન્યુએબલ ઊર્જા ખાસ કરીને સોલાર વીજમાં સ્થિર વિકાસ છતાં, દેશમાં આગામી આઠથી દસ વર્ષ સુધી વીજ ઉત્પાદનમાં કોલસાની ભૂમિકા જળવાઈ રહેશે એમ પણ એજન્સીના રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

આગામી પાંચ-છ વર્ષમાં ભારત કોલસા આધારિત વીજ ક્ષમતામાં ૫૦થી ૬૦ ગીગા વોટનો ઉમેરો કરશે,કારણ કે આ ગાળામાં વીજ માગમાં વાર્ષિક પાંચથી છ ટકા વધારો થવાની ધારણાં રાખવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution