ન્યૂયોર્ક-
ભારતે સંયુક્ત રાષ્ટ્રના આતંકવાદ વિરોધી ટ્રસ્ટ ફંડમાં વધારાના 5,00,000 ડોલરનું યોગદાન આપ્યું છે. આ સાથે આતંકવાદ સામે લડવા માટે સ્થાપિત સંયુક્ત રાષ્ટ્ર કચેરીમાં ભારતનું યોગદાન એક મિલિયન ડોલરને વટાવી ગયું છે. ભારતે કહ્યું કે, તે આતંકવાદ સામે લડવાના સામાન્ય હેતુને આગળ વધારવા માટે સંયુક્ત રાષ્ટ્ર કચેરી સાથે સહયોગ ચાલુ રાખવા માગે છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશન દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે કે, સંયુક્ત રાષ્ટ્રના આતંકવાદ વિરોધી ટ્રસ્ટ ફંડમાં 5,00,000 ડોલરનું યોગદાન આપવાનો ભારતને ગર્વ છે અને આ રકમ સાથે ભારતનું અત્યાર સુધીનું કુલ યોગદાન 10.05 લાખ છે. મિશને જણાવ્યું હતું કે, તે આતંકવાદ સામે લડવાના તેમના સામાન્ય ઉદ્દેશને આગળ ધપાવવા માટે વિશિષ્ટ કાર્યક્રમો અને પ્રોજેક્ટ્સ પર સંયુક્ત રાષ્ટ્રની ઓફિસ ઓન કાઉન્ટર-ટેરરિઝમ (UNOCT) સાથે સહયોગ ચાલુ રાખવા ઇચ્છુક છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ ટી. એસ. તિરુમૂર્તિએ ટ્વિટ કર્યું છે કે, ભારતે આતંકવાદ વિરોધી ટ્રસ્ટ ફંડમાં વધારાના 5,00,000 ડોલરનું યોગદાન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભારતે આફ્રિકા સહિત UNOCTમાં એક મિલિયન ડોલરથી વધુનું યોગદાન આપ્યું છે.