ભારતે ઝિમ્બાબ્વેને ૪૨ રને હરાવી સિરીઝ ૪-૧થી કબજે કરી


હરારે:સંજૂ સેમસનની દમદાર અડધી સદી બાદ બોલરોના કમાલથી ભારતે પાંચ ટી૨૦ મેચની સિરીઝના અંતિમ મુકાબલામાં ઝિમ્બાબ્વેને ૪૨ રને હરાવ્યું છે. આ જીતની સાથે ટીમ ઈન્ડિયાએ સિરીઝ ૪-૧થી પોતાના નામે કરી લીધી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાને ટોસ હાર્યા બાદ બેટિંગ કરવાનું આમંત્રણ મળ્યું હતું. ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી નહીં, પરંતુ સેમસનની શાનદાર ઈનિંગની મદદથી ભારતે ૨૦ ઓવરમાં ૧૬૭ રન બનાવ્યા હતા. ત્યારબાદ ટીમ ઈન્ડિયાના બોલરેએ ઝિમ્બાબ્વેને માત્ર ૧૨૫ રન પર રોકી દીધુ હતું. ભારત માટે સંજૂ સેમસને સૌથી વધુ ૪૫ બોલમાં ૫૮ રન ફટકાર્યા હતા. પોતાની ઈનિંગમાં સંજૂએ ૪ સિક્સ અને એક ચોગ્ગો લગાવ્યો હતો. સંજૂ સિવાય ભારતીય બેટિંગમાં શિવમ દુબેએ ૧૨ બોલમાં બે ફોર અને બે સિક્સ સાથે ૨૬ રન ફટકારી દીધા હતા. તો રિયાન પરાગે ૨૨ રન, અભિષેક શર્માએ ૧૪, શુભમન ગિલ ૧૩ અને યશસ્વીનું ૧૨ રનનું યોગદાન રહ્યું હતું. આ સિવાય રિંકૂ સિંહ ૧૧ રન બનાવી અણનમ રહ્યો હતો. ઝિમ્બાબ્વે વિરુદ્ધ આ મુકાબલામાં ૧૬૮ રનના લક્ષ્યનો બચાવ કરવા ઉતરેલી ભારતીય ટીમ તરફથી મુકેશ કુમારે સૌથી વધુ ૪ વિકેટ લીધી હતી. આ સિવાય શિવમ દુબેને બે સફળતા મળી હતી. જ્યારે વોશિંગટન સુંદર, તુષાર દેશપાંડે અને અભિષેક શર્માના ખાતામાં એક-એક વિકેટ આવી હતી.

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી યજમાન ઝિમ્બાબ્વેની શરૂઆત ભારત વિરુદ્ધ ખાસ રહી નહીં. ઝિમ્બાબ્વેએ એક રનના સ્કોર પર પોતાની પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. યજમાન ટીમને ૧૫ રને બીજાે ઝટકો લાગ્યો હતો. પરંતુ ત્યારબાદ ઝિમ્બાબ્વેના બેટરોએ જરૂર ઈનિંગ સંભાળવાનો પ્રયાસ કર્યો પરંતુ ટીમ ૧૨૫ રન પર પહોંચી ઢેર થઈ ગઈ હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution