નવી દિલ્હી,તા.૩૦
કાળું નાણું સફેદ થતું અટકાવવા માટે વિશ્વવ્યાપી દેખરેખ કરતી સંસ્થા ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એ કહ્યું છે કે ભારતે તેની માર્ગદર્શિકા અનુસાર ઉચ્ચ સ્તરીય તકનીકી અનુપાલન સ્તર પ્રાપ્ત કર્યું છે. પરંતુ તેણે કેટલાક બિન-નાણાકીય ક્ષેત્રોમાં નિવારક પગલાં લાગુ કરવા અને દેખરેખને મજબૂત કરવા માટે વધુ કરવું જાેઈએ. ટાસ્ક ફોર્સે એક સંક્ષિપ્ત નિવેદનમાં, ભારતને નિયમિતપણે દેખરેખ હેઠળની શ્રેણીમાં મૂક્યું છે અને કહ્યું છે કે તેણે મની લોન્ડરિંગ અને આતંકવાદી ધિરાણ સંબંધિત કેસોમાં મુકદ્દમાના વહેલા નિકાલ માટે પગલાં લેવાની જરૂર છે.
કેન્દ્રીય નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ટાસ્ક ફોર્સના મૂલ્યાંકનમાં ભારતનું પ્રદર્શન આપણા ઝડપથી વિકસતા અર્થતંત્ર માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તે આપણી નાણાકીય વ્યવસ્થાની એકંદર સ્થિરતા અને અખંડિતતાને પ્રતિબિંબિત કરે છે.ટાસ્ક ફોર્સને કોઈપણ કાયદા દ્વારા સમર્થન ન હોવા છતાં, વૈશ્વિક રોકાણકારો તેના તારણોને ખૂબ મહત્વ આપે છે. ટાસ્ક ફોર્સએ પોતાના એસેસમેન્ટ રિપોર્ટમાં ભારત વિશે આ વાત કહી છે. રિપોર્ટમાં મની લોન્ડરિંગ અને આતંકવાદી ધિરાણ જેવા મુદ્દાઓ સાથે વ્યવહાર કરવા માટે ભારત દ્વારા લેવામાં આવેલા પગલાંની અસરકારકતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. નાણા મંત્રાલય માને છે કે સારા રેટિંગથી ભારતને વૈશ્વિક નાણાકીય બજારો અને સંસ્થાઓ સુધી તેની પહોંચ સુધારવામાં મદદ મળશે. તેનાથી રોકાણકારોનો ભારત તરફનો વિશ્વાસ પણ વધશે. ટાસ્ક ફોર્સ આકારણીના ચોથા રાઉન્ડમાં, ય્૨૦ જૂથના ૧૭ દેશોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, જેમાંથી ભારત સહિત ચાર દેશોને 'રેગ્યુલર ફોલો અપ' શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. જ્યારે જૂથના અન્ય દેશોને 'વધુ ફોલો અપ' શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. ટાસ્ક ફોર્સએ કહ્યું છે કે ભારતે અમુક બિન-નાણાકીય ક્ષેત્રોમાં નિવારક પગલાંની દેખરેખ અને અમલીકરણને મજબૂત કરવાની જરૂર છે. તેણે રોકડ આધારિત અર્થવ્યવસ્થામાંથી ડિજિટલ અર્થવ્યવસ્થા તરફ આગળ વધવા સહિત મની લોન્ડરિંગ અને આતંકવાદને ધિરાણ દ્વારા ઉભા થતા જાેખમોને ઘટાડવાના ભારતના પ્રયાસોને સ્વીકાર્યા હતા.